ગત શુક્રવારે (16 જૂન, 2023) જૂનાગઢમાં એક દરગાહના વિવાદને પગલે લગબાગ 500થી 600ના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ એક તરફ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ રોજ નવાનવા ખુલાસા થઇ રહ્યા છે. તાજેતરમાં જ જાણવા મળ્યું હતું કે આ ઘટના પૂર્વનિયોજિત હતી. દરમ્યાન, ઘટના બાદ અમુક તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાના પ્રયાસ થતા હોવાનું પણ સામે આવ્યું છે, જે મામલે જૂનાગઢ પોલીસે સમા સરફરાઝ નામના એક આઈડી સામે ગુનો દાખલ કર્યો છે.
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકના એક કોન્સ્ટેબલ દ્વારા આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે IPCની કલમો હેઠળ આ સમા સરફરાઝ આઈડી સામે કોમી વૈમનસ્ય ફેલાવવા અને હિંદુ ધર્મની લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
ફરિયાદમાં પોલીસકર્મીએ જણાવ્યું કે, તેઓ ફેસબુક અકાઉન્ટ સર્ફ કરી રહ્યા હતા ત્યારે તેમને તાજેતરની જૂનાગઢની ઘટનાને લઈને અમુક વાંધાજનક વિડીયો જોવા મળ્યા હતા. ‘Sama Sarfaraj’ નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં ‘ખૂન કી નદિયાં બહા દેંગે, લેકિન ઇસ બાર ગિરને નહીં દેંગે..’ લખવામાં આવ્યું હતું અને નીચે અંગ્રેજીમાં ‘કિંગ ઑફ મુસ્લિમ જૂનાગઢ’ અને અન્ય કેટલીક પોસ્ટમાં ‘મુસ્લિમ પાવર..’ વગેરે પણ લખેલું જોવા મળ્યું હતું. વિડીયોમાં જે રાત્રે તોફાન થયું તેનાં જ દ્રશ્યો દેખાતાં હતાં.
ફરિયાદ અનુસાર, આ જ અકાઉન્ટ સ્ક્રોલ કરતાં ત્યાં અઢળક એવી પોસ્ટ્સ જોવા મળી હતી, જેમાં હાલની ઘટનાને અનુસંધાને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોસ્ટ્સમાં પોલીસ અને હિંદુઓને પણ ગાળો ભાંડવામાં આવી હતી અને ઉશ્કેરણીજનક શબ્દો લખ્યા હતા. આ સિવાય, અનેક પોસ્ટ્સમાં ઉશ્કેરણીજનક કૉમેન્ટ્સ પણ કરી હતી તો હિંદુઓ અને પોલીસને ગાળો પણ ભાંડી હતી.
જૂનાગઢ પોલીસે આ મામલે ‘સમા સરફરાઝ’ નામના આઈડી વિરુદ્ધ IPCની કલમ 153(A), 505(1)(C), 295(C) અને 504 હેઠળ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સંદેશના અહેવાલ અનુસાર, આ મામલે બે સગીરની અટકાયત કરવામાં આવી હતી, જેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરના મજેવડી ગેટ પાસે આવેલી એક દરગાહને નોટિસ આપીને પાંચ દિવસમાં પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેના વિરુદ્ધમાં શુક્રવારની સાંજે મુસ્લિમ સમુદાયના લગભગ 500થી 600 લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને રાત્રે અચાનક ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસ પર હુમલો કરી દીધો હતો. જેમાં પોલીસકર્મીઓ અને રાહદારીઓને ઇજા પહોંચી હતી તો સરકારી-ખાનગી વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
તાજેતરમાં સામે આવ્યું હતું કે આ હિંસા પૂર્વનિયોજિત હતી અને દરગાહને નોટિસ મળ્યાની જાણકારી મહાનગરપાલિકામાંથી જ લીક થઇ હતી. ત્યારબાદ તોફાનીઓએ ટ્રક ભરીને પથ્થર એકઠા કરી રાખ્યા હતા અને બહારગામથી પણ તોફાનીઓને તેડી લીધા હતા.