Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૈસા કમાવા વિદેશ ગયેલ તાલાલાનો યુવક મ્યાનમારમાં ગુલામીમાં ગોંધાયો, તાલાલા પોલીસની મહેનતે...

    પૈસા કમાવા વિદેશ ગયેલ તાલાલાનો યુવક મ્યાનમારમાં ગુલામીમાં ગોંધાયો, તાલાલા પોલીસની મહેનતે ઘરે આવ્યો: દુબઈના એજન્ટ ઇરફાને લાલચ આપી રચ્યું હતું કાવતરું

    દુબઈમાં જયારે તે નોકરી કરી રહ્યો હતો ત્યારે તેના સંપર્કમાં દુબઈનો જ એક ઈરફાન નામનો એજન્ટ આવ્યો હતો. જેણે તેને વધુ પગારની લાલચે બીજી એક પ્રાઇવેટ કંપનીમાં થાઈલેન્ડમાં નોકરી અપાવવાની બાંહેધરી આપી હતી. વધુ પગારની લાલચે નીરવે હા પણ પડી દીધી હતી.

    - Advertisement -

    નોકરી અથવા પૈસાની લાલચે એજન્ટ્સના જાળમાં ફસાઈને ઘણા આશાસ્પદ યુવાનોની જિંદગી વિદેશ જઈને નર્ક સમાન બની જતી હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં ગીર-સોમનાથ જિલ્લાના તાલાલાના એક યુવાન સાથે બન્યો હતો. વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના યુવાનને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી અને ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સહી-સલામત ભારત પહોંચાડી ગીર-સોમનાથ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યુ છે.

    અહેવાલો સામે આવ્યા હતા કે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલાના એક યુવાનને મ્યાનમારમાં ગેર-કાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યો છે. આ બાબતે યુવાનના પિતા જગમાલભાઇ કરશનભાઇ બામરોટીયાએ તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

    આ વિષયને લઈને જયારે ઑપઇન્ડિયાએ પીડિત યુવાન નીરવ બામરોટીયાના પિતા જગમાલભાઇ સાથે વાત કરી તો, તેમને જે જાણકારી આપી તે આખો ખોલનારી હતી.

    - Advertisement -

    અમદાવાદના એજન્ટ સોહમ પંડ્યા અને દુબઇના એજન્ટ ઇરફાને ભેગા મળીને આચર્યું ફ્રોડ

    જગમાલભાઈ આપબીતી જણાવતા કહે છે કે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં તેમનો પુત્ર નીરવ અમદાવાદના સોહમ પંડ્યા નામના એક એજન્ટ દ્વારા ખાનગી કંપનીમાં નોકરી માટે દુબઇ પહોંચ્યો હતો. જ્યાં તેણે લગભગ ત્રણ મહિના સુધી નોકરી કરી હતી. અને આ માટે સોહમે 2.5 લાખ રૂપિયા લીધા હતા.

    દુબઈમાં જયારે તે નોકરી કરી રહ્યો હતો ત્યારે તેના સંપર્કમાં દુબઈનો જ એક ઈરફાન નામનો એજન્ટ આવ્યો હતો. જેણે તેને વધુ પગારની લાલચે બીજી એક પ્રાઇવેટ કંપનીમાં થાઈલેન્ડમાં નોકરી અપાવવાની બાંહેધરી આપી હતી. વધુ પગારની લાલચે નીરવે હા પણ પડી દીધી હતી.

    જે બાદ દુબઈના એજન્ટ ઇરફાને નીરવના નામના મ્યાનમારના વિઝા બનાવી દીધા હતા અને થાઈલેન્ડની જગ્યાએ તેને મ્યાનમાર મોકલ્યો હતો. આ વિઝા દ્વારા તેને ડિસેમ્બરમાં દુબઈથી વિમાન મારફતે મ્યાનમારના એક શહેર યાંગોન સીટી પહોંચાડી દેવાયો હતો.

    મ્યાનમાર પહોંચ્યા પછી ચાલુ થયા ખરાબ દિવસો

    યાંગોન સીટી મ્યાનમારમાં તે FENGQINGYANG COMPANY LIMITED નામની કંપનીમાં કામ કરવા લાગ્યો હતો. થોડા જ દિવસોમાં તેને ખ્યાલ આવી ગયો કે તેની સાથે ફ્રોડ થઇ રહ્યું છે આથી તેણે કંપની મેનેજમેન્ટને ભારત પરત જવાની વાત કરી.

    ઑપઇન્ડિયાની સાથેની વાતચીતમાં નીરવ જણાવે છે કે જેવું તેને ભારત પરત જવાની વાત કરી એવું તરત તેને એક અલગ ઓરડામાં પુરી દેવામાં આવ્યો હતો. આ ઓરડામાં અન્ય 7 યુવાનોને પણ પુરવામાં આવ્યા હતા જેમાંથી 4 ભારતના જ ઉત્તરપ્રદેશના અને 3 ઇન્ડોનેશિયાના હતા. નીરવ જણાવે છે કે એક સમયે તેને લાગી રહ્યું હતું કે તે ક્યારેય ત્યાંથી ભારત પરત નહિ આવી શકે.

    પરંતુ એક દિવસ કોઈક રીતે તેના હાથમાં એક મોબાઈલ આવી જતા તેણે પોતાના પિતાને કોલ કરીને આખી આપવીતી જણાવી અને પોતાને છોડાવવા આજીજી કરી. તેના પિતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેમણે મ્યાનમારની કંપનીના મેનેજમેન્ટને તેમના દીકરાને ભારત મોકલાઈ આપવા ખુબ રિકવેસ્ટ કરી અને તેમની માંગણી પર 17 લાખ રૂપિયા પણ મોકલ્યા. પરંતુ પૈસા મળી ગયા બાદ પણ તેઓએ નીરવને ભારત ના મોકલ્યો.

    આખરે 17 તારીખે નીરવના પિતાએ તરત જ મદદ માટે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તાલાલા પોલીસ અને ગીર-સોમનાથ પોલીસે આ વિષયને ગંભીરતાથી લીધો હતો.

    ‘પોલીસ તંત્ર અને સરકારની મદદથી જ નીરવ ભારત પરત આવી શક્યો’- જગમાલભાઈ

    જગમાલભાઈએ તાલાલા પોલીસને આ બાબતમાં જાણકરી આપ્યા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ઉપરાંત આ બાબતની જાણકરી ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા તેઓએ પણ પોલીસ તંત્રને આ ઘટનાને ગંભીરતાથી લઇ કોઈપણ ભોગે આ યુવાનને ગુજરાત પરત લાવવાની સૂચના આપી હતી.

    જે બાદ જુનાગઢ રેન્જ આઇ.જી.પી મયંકસિંહ ચાવડા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એચ.મારૂ તથા તેમની ટીમે સઘન તપાસ શરૂ કરી દીધી હતી. તેમણે પોલીસ અધીક્ષકની રાહબરી હેઠળ આ બાબતે ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ તેમજ મ્યાનમારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ સાથે સતત સંપર્કમા રહી બનાવ બાબતેની જાણ કરી હતી.

    આ બનાવ બાબતે મ્યાનમાર ખાતે ફસાયેલા નીરવનો સંપુર્ણ બાયોડેટા તથા તેમના વિઝા અંગેની તથા પાસપોર્ટ અંગેની તેમજ તેમના મ્યાનમાર ખાતેના યાંગોન સીટીના લોકેશન બાબતેની સંપુર્ણ માહિતી ભારત સરકારના ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટને કરી મ્યાનમાર ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતે ગોંધી રાખેલ નીરવ તેમજ તેની સાથે ફસાયેલ અન્ય લોકોને ત્યાની એજન્સીઓ દ્વારા છોડાવી લઈને સલામત સ્થળે લાવવામા આવ્યા હતા.

    જે બાદ 19 ફેબ્રુઆરીના રોજ નીરવ જગમાલભાઇ બામરોટીયાને મ્યાનમાર દેશના યાંગોન સીટી ખાતેથી ભારતમાં લાવવા માટે ફ્લાઇટ દ્વારા કલકતા અને ત્યાથી અમદાવાદ અને પોતાના ગામ સુધી સહી સલામત પહોંચાડવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત પોલીસને મહેનતથી ન માત્ર નીરવ પરંતુ તેની સાથે ફસાયેલ તમામ ભારતીયોનો છુટકારો થયો હતો.

    નોંધનીય છે કે જ્યારથી પોતાનો દીકરો આ રીતે મ્યાનમારમાં ફસાયો છે તેવી જાણકારી મળી હતી ત્યારથી તેમના માતાએ અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. જયારે નીરવ ઘરે પહોંચ્યો ત્યારે તેના હાથે જ તેઓએ અન્ન ગ્રહણ કર્યું હતું.

    નીરવને સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછો આવેલો જોઈને તેનો આખો પરિવાર ખુબ ભાવુક થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમને લઈને નીરવના પિતા તાલાલા તથા ગીર-સોમનાથ પોલીસ, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનતા થાકી નથી રહ્યા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં