ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાર્ટી નેતૃત્વમાં જ અમુક નેતાઓ સામે મોરચો માંડી દીધો છે. તેમણે ‘ફૂટેલી કારતૂસો’ ગણાવીને કહ્યું કે શા માટે તેમને દૂર કરવામાં નથી આવી રહ્યા? તેમની અમુક પોસ્ટથી ચર્ચા જાગી છે તો એક વિડીયો પણ સામે આવ્યો છે.
જીગ્નેશ મેવાણીએ 31 મેના રોજ (શનિવાર) એક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ સાથે સેટિંગ કરનારા, લગ્નના ઘોડા– આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો.’
હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે.
— Jignesh Mevani (@jigneshmevani80) May 31, 2025
કાઢો ને, શેની રાહ જુઓ છો?
બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા – આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં??
મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં રાહુલ ગાંધીએ જ્યારે ગુજરાતની મુલાકાત કરી તો એક સંબોધનમાં કહ્યું હતું કે પાર્ટીમાં અમુક રેસના ઘોડા છે અને અમુક લગ્નના. તેમને અલગ કરવાની જરૂર છે. સાથે ભાજપ માટે અંદરખાને કામ કરતા નેતાઓને કાઢવાની પણ વાતો કરી હતી. જોકે એ વાતો પછી વાતો જ રહી ગઈ હોય એમ લાગે છે.
મેવાણીએ બીજી એક પોસ્ટમાં કેજરીવાલનો ઉલ્લેખ કરીને તેમની ઉપર પ્રહારો કરતા હોય એમ દર્શાવ્યું છે, પણ તેમાં પણ પાર્ટીના નેતાઓને તો આડેહાથ લઈ જ લીધા. તેઓ લખે છે કે, “કેજરીવાલજી, યાદ રહે, ભલે 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન હોય, અમારો એકએક કાર્યકર્તા એક-એક તાલુકામાં, એક-એક ગામમાં ભાજપનો મુકાબલો કરે છે. અમારા કાર્યકર્તાઓએ લાઠીઓ ખાધી છે, કેસનો સામનો કર્યો છે, જેલ ગયા છે. અમુક નેતાઓ હતા, જેઓ વેચાઈ ગયા, પણ કાર્યકર્તાઓ નહીં.”
केजरीवाल जी, याद रहे – भले ही 25 सालों से गुजरात में कांग्रेस की सरकार ना बनी हो, हमारा एक एक कार्यकर्ता एक एक तहसील में, एक एक गांव में भाजपा का मुकाबला करता रहा है ; हमारे कार्यकर्ताओं ने लाठियां खाई है, मुकदमे झेले है, जैल गये है! कुछ नेता थे जो बिक गए, लेकिन कार्यकर्ता नहीं
— Jignesh Mevani (@jigneshmevani80) June 1, 2025
મેવાણીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કહે છે કે, “ચાર ફૂટેલી કારતૂસોના કારણે ગુજરાત કોંગ્રેસ બદનામ ન થવી જોઈએ.” આગળ કહે છે કે કાર્યકર્તાઓ તાલુકે-તાલુકે અને જિલ્લે-જિલ્લે પાર્ટી માટે લડે છે. તેઓ કહે છે કે, “જેઓ આ લોકોને (ફૂટેલી કારતૂસો) નથી કાઢતા તેમને પણ કહેવા માંગું છું કે, કાઢી મૂકો એટલે વાત પતે. શેના. માટે આપણે આટલી બદનામી વહોરીએ છીએ? કાઢો અને પાર્ટીને ક્લીન કરો.” આગળ સાથે મળીને ગુજરાત મજબૂત કરવાની વાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તાની બહાર છે. 2017 સુધી પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે સતત લડત આપી રહી હતી અને એ ચૂંટણીમાં બહુ નજીક પણ પહોંચી ગઈ હતી, પણ ભાજપે ગઢ બચાવી રાખવામાં સફળતા મેળવી. ત્યારબાદ યોજાયેલી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નામશેષ જેવી થઈ ગઈ અને માત્ર 17 બેઠકો રહી. તેમાંથી પણ હવે ઓછી થઈ ગઈ છે અને જૂજ ધારાસભ્યો રહ્યા છે.
એક તરફ પાર્ટીની હાલત આ છે, સંગઠન નબળું પડી રહ્યું છે, નેતાઓ સોશિયલ મીડિયા પર ફાંકા ફોજદારી અને આમ કરી નાખીશું અને તેમ કરી નાખીશુંની વાતો સિવાય ખાસ સક્રિય દેખાતા નથી, ત્યાં વળી આવા અમુક નેતાઓ અંદરોઅંદર જ મોરચો માંડીને બેઠા છે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ કપરી છે.