વિદેશોમાં ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં રહેતા ફરહાન નામના યુવાનને આફ્રિકામાં બંધક બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરહાનના પિતા મુનાફ પરમાર પર આફ્રિકાથી ફોન આવ્યો હતો અને આરોપીઓએ 80 લાખની માંગણી કરી હતી. સાથે ધમકી આપવામાં આવી હતી કે, જો 80 લાખ નહીં મળે તો ફરહાન ભારત પરત ફરી શકશે નહીં. ફરહાનના પરિવારે માંગરોળ પોલીસને જાણ કરતાં પોલીસ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસે ફરહાનને છોડાવીને હેમખેમ પરત લવાયો હતો.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, જૂનાગઢના માંગરોળનો રહેવાસી ફરહાન પરમાર છેલ્લા સાડા ચાર વર્ષથી આફ્રિકાના કોંગો શહેરમાં રહીને નોકરી કરતો હતો. સાડા ચાર વર્ષથી તેને કોઈ તકલીફ પડી ન હતી. તે આ જૂન મહિનામાં જ પોતાના ઘરે પરત ફરવાનો હતો, આ માટે તેણે પરિવારને જાણ પણ કરી હતી કે તે પરત આવી રહ્યો છે. આ વચ્ચે અચાનક જ ફરહાનના પિતા મુનાફ પરમાર પર આફ્રિકાથી એક ફોન આવ્યો હતો. ફોન પર મુનાફ પરમારને ધમકી અપાઈ કે, તેમનો પુત્ર ફરહાન તેમના કબજામાં છે અને 80 લાખ રૂપિયા આપવામાં આવે તો જ તેને છોડવામાં આવશે. આ જાણીને તેઓ ગભરાઈ ગયા હતા અને માંગરોળ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરહાનના પિતા પર અજાણી વ્યક્તિનો ફોન અને પૈસાની માંગણી કર્યાની જાણ જૂનાગઢના પોલીસ વિભાગને થતાં જ માંગરોળ પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, તત્કાલીન એસપી અને રેન્જ આઈજીએ મામલાની ગંભીરતા જોતાં વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કર્યું હતું. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને માંગરોળ, જૂનાગઢ પોલીસના સંયુક્ત પ્રયાસે 11 ઓગસ્ટના રોજ ફરહાનને છોડાવાયો હતો અને હેમખેમ પરત લવાયો હતો.
આ પહેલા પણ બની હતી આવી ઘટનાઓ
નોંધનીય છે કે આ કોઈ પ્રથમવાર નથી કે ગુજરાત સરકાર વિદેશમાં ફસાયેલા ગુજરાતીની વ્હારે ચડી હોય. આવી જ એક ઘટના ગુજરાતના એક પરિવાર સાથે બની હતી. ગુજરાતના એક દંપત્તીનું અમેરિકા પહોંચાડવાના નામે અપહરણ થઇ ગયું હતું, તે પણ છેક ઈરાનમાં. ચિંતાતુર બનેલા તેમના પરિવારે ગુજરાત સરકારની મદદ માંગતા માત્ર એક વ્હોટ્સએપ મેસેજથી ગુજરાત સરકારે ઈરાનમાંથી અપહરણ કરાયેલા ગુજરાતી દંપત્તીને છોડાવ્યું હતું.
અપહરણકર્તાઓના કબજામાંથી હેમખેમ છૂટ્યા બાદ પંકજ અને તેમના પત્ની નિશાએ પરિવાર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને આભાર વ્યક્ત કરતો એક મેસેજ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ મેસેજમાં ગુજરાતી દંપતીએ લખ્યું હતું કે “ડિયર હર્ષભાઈ સાહેબ, આપનો આભાર માનીએ એટલો ઓછો છે. તમે અમારા માટે આ અષાઢી બીજે કૃષ્ણ થઈને આવ્યા.- પંકજ અને નિશા”
આ સિવાય પણ વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના યુવાનને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગીર-સોમનાથ પોલીસે સહી-સલામત ભારત પહોંચાડ્યો હતો.