મહારાષ્ટ્રનો રાજકીય ખેલ ક્ષણે-ક્ષણે રોમાંચક બની રહ્યો છે. પોતાની સાથે ધારાસભ્યોને લઈને સુરત અને ત્યાંથી ગુવાહાટી પહોંચેલા શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પાસે સંખ્યાબળ વધુ મજબૂત થતું જાય છે ત્યાં બીજી તરફ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેનાના ગણ્યાગાંઠ્યા નેતાઓ-ધારાસભ્યો બચ્યા છે. મહારાષ્ટ્ર સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના કાર્યકરોને જે નેતાઓ હજુ પણ મુંબઈમાં છે તેમની ઉપર નજર રાખવા માટેના આદેશ આપ્યા છે. દરમ્યાન, ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા ગુલાબરાવ પાટીલ પણ ગુવાહાટી પહોંચી ગયા છે.
જોકે, ગુલાબરાવ પાટીલની ગુવાહાટી પહોંચવાની ઘટના ફિલ્મી ઢબે બની છે. શિવસેનાના નેતા અને મંત્રી ગુલાબરાવ પાટીલ અત્યાર સુધી મુંબઈમાં જ હતા અને તેમની ઉપર નજર રાખવા માટે શિવસેનાએ માણસો પણ લગાડ્યા હતા, પરંતુ તેમને ચકરાવે ચડાવીને ગુલાબરાવ પાછળના રસ્તેથી ભાગી છૂટ્યા હતા અને ગુવાહાટી પહોંચીને શિંદે કેમ્પમાં સામેલ થઇ ગયા હતા.
The escape of #ShivSena Min #GulabraoPatil from Mumbai to Guwahati is a script from Bollywood. Apparently Patil went unreachable first, then an entire troop of ShivSainiks started looking for him, they went to hotel where MLAs were staying, only to find him missing from there.
— Singh Varun (@singhvarun) June 23, 2022
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ અનુસાર, મંગળવારે સાંજે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેના નેતા ગુલાબરાવ પાટીલ સંપર્કવિહોણા બની ગયા હોવાના સમાચાર મળતા પાર્ટી ચિંતામાં મૂકાઈ હતી. પાર્ટી હાઇકમાન્ડને આ બાબતની જાણ થતાં તાત્કાલિક પાર્ટીએ પોતાના માણસોને કામે લગાડ્યા અને કોઈ પણ ભોગે ગુલાબરાવ પાટીલને શોધીને તેમની વાત મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે કરાવવા માટે આદેશ આપ્યા હતા.
પાર્ટી તરફથી આદેશ મળ્યા બાદ શિવસેનાના નેતાઓએ દક્ષિણ મુંબઈના કાર્યકર્તાઓને પાટીલને શોધી લાવવાનું કામ સોંપ્યું હતું. જે બાદ દક્ષિણ મુંબઈના શાખા પ્રમુખ પાંડુરંગ સકપાલની આગેવાનીમાં શિવસેના કાર્યકરો ગુલાબ રાવ પાટીલને શોધવા મંડી પડ્યા હતા. જોકે, આખી રાતની માથાકૂટ પછી પણ આ નેતાઓ ગુલાબરાવ પાટીલનો પત્તો મેળવી શક્યા ન હતા.
આખરે બુધવારે સવારે પાટીલ નરીમાન પોઇન્ટ ખાતેના તેમના નિવાસસ્થાનની બહાર મળી આવ્યા હતા. જે બાદ તાત્કાલિક શિવસેના કાર્યકરો તેમની પાસે પહોંચ્યા અને તેમને મુખ્યમંત્રી સાથે વાત કરવા માટે કહ્યું હતું હતું. પરંતુ શિવસેના શાખા પ્રમુખ સકપાલને પાટીલે કહ્યું કે તેઓ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પહેલથી જ વાત કરી ચૂક્યા છે. આશ્ચર્ય વચ્ચે આ વાત શિવસેના કાર્યકરોએ માની પણ લીધી હતી.
જોકે, શિવસેના નેતાઓએ ત્યારબાદ ગુલાબ રાવ પાટીલને પોતાની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા બંગલો’ આવવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ પાટીલે તેમને કહ્યું કે તેમને મંત્રાલય ખાતેની તેમની ઑફિસે થોડું અગત્યનું કામ હોઈ તે પતાવીને તેઓ તેમની સાથે આવશે. આ વાત પણ શિવસેના કાર્યકર્તાઓએ માની લેતાં તેમની સાથે તેઓ મંત્રાલય પહોંચ્યા હતા.
મંત્રાલય પહોંચ્યા બાદ શિવસેના નેતાઓએ એવું માનીને રાહતનો શ્વાસ લીધો હતો કે હવે પાટીલ તેમની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવશે અને તેમનું મિશન પાર પડશે. પણ આ તરફ ગુલાબ રાવ પાટીલે જુદી જ વ્યવસ્થા ગોઠવી રાખી હતી. તેમની સરકારી ગાડી મંત્રાલયની બહાર જ રહેવા દઈ પાટીલ અન્ય ખાનગી વાહનમાં પાછળના રસ્તે નીકળી ગયા હતા. બીજી તરફ, શિવસૈનિકો બહાર બેઠા નિરાંતે તેમની રાહ જોઈ રહ્યા હતા.
ગુલાબ રાવ પાટીલ ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે થઈને ચેમ્બુર અને ત્યાંથી એરપોર્ટ પહોંચ્યા હતા. જે બાદ ત્યાંથી તેઓ ગુવાહાટી જવા માટે રવાના થયા હતા અને ત્યાં એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા હતા. જોકે, શિવસેનાના કાર્યકર્તાઓને ગંધ આવતાં તેમણે ગુલાબરાવ પાટીલનો પીછો કરી જોયો પણ ત્યાં સુધીમાં પાટીલ દૂર પહોંચી ગયા હતા.
એકનાથ શિંદે પાસે ચાળીસથી વધુ ધારાસભ્યો પહોંચતા હવે ઉદ્ધવ ઠાકરે પાસે થોડા જ ધારાસભ્યો વધ્યા છે. આ ધારાસભ્યો પર નજર રાખવા માટે શિવસેનાએ પોતાના માણસો કામે લગાડ્યા છે. જોકે, આ કામ પણ શિવસેનાના કાર્યકરોથી ઠીક રીતે થઇ રહ્યું નથી તેમ લાગી રહ્યું છે.