બેલ્લારે BJYM નેતાની હત્યા બાદ માતાનું આક્રંદ ઓછુ નથી થઇ રહ્યું, કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે ખાતે મંગળવારે (26 જુલાઈ, 2022) બીજેપી નેતા પ્રવિણ નેતારુની કુહાડાના ઘા જીકીને હત્યા કરવામાં આવી હતી. બેલ્લારે BJYM નેતાની હત્યા બાદ ઘણી જગ્યાએ તણાવ પ્રવર્તી રહ્યો છે. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. હવે આ મામલે પ્રવીણની માતાનું આક્રંદ ભર્યું નિવેદન સામે આવ્યું છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં પ્રવીણની માતાએ કહ્યું કે, “મારી તબિયત સારી નથી રહેતી. તેના (પ્રવીણના) પિતા પણ હાર્ટ પેશન્ટ છે. તે અમારો એકમાત્ર પુત્ર હતો અને તેણે અમારા માટે ઘર બનાવવાનું સપનું જોયું હતું. હવે અમારું ઘર કોણ બાંધશે? દોષિતોને સજા મળવી જોઈએ, જેણે પણ આ કર્યું છે તેને ફાંસી પર લટકાવી દેવા જોઈએ.”
Karnataka: “I’m not feeling well. His father is also a heart patient. He was our only son& planned to build a home for us. Now, who’ll build it?… Culprits should be punished, whoever did this must be hanged,” said mother of deceased BJP Yuva Morcha worker Praveen Nettaru (27.7) pic.twitter.com/4DBO3JGoVx
— ANI (@ANI) July 28, 2022
અગાઉ મૃતકની પત્નીએ કહ્યું હતું કે, “મને ખબર નથી કે તેઓએ મારા પતિની હત્યા શા માટે કરી. તે દુકાન બંધ કરીને ઘરે પરત આવતા ત્યારે હું પણ તેમની સાથે રહેતી, પણ તે દિવસે હું ત્યાં નહોતી . જો હું ત્યાં હોત તો આ બન્યું જ નહોત.”
બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ગુરુવારે (28 જુલાઈ, 2022) તેમની સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત ઘણા કાર્યક્રમો રદ કર્યા હતા. મંગળવારે દક્ષિણ કન્નડમાં બીજેપી યુવા મોરચાના સભ્ય પ્રવિણ નેતારુની હત્યાના પગલે બોમાઈએ આ નિર્ણય લીધો હતો.
પ્રવીણની હત્યાને અમાનવીય ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “ઘટનાની જાણકારી મળ્યા બાદ મેં તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મારું મન અશાંત હતું. બજરંગ દળના કાર્યકરની હત્યાના થોડા સમય બાદ આ ઘટના બની હતી. એકપણ આરોપીને છોડવામાં આવશે નહીં.”
નોંધનીય છે કે પ્રવીણની હત્યા પાછળ PFI અને SDPIનો હાથ હોવાની આશંકા છે . કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પોલીસને શંકા છે કે આ હત્યા બેલ્લારીના મુસ્લિમ યુવક મસૂદની હત્યાના બદલામાં કરવામાં આવી હોઈ શકે છે, કારણ કે થોડા દિવસો પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
એમ કહેવામાં આવી રહ્યું છે કે ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં પ્રવીણે ફેસબુક પર પોસ્ટ કરી હતી , જેના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે હત્યાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે 29 જૂન 2022ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ દરજી કન્હૈયા લાલની નૂપુર શર્માના પ્રોફેટ મોહમ્મદના કથિત નિવેદનને સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં આ ઘટના બની તે કેરળની સરહદને અડીને આવેલો છે, આવી સ્થિતિમાં કેરળના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરીને આરોપીઓને પકડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પ્રવીણ પર હુમલો કરનારા લોકો કેરળના રજીસ્ટ્રેશન નંબર વાળી બાઇક પર આવ્યા હતા.
અહીં, બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની હત્યા બાદ, બીજેપી યુવા મોરચા (BJYM) ના સભ્યોએ કર્ણાટકના ઘણા ભાગોમાં રાજીનામું આપવાનું અભિયાન શરૂ કર્યું છે . આ લોકોએ હુમલાના વિરોધમાં કર્ણાટકમાં સત્તાધીશ ભાજપ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે આ અભિયાન શરૂ કર્યું છે.