ઉત્તર પ્રદેશથી (Uttar Pradesh) ઉત્તરાખંડ જતી એક ટ્રેનને મોટો અકસ્માત થતાં-થતાં રહી ગયો. અહીં UPના રામપુરના બિલાસપુર અને ઉત્તરાખંડના રુદ્રપુર વચ્ચે એક રેલવે ટ્રેક પર લગભગ છ મીટર લાંબો ટેલિકોમ પોલ મૂકી દેવામાં આવ્યો હતો. જોકે, અહીંથી પસાર થતી નૈની જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે સમયસર જોઈ લેતાં બ્રેક લગાવીને ટ્રેન થોભાવી દીધી હતી. જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. આ મામલે રેલવેને ફરિયાદ કરવામાં આવતાં તપાસ શરૂ કરવામાં આવી છે અને આશંકા છે કે વધુ એક ટ્રેન ઉથલાવી દેવાનું કાવતરું રચવામાં આવ્યું હોય શકે.
રેલવેના જણાવ્યા અનુસાર, આ ઘટના 18 સપ્ટેમ્બરે સામે આવી હતી. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું કે, રાત્રે લગભગ 10:18 કલાકે ટ્રેન નંબર 12091 (નૈની જન શતાબ્દી એક્સપ્રેસ)ના લોકો પાયલટે રુદ્રપુર સિટીના સ્ટેશન માસ્ટરને જણાવ્યું હતું કે, તેમણે બિલાસપુર રોડ અને રુદ્રપુર શહેર વચ્ચે ટ્રેક પર એક 6 મીટર લાંબો લોખંડનો પોલ જોયો હતો. તેમણે ટ્રેન થોભાવી, ટ્રેક પરથી અડચણ હટાવી અને ત્યારબાદ સુરક્ષિત રીતે ટ્રેન આગળ ચલાવી હતી.
On 18.09.24 at 22.18 hrs, Loco Pilot of train number 12091 reported to Station Master of Rudrapur City that he found one 6-meter-long iron pole on the track between Bilaspur Road and Rudrapur City at km 43/10-11. Driver stopped the train, cleared track and then started the train… pic.twitter.com/ARGdVQiBLW
— ANI (@ANI) September 19, 2024
ઘટનાની જાણ થયા બાદ રેલવેના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા, જેમણે મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. હાલ આ કોણે કર્યું અને કયા મકસદ સાથે કર્યું તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ સામે આવી છે આ પ્રકારની ઘટનાઓ
આ અગાઉ પણ ટ્રેન ઉથલાવી દેવાનાં ષડ્યંત્ર સામે આવ્યાં હતાં. હરિયાણાથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ (14723) કાનપુરમાં અનવરગંજ-કાસગંજ રુટ પર રાખેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ મોટો ધડાકો પણ થયો હતો. લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી.
ગત મહિને ઉત્તર પ્રદેશના કાનપુરમાં જ અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. આવી અન્ય પણ અમુક ઘટનાઓ તાજા ભૂતકાળમાં જ સામે આવી.
અજમેરના સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે 2 સ્થળોએ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર 70-70 કિલોના વજનના બ્લોક રાખી દીધા હતા. આમ કરવા પાછળ સ્પષ્ટપણે ટ્રેન ઉથલાવી દેવાનો કારસો હતો. બ્લોક જે ટ્રેક પર મુકવામાં આવ્યા હતા ત્યાંથી એક માલગાડી ઝડપથી પસાર થઇ હતી, પરંતુ સદનસીબે ટ્રેન અથડાવવાથી બ્લોક તૂટી ગયો અને ટ્રેન આગળ નીકળી ગઈ હતી. આ સિવાય સોલાપુરમાં પણ ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
ઉપરાછાપરી આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ રેલવે મંત્રાલય પણ સતર્ક થયું છે અને આ ઘટનાઓની તપાસ શરૂ કરી છે.