જનજાતિય સુરક્ષા મંચ દ્વારા ઝારખંડમાં ડિલિસ્ટિંગ મહારેલી યોજવામાં આવી હતી. જેમાં માંગણી કરવામાં આવી હતી કે, ધર્માંતરણ કરનારા લોકોને અનુસૂચિત જનજાતિ અનામતની સુવિધા ન આપવી જોઈએ. આ મહારેલીમાં લોકસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અને જનજાતિય સુરક્ષા મંચના રાષ્ટ્રીય સંરક્ષક કડિયા મુંડા, છત્તીસગઢના પૂર્વ મંત્રી ગણેશ રામ ભગત ઉરાંવ, ન્યાયપાલિકા સાથે જોડાયેલા મધ્ય પ્રદેશના પ્રકાશ સિંઘ સહિતના અનેક આદિવાસી સમાજના લોકો સામેલ થયા હતા.
રવિવારે (24 ડિસેમ્બર) ઝારખંડમાં આવેલા રાંચીમાં જનજાતિય સુરક્ષા મંચના બેનર હેઠળ ડિલિસ્ટિંગ મહારેલી યોજાઈ હતી. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોસ્ટર અને બેનરો દ્વારા લોકોએ ડિલિસ્ટિંગ કરવા માટેની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, ધર્મ પરિવર્તન કરી ચૂકેલા આદિવાસી સમાજના લોકોને હવે અનામતની સુવિધા ના આપવી જોઈએ. સાથે જ રેલીમાં જોડાયેલા હજારો લોકોએ માંગણી કરી હતી કે, “ધર્માંતરણ કરનારાઓના અનામતના લાભ બંધ કરો.” લોકસભા પૂર્વ ઉપાધ્યક્ષ કડિયા મુંડાએ કહ્યું હતું કે, સ્વેચ્છાએ આદિવાસી રીતિ-રિવાજને છોડનારા લોકોને આદિવાસી તરીકે મળતા લાભ પણ ના મળવા જોઈએ.
દિલ્હી જઈને પ્રદર્શન કરવાની ચીમકી
છત્તીસગઢ આદિવાસી સુરક્ષા મંચના નેતા અને પૂર્વ મંત્રી ગણેશ ઉરાંવે રેલીને સંબોધિત કરીને કહ્યું કે, “જો સરકારે ધર્મ બદલનારા લોકોનું અનામત સમાપ્ત ના કર્યું તો દિલ્હીમાં જઈને એક મોટું પ્રદર્શન કરવામાં આવશે અને આદિવાસી સમુદાય જે મૂળ રીતે પ્રકૃતિપૂજક છે, તે સમુદાયના લોકો ત્યાં સુધી દિલ્હીથી નહીં હટે જ્યાં સુધી તેમની માંગણી સંતોષવામાં નહીં આવે.” તેમણે વધુમાં કહ્યું, “મિશનરી આપણને ગુમરાહ કરી રહ્યા છે. તેનાથી આપણે બચવાની જરૂર છે.”
#WATCH | Ranchi, Jharkhand: Under the banner of Janjatiya Suraksha Manch, thousands of tribals gathered at the Morabadi Ground in support of delisting rally through which they demanded that the converted Christians or any other religion should be denied the benefits of… pic.twitter.com/Zli5cr17C8
— ANI (@ANI) December 24, 2023
આ ઉપરાંત ત્યાં હાજર કાર્તિક ઉરાંગે કહ્યું હતું કે, જો ડિલિસ્ટિંગ નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજના લોકો આંદોલન કરતાં-કરતાં જીવ પણ આપી દેશે. આ ઉપરાંત તેમણે દિલ્હી જવા માટે પણ હાંકલ કરી હતી. આ ઉપરાંત તેમણે ચીમકી પણ આપી કે, દિલ્હી આવ્યા પહેલાં મે મહિનામાં રાંચીમાં એક વિશાળ મહારેલી થશે. એ સિવાય ત્યાં હાજર આદિવાસી સમુદાયના લોકોના હાથમાં પોસ્ટર પણ જોવા મળ્યા હતા. જેમાં લખ્યું હતું કે, “જે ગ્રામદેવી-દેવતાની પૂજા કરે છે, તેજ આદિવાસી છે.” એ ઉપરાંત અન્ય એક પોસ્ટરમાં લખ્યું હતું કે, “દેશ-ધર્મની રક્ષા, દાયિત્વ છે આપણું.”
વર્ષો પહેલાં થઈ જવું જોઈતું હતું ડિલિસ્ટિંગ
લોકસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અને જનજાતિય સુરક્ષા મંચના રાષ્ટ્રીય સંરક્ષક કડિયા મુંડાએ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, “જેમણે પણ જનજાતિના રીતિ-રિવાજોનો ત્યાગ કર્યો છે અને ઈસાઈ કે ઈસ્લામ અપનાવ્યો છે, તેમને અનુસૂચિત જનજાતિ સમુદાયના સદસ્ય નહીં ગણવામાં આવે.” તેમણે વધુમાં કહ્યું કે, “વર્ષો પહેલાં જ ડિલિસ્ટિંગ થઈ જવું જોઈતું હતું. ધર્માંતરણ કરનારા લોકોને આદિવાસીઓની સૂચીમાંથી દૂર કરવા જોઈતા હતા અને તેમના અનામત સહિતના તમામ લાભો બંધ કરવા જોઈતા હતા. જો આજે આપણે આ કરવામાં નિષ્ફળ જશું તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે.”
અમદાવાદમાં પણ યોજાઈ હતી મહારેલી
ઉલ્લેખનીય છે કે, 27 મે, 2023ના રોજ અમદાવાદમાં પણ આવી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમુદાયે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવતાં મહારેલી યોજી હતી, જેમાં રાજ્યભરમાંથી લોકો સામેલ થયા હતા. આદિવાસી સમાજના કેટલાક લોકો ધર્માંતરણ કર્યા બાદ પણ એ તમામ લાભ ઉઠાવે છે જે એક આદિવાસીને મળે છે. આના કારણે મૂળ આદિવાસી સમાજ લાભ મેળવવાથી વંચિત રહી જાય છે. ગુજરાત જનજાતિ સુરક્ષા મંચે આના વિરોધમાં આદિવાસીઓની સિંહ ગર્જના મહારેલી યોજીને આવા લોકોના ડિલિસ્ટિંગની માંગણી કરી હતી.
અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે અલગ-અલગ ત્રણ જગ્યાએથી આદિવાસીઓની સિંહ ગર્જના મહારેલી કાઢવામાં આવી હતી. આ રેલી જમાલપુર બ્રીજ, RTO સર્કલ તથા દધિચી બ્રીજ પાસેથી નીકળી હતી અને આશ્રમ રોડ વલ્લભ સદનની પાછળના રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી. પરંપરાગત પોશાક પહેરેલા આદિવાસીઓના હાથમાં બેનર અને ઝંડા જોવા મળ્યા હતા હતા.