કર્ણાટકની (Karnataka) કોંગ્રેસ સરકારે નવા વર્ષના પહેલા જ અઠવાડિયે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા સંચાલિત બસનાં ભાડાંમાં (Bus Fare) 15%નો વધારો ઝીંકી દીધો છે. ગુરુવારે (2 જાન્યુઆરી) મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ ભાવવધારાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી. જેની સાથે જ મફતની યોજનાઓના વાયદા કરીને સત્તામાં આવેલી કોંગ્રેસ પર ફરી એક વખત સવાલો ઊભા થયા છે.
કર્ણાટકના કાયદો અને સંસદીય બાબતોના મંત્રી એચકે પાટીલે જણાવ્યું કે, કેબિનેટે ચાર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન KSRTC, NWKRTC, KKRTC અને BMTCની બસનાં ભાડાં 15% વધારવા માટે નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, બેઠકમાં વધારો 13 ટકા કરવો કે 15 ટકા તેની ઉપર ચર્ચા ચાલી હતી. ત્યારબાદ અન્ય રાજ્યોના ભાવોનો અભ્યાસ કરીને 15%ના વધારાને મંજૂરી આપવામાં આવી.
#Breaking | Karnataka cabinet has decided to revise the bus fair of four state transport corporations by 15%.
— TIMES NOW (@TimesNow) January 2, 2025
– Will be implemented from Jan 5 @KeypadGuerilla joins @MadhavGK with details. pic.twitter.com/FL8cY117VP
રિપોર્ટ અનુસાર, આ નિર્ણય બાદ કર્ણાટક સરકાર દર મહિને ₹74.85 કરોડ અને વર્ષે ₹784 કરોડની વધુ કમાણી કરશે. આગામી 5 જાન્યુઆરીના રોજથી આ નિર્ણયનો અમલ થવા જઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની એક જોઇન્ટ એક્શન કમિટીએ સરકાર સમક્ષ બાકી ભથ્થાં ચૂકવવાની માંગ કરી હતી. જેમાં ₹2000 કરોડ શક્તિ યોજનાના, ₹1785 કરોડ કર્મચારીઓનો પગાર, ₹2900 કરોડ પ્રોવિડન્ટ ફંડ અને ₹2900 કરોડ મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે. આ માંગ અને પ્રદર્શન બાદ સરકારે બાકી રકમ ચૂકવવા માટે સામાન્ય માણસના માથે ભાર નાખવાનો નિર્ણય કર્યો હોય તેમ હવે લાગી રહ્યું છે.
‘શક્તિ યોજના’ ચાલુ રહેશે, જેનાથી વર્ષે પડે છે પાંચ હજાર કરોડનો બોજ
બીજી તરફ, કર્ણાટક કોંગ્રેસ સરકારે સત્તામાં આવ્યા બાદ ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા માટે લૉન્ચ કરેલી શક્તિ યોજના યથાવત રહેશે. આ યોજના હેઠળ મહિલાઓને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં નિઃશુલ્ક સવારીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના કારણે સરકારને દર મહિને ₹417 કરોડનો બોજ પડે છે. વર્ષે સરકાર પાંચ હજાર કરોડ રૂપિયા માત્ર આ યોજના પાછળ ખર્ચ કરે છે.
બસ ભાડાંમાં વધારો થયા બાદ હવે ભાજપે ફરી એક વખત કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કયા મોઢે રાજ્યના નાગરિકોને પાંચ યોજનાઓની ભેટ આપવાની બડાઈઓ હાંકી રહ્યા છે? શક્તિ યોજના માટે પૈસા તેમનાથી અપાયા નહીં અને હવે ટ્રાન્સપોર્ટ કંપનીઓને પણ નુકસાન કરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકારના બસ ભાડાં વધારવાના નિર્ણયથી મહિલાઓને તો મફત મુસાફરી ચાલુ રહેશે, પણ ભાર પુરુષો પર વધશે.
‘કોંગ્રેસ લોકોને લૂંટવાનું જ કામ કરે છે’
BJP ધારાસભ્ય ધીરજ મુનિરાજુએ કોંગ્રેસ સરકાર પર લોકોને લૂંટવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, સરકાર કોઈ રીતે નાગરિકો માટે કામ કરી રહી નથી. તેઓ ₹2000 આપે છે અને ઉપરથી શહેરી વિસ્તારના લોકો પાસેથી ₹20000 લૂંટી લે છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ₹5000-6000 લૂંટી રહ્યા છે. તેઓ લોકોને લૂંટવાનું જ કામ કરે છે. તેઓ મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપે છે અને પુરુષો પાસેથી બમણાં કરતાં વધુ ભાવ વસૂલવામાં આવી રહ્યા છે.”
નોંધવું જોઈએ કે મફતની યોજનાઓની લ્હાણી કરીને સત્તામાં આવ્યા બાદ આ રીતે પૈસાની તાણ પડતાં સામાન્ય માણસો પર જ બોજો નાખવાનું કામ કોંગ્રેસે પહેલી વખત કર્યું નથી. ભૂતકાળમાં અનેક રાજ્યોમાં આ જોવા મળ્યું છે અને હિમાચલ પ્રદેશ તેનું તાજું ઉદાહરણ છે.