ઉદયપુરના (Udaipur) હિંદુ દરજી કન્હૈયાલાલની (Kanhaiylal) ઇસ્લામી કટ્ટરપંથીઓએ હત્યા કરી નાખી એ ઘૃણાસ્પદ ઘટનાને આજે ત્રણ વર્ષ થયાં. 28 જૂન, 2022નો જ એ દિવસ હતો જ્યારે પોતાની નાનકડી દુકાનમાં શાંતિથી કામ કરતા કન્હૈયાલાલ પાસે બે મુસ્લિમ શખ્સ કામના બહાને ગયા હતા અને ત્યારબાદ ચાકુ વડે ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, ત્યારબાદ એક વિડીયો પણ બનાવ્યો હતો અને પોતાની કરતૂત પર કોઈ અફસોસ ન હોય તેમ ચેતવણીઓ આપી હતી.
ઘટનાના ત્રણ વર્ષ બાદ હજુ પણ કન્હૈયાલાલનો પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. હત્યારાઓ અને કાવતરાબાજો વિરુદ્ધ NIA કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેનો ચુકાદો હજુ આવ્યો નથી. પુત્ર યશ પગરખાં પહેરતો નથી. તેણે પ્રતિજ્ઞા લીધી છે કે પિતાને ન્યાય ન મળે ત્યાં સુધી ખુલ્લા પગે રહેશે. તેણે ત્રણ વર્ષથી વાળ પણ કપાવ્યા નથી. પરિવારે હજુ કન્હૈયાલાલની અસ્થિઓનું વિસર્જન પણ કર્યું નથી.
આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરી રહી છે. એજન્સીએ સ્પેશિયલ NIA કોર્ટમાં 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી 2 પાકિસ્તાની નાગરિકો છે. હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ટ્રાયલના તબક્કા પર છે. યશનું કહેવું છે કે એક-એક મહીને તારીખ મળી રહી છે. તેમની માંગ છે કે સુનાવણી જલ્દી થવી જોઈએ, કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવવો જોઈએ.
કુલ 11માંથી 2 આરોપીઓ ફરહાદ અને મોહમ્મદ જાવેદને જામીન આપવામાં આવી ચૂક્યા છે. જાવેદ પર કન્હૈયાલાલની રેકી કરવાનો આરોપ હતો. પણ કોર્ટે કહ્યું કે, NIA આરોપીનું લોકેશન સાબિત કરી શકી નથી અને તેની પાસેથી કંઈ રિકવર પણ નથી થયું, તેમજ ટ્રાયલમાં સમય લાગી શકે છે, જેથી જામીન મંજૂર કરવામાં આવે. ફરહાદને પણ સપ્ટેમ્બર 2023માં જામીન અપાયા હતા. કન્હૈયાલાલ હત્યાકાંડ પહેલા ‘સર તન સે જુદા’ જેવા ઈસ્લામિક નારા લગાવવા અને ઘરમાંથી તલવાર મળવાના કારણે ફરહાદની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ બંનેના જામીન વિરુદ્ધ યશ તેલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે મામલે 11 નવેમ્બર, 2024ના રોજ NIA અને આરોપીઓને નોટિસ પાઠવવામાં આવી હતી. હાલ એ મામલો પણ કોર્ટમાં લંબિત છે.
આ કેસના અન્ય આરોપીઓમાં રિયાઝ અત્તારી, ગૌસ મોહમ્મદ (બંને હત્યારાઓ) ઉપરાંત મોહસીન, આસિફ, વસીમ, મોહમ્મદ અને મોહમ્મદ મોહસીન વગેરેનો સમાવેશ થાય છે. બે પાકિસ્તાની નાગરિકો પણ કેસમાં આરોપી છે.
શું હતી ઘટના?
ઉલ્લેખનીય છે કે કન્હૈયાલાલની હત્યા પાછળ સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરની ભૂમિકા પણ અવગણી શકાય નહીં. તેણે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ટેલિવિઝન ડિબેટમાંથી અમુક ભાગ કાપીને સંદર્ભ વગર ફરતી કરીને નૂપુરે પયગંબર મોહમ્મદ અને ઇસ્લામનું અપમાન કર્યું હોવાનું ચલાવ્યું હતું અને ત્યારબાદ મામલાએ સાંપ્રદાયિક સ્વરૂપ પકડી લીધું હતું. ત્યારબાદ દેશભરમાંથી અને પછીથી પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોમાંથી પણ નૂપુર શર્માને મારી નાખવાની અને રેપની ધમકીઓ આપવામાં આવી હતી.
આવા સમયે જેમણે નૂપુર શર્માનું સમર્થન માત્ર કર્યું તેમને પણ ઇસ્લામી કટ્ટરપંથીઓએ ટાર્ગેટ કર્યા અને મારી નાખવાની અને સર તન સે જુદાની ધમકીઓ આપી હતી. ગુજરાતમાં પણ અમુક લોકોને આવી ધમકીઓ મળી હતી. કન્હૈયાલાલ જેવી ઘટનાઓમાં આ ધમકીઓ માત્ર ધમકીઓ ન રહી અને અંજામ સુધી પહોંચી. તેમનો ‘ગુનો’ માત્ર એટલો હતો કે તેઓ નૂપુર શર્માના સમર્થનમાં ઉભા હતા. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક શખ્સ સાથે બની હતી, જેમની પણ ઇસ્લામી કટ્ટરપંથીઓએ આ જ કારણોસર હત્યા કરી નાખી.