Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'Dear હર્ષભાઈ સંઘવી, તમે અમારા ભગવાન કૃષ્ણ': માત્ર એક વ્હોટ્સએપ મેસેજ મળ્યો...

  ‘Dear હર્ષભાઈ સંઘવી, તમે અમારા ભગવાન કૃષ્ણ’: માત્ર એક વ્હોટ્સએપ મેસેજ મળ્યો અને ગુજરાત સરકારે ઈરાનમાંથી અપહરણ કરાયેલા ગુજરાતી દંપત્તીને છોડાવ્યું, રથયાત્રાની તૈયારીઓ વચ્ચે ગૃહમંત્રીએ 2 રાત જાગીને ઓપરેશન પાર પડાવ્યું

  અપહરણકર્તાઓના કબજામાંથી હેમખેમ છૂટ્યા બાદ પંકજ અને તેમના પત્ની નિશાએ પરિવાર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને આભાર વ્યક્ત કરતો એક મેસેજ કર્યો છે. આ મેસેજમાં દંપત્તિ લખે છે કે "ડીયર હર્ષભાઈ સાહેબ, આપનો આભાર માનીએ એટલો ઓછો છે. તમે અમારા માટે આ અષાઢી બીજે કૃષ્ણ થઈને આવ્યા.- પંકજ અને નિશા"

  - Advertisement -

  વિદેશ જવાની ઘેલછા લોકોને નતનવા ગતકડા કરાવડાવે છે. આ ઘેલછા તેમને એવા ચક્રવ્યુહમાં ફસાવી દે છે કે ત્યાંથી જીવતા બહાર નીકળવું અઘરું થઈ પડે છે. અનેક વાર તેવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગેરકાયદેસર અમેરિકા કે કેનેડા જતા લોકોએ જીવ ગુમાવવો પડ્યો હોય. અનેક વાર લોકોના જીવ જોખમમાં મુકાયા છે, આવી જ એક ઘટના ગુજરાતના એક પરિવાર સાથે બની છે. ગુજરાતના એક દંપત્તીનું અમેરિકા પહોંચાડવાના નામે અપહરણ થઇ ગયું, તે પણ છેક ઈરાનમાં. ચિંતાતુર બનેલા તેમના પરિવારે ગુજરાત સરકારની મદદ માંગતા માત્ર એક વ્હોટ્સએપ મેસેજથી ગુજરાત સરકારે ઈરાનમાંથી અપહરણ કરાયેલા ગુજરાતી દંપત્તીને છોડાવ્યું.

  વિડીયો મોકલી ખંડણી માંગી

  મળતી માહિતી અનુસાર અમદાવાદના નરોડાનું રહેવાસી પટેલ દંપત્તી ગેરકાયદેસર અમેરિકા જવા નીકળ્યું હતું. જોકે અમેરિકા પહોંચતા પહેલા જ તેમનું અપહરણ થઇ ગયું. પંકજ ભરતભાઈ પટેલ નામના આ યુવાનના પરિવાર પાસેથી અપહરણકર્તાઓએ ખંડણી માંગવા યુવાનને બાથરૂમમાં ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારી વિડીયો બનાવ્યો અને તેના પરિવારને મોકલી આપ્યો. જેમાં તે રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, “ભાઈ મને આ લોકો મારી નાંખશે…જલ્દી પૈસા મોકલાવી આપ.” બીજી તરફ અપહરણ કરનાર વ્યક્તિ સતત તેના બરડા પર ચીરા પાડતો પણ જોવા મળી રહ્યો હતો. આ વિડીયો એટલો ભયાવહ છે કે તેને જાહેર કરવો પણ શક્ય નથી.

  વિડીયો મળતાની સાથે જ પંકજના પરીવારજનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પીડિતના ભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પંકજે ગાંધીનગર સરગાસણ ખાતેના એજન્ટ સાથે 1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. તે એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે બંનેને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ દ્વારા તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે. તેવામાં ઈરાનના તહેરાનમાં તેમના ભાઈ ભાભીનું અપહરણ થઇ ગયું છે.

  - Advertisement -

  માત્ર એક વ્હોટ્સએપ મેસેજ થી ગુજરાત સરકારે ઈરાનમાંથી અપહરણ કરાયેલા ગુજરાતી દંપત્તીને છોડાવ્યું

  આ ઘટના બાદ પીડીત પરિવારે ઈરાનમાંથી અપહરણ કરાયેલા ગુજરાતી દંપત્તીને છોડાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદનો હાથ ફેલાવ્યો. 24 કલાકની અંદર જ છેક તહેરાનમા ગોંધી રાખવામાં આવેલા પંકજ અને નિશા પટેલને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવી લીધા હતા. પંકજ અને તેમના પત્ની નિશાનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હોવાની જાણ વોટ્સએપ મેસેજથી ગૃહમંત્રી હર્ષ સંઘવીને રવિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી.

  અહીં તે નોંધવું જરૂરી બની જાય છે કે આ સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના યોગ દિવસના અને અમદાવાદના રથયાત્રાના કાર્યક્રમોની તૈયારીમાં ગળાડૂબ વ્યસ્ત હતા. તે છતાં રવિવાર અને સોમવાર તેમ બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા ઘટનાની તપાસ કરાવડાવી. ઉપરાંત ગૃહમંત્રીએ પોતે જ Ministry of External Affairs, GOI, Central IB, RA&W, INTERPOLનો સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જહોન માઈનો સંપર્ક કરીને પંકજ અને નિશાને શોધવા કવાયત આદરી હતી. જે બાદ આખરે પંકજ અને નિશાનું લોકેશન મળતા બંનેને પોલીસની મદદથી છોડાવી લેવામાં આવ્યા અને પ્રાથમિક સારવાર બાદ ભારત પરત મોકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

  અપહ્યત પંકજ પટેલના પરિવારના જણાવ્યાં મુજબ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના એડી-ચોટીના પ્રયત્નોથી તેમનો પુત્ર અને પુત્રવધુ તહેરાનથી મળી આવ્યા છે. હવે તેઓ ભારત આવવા રવાના થયા છે. પટેલ પરિવારે માત્ર એક વોટ્સએપ મેસેજથી 24 કલાકમાં જ વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનો આભાર માન્યો છે.

  Dear હર્ષભાઈ સંઘવી, તમે અષાઢી બીજે અમારા માટે ‘કૃષ્ણ’ બનીને આવ્યા- પંકજ અને નિશા

  અપહરણકર્તાઓના કબજામાંથી હેમખેમ છૂટ્યા બાદ પંકજ અને તેમના પત્ની નિશાએ પરિવાર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને આભાર વ્યક્ત કરતો એક મેસેજ કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં ગુજરાતી દંપત્તિ લખે છે કે “ડીયર હર્ષભાઈ સાહેબ, આપનો આભાર માનીએ એટલો ઓછો છે. તમે અમારા માટે આ અષાઢી બીજે કૃષ્ણ થઈને આવ્યા.- પંકજ અને નિશા”

  આ સાથે જ પંકજ પટેલના પરિવારે પણ ગૃહમંત્રીનો અભાર માન્યો હતો. તેઓ લખે છે કે, “અમારા પુત્ર પંકજ અને પુત્રવધુ નિશાને ઈરાનમાં ગોંધી રાખી ખંડણી માંગવામાં આવી હતી. જેની જાણ રવિવારની રાત્રે 9 વાગ્યાની આસપાસ અમે ગૃહમંત્રી હર્ષ સંઘવીને વોટ્સએપ મેસેજથી કરી હતી. તેઓ સુરતના યોગ દિવસના કાર્યક્રમ અને રથયાત્રાના કાર્યક્રમોની તૈયારીમાં હતા તે છતાં બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવડાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOLનો સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન જહોન માઈનો સંપર્ક કરીને મદદ માંગી.”

  આ મેસેજમાં પરિવાર આગળ લખે છે, ” ગૃહમંત્રી સંઘવી સાહેબના પ્રયાસોથી આ દંપતી સ્વદેશ આવવા રવાના થયું છે. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓનું અમારો પરિવાર ખુબ જ ઉપકાર માની આભારની લાગણી વ્યક્ત કરે છે. અમારી સાથે થયું તેવું કોઈની સાથે ન થાય, કોઈ બે નંબરમાં એજન્ટોના દોરવાયા વિદેશ ન જાય, આ રસ્તો ખોટો છે.”

  સાભાર ન્યુઝ18

  નોંધનીય છે કે પંકજ પટેલને અમેરિકા લઇ જવાની લાલચ આપીને જે એજન્ટે રૂપિયા લીધા હતા તે હાલ ફરાર છે. અમદાવાદ પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

  આ પહેલા તાલાલાના યુવકને મ્યાનમારથી છોડાવવામાં આવ્યો હતો

  નોંધનીય છે કે આ કોઈ પ્રથમવાર નથી કે ગુજરાત સરકાર વિદેશમાં ફસાયેલા ગુજરાતીની વ્હારે ચઢી હોય. આ પહેલા વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના યુવાનને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગીર-સોમનાથ પોલીસે સહી-સલામત ભારત પહોંચાડ્યો હતો.

  ગીર-સોમનાથ જિલ્લાના તાલાલાના એક યુવાનને મ્યાનમારમાં ગેર-કાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો હતો. જે બાબતે યુવાનના પિતાએ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. તે સમયે પણ આ બાબતની જાણકરી ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા તેમણે પોલીસ તંત્રને આ ઘટનાને ગંભીરતાથી લઇ કોઈપણ ભોગે આ યુવાનને ગુજરાત પરત લાવવાની સૂચના આપી હતી.

  જે બાદ જુનાગઢ રેન્જ આઇ.જી.પી મયંકસિંહ ચાવડા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એચ.મારૂ તથા તેમની ટીમે સઘન તપાસ શરૂ કરી દીધી હતી. તેમણે પોલીસ અધીક્ષકની રાહબરી હેઠળ આ બાબતે ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ તેમજ મ્યાનમારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ સાથે સતત સંપર્કમા રહી બનાવ બાબતેની જાણ કરી હતી.

  ત્યાર બાદ મ્યાનમાર ખાતે ફસાયેલા નીરવનો સંપુર્ણ બાયોડેટા તથા તેમના વિઝા અંગેની તથા પાસપોર્ટ અંગેની તેમજ તેમના મ્યાનમાર ખાતેના યાંગોન સીટીના લોકેશન બાબતેની સંપુર્ણ માહિતી ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટને કરવામાં આવી. મ્યાનમાર ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતે ગોંધી રાખેલ નીરવ તેમજ તેની સાથે ફસાયેલ અન્ય લોકોને ત્યાની એજન્સીઓ દ્વારા છોડાવવામાં આવ્યા. અને અંતે 19 ફેબ્રુઆરીના રોજ નીરવ બામરોટીયાને મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતેથી સહીસલામત તેના વતન પહોંચાડવામાં આવ્યો હતો. આ કિસ્સામાં પીડિત નિરવ અને તેના પિતા સાથે ઑપઇન્ડિયાએ કરેલી ખાસ વાતચીત આપ આ લીંક પર ક્લિક કરી વાંચી શકો છો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં