Sunday, September 8, 2024
More
    હોમપેજદેશમાલદીવની રશીદાએ યૌન સંબંધનો ઇનકાર કર્યો તો પોલીસકર્મીએ ફસાવી દીધા વૈજ્ઞાનિકોને: જે...

    માલદીવની રશીદાએ યૌન સંબંધનો ઇનકાર કર્યો તો પોલીસકર્મીએ ફસાવી દીધા વૈજ્ઞાનિકોને: જે ખોટા કેસમાં નામ્બી નારાયણનને ફસાવાયા હતા, તેની સંપૂર્ણ હકીકત CBIની ચાર્જશીટથી સામે આવી

    CBIએ કેરળના પાંચે આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કલમ 102 હેઠળ IPCની કલમ (સુધારા પહેલાં) 167, 193, 323, 330, 342 અને 354 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની ભલામણ કરી છે.

    - Advertisement -

    1994નો ISRO જાસૂસી કેસ, જેમાં દેશના ટોચના વૈજ્ઞાનિકોમાંથી એક નામ્બી નારાયણન અને અન્ય ત્રણ વૈજ્ઞાનિકોને ફસાવવામાં આવ્યા હતા અને તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી, દેશને પણ ક્રાયોજેનિક રોકેટ એન્જિનના વિકાસમાં પાછળ રહેવું પડ્યું હતું, તે આખો કેસ નકલી હતો. કેરળના એક પોલીસ અધિકારીને માલદીવની એક મહિલાએ યૌન સંબંધ માટેનો ઇનકાર કરી દીધો હતો. જેના પગલે તે પોલીસકર્મીએ મહિલા પર ગુસ્સો ઉતારવા માટે આખો નકલી કેસ રચ્યો હતો. પહેલાં તેણે મહિલાના તમામ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરી લીધા હતા અને ત્યારબાદ તેને ખોટા કેસમાં ફસાવીને તેની ધરપકડ કરી હતી. ત્યારપછી આ કેસમાં કારણ વગર ISROના વૈજ્ઞાનિકોને પણ ફસાવવામાં આવ્યા હતા. CBIએ પોતાની ચાર્જશીટમાં આ આખી ઘટનાક્રમનો વિગતે ઉલ્લેખ કર્યો છે.

    જૂનના મહિનાના છેલ્લા અઠવાડિયામાં CBIએ તિરુવંતપુરમની એક કોર્ટમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ બુધવારે (10 જુલાઈ) તે ચાર્જશીટની વિગતો સામે આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્રીય એજન્સી CBIએ 2021માં ISRO જાસૂસી કેસ મામલે તપાસ હાથ ધરી હતી. CBIની ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે એસ વિજયનને ગણવામાં આવ્યો છે. એસ વિજયન તત્કાલીન કેરળ પોલીસની સ્પેશ્યલ બ્રાંચમાં અધિકારી હતો. CBIએ આરોપ લગાવ્યો છે કે, એસ વિજયને માલદીવની રશીદા નામની મહિલા સાથે હોટેલમાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

    ચાર્જશીટમાં કહેવાયું છે કે, રશીદાએ પોલીસ અધિકારીના તે કૃત્યનો વિરોધ કર્યો હતો અને યૌન સંબંધ માટે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ વિજયન હોટેલના રૂમમાંથી નીકળી ગયો હતો. પરંતુ હવે તેની ચાંપતી નજર રશીદા પર હતી. તે તેના વિશેની તમામ જાણકારીઓ પર નજર રાખીને બેઠો હતો. ચાર્જશીટમાં આરોપ છે કે, જ્યારે વિજયનને જાણ થઈ કે, તે મહિલાના ISRO વૈજ્ઞાનિક ડી શશિકુમારન સાથે ટેલિફોન પર સંપર્ક છે, તો તેણે અહીંથી જાસૂસીની આખી વાર્તા ઘડવાનું શરૂ કરી દીધું હતું. જે સંપૂર્ણપણે નકલી હતી.

    - Advertisement -

    ચાર્જશીટમાં તે આરોપ પણ છે કે, કેસના મુખ્ય આરોપી વિજયને માલદીવની મહિલાના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરીને તેને પોતાના દેશ જતાં પણ અટકાવી દીધી હતી. જોકે, ત્યારબાદ રશીદાની ભારતમાં રહેવાની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી હતી. તેથી પોલીસે શરૂઆતમાં તેના વિરુદ્ધ નક્કી કરાયેલી સમયમર્યાદા કરતાં વધુ સમય સુધી ભારતમાં રહેવા બદલ કેસ નોંધ્યો હતો. પરંતુ બાદમાં સરકારી ગોપનિયતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ આરોપોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ આખા કેસને જાસૂસીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો.

    CBIના જણાવ્યા અનુસાર, ISROના વૈજ્ઞાનિક નામ્બી નારાયણન, ડી શશિકુમારન, કે ચંદ્રશેખરન અને કોન્ટ્રાકટર એસકે શર્મા વિરુદ્ધ કેરળ પોલીસના તત્કાલીન ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ સીબી મૈથ્યુઝના આદેશ પર કેસ નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ પણ તેમના આદેશ પર જ કરવામાં આવી હતી. મૈથ્યુઝ સ્પેશ્યલ બ્રાન્ચનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેઓ પણ આ ઘટનાક્રમમાં સંડોવાયેલા હતા. તેમના આદેશ બાદ ISROના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોની ધરપકડ કરવામાં આવી હતી.

    એજન્સીએ આક્ષેપ લગાવ્યો છે કે, મૈથ્યુઝે ધરપકડ કરાયેલા લોકોને રાજ્ય પોલીસની કસ્ટડીમાં રાખ્યા હતા અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને શારીરિક અને માનસિક યાતનાઓ આપવાની મંજૂરી પણ આપી હતી. જોકે, IB અધિકારીઓએ ધરપકડ કરાયેલા તે લોકોની અને અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. જ્યારે નામ્બી નારાયણન અને કે ચંદ્રશેખરનને પોલીસ કસ્ટડીમાં મેડિકલ સારવાર આપવામાં આવી હતી, પરંતુ તે ગુનાના રેકોર્ડમાં નોંધાયેલ નથી. CBIએ જણાવ્યું છે કે, મૈથ્યુઝના કહેવાથી અન્ય આરોપી DySP કેકે જોશવા દ્વારા મેડિકલ રેકોર્ડ દબાવવામાં આવ્યો હતો.

    CBIનો આરોપ છે કે, ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમાર, જેઓ 1994માં કેરળમાં IB સાથે કામ કરી રહ્યા હતા, તેઓ આરોપીઓની અનધિકૃત કસ્ટડી અને યાતનાઓ આપવા માટે જવાબદાર હતા. CBIએ દાવો કર્યો છે કે, આ કેસના ચોથા આરોપી શ્રીકુમારે હોટલના રૂમમાં માલદીવની મહિલાની અનધિકૃત પૂછપરછમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી અને IBના જુનિયર અધિકારીઓએ તેમના નિર્દેશ મુજબ જ કામ કર્યું હતું. સાથે એ પણ નોંધવું જોઈએ કે, આરોપી શ્રીકુમાર 2002ના રમખાણો બાદ ગુજરાત સરકાર વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવાના કેસમાં તીસ્તા સેતલવાડ સાથે આરોપી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે, પાંચમા આરોપી IB અધિકારી પીએસ જયપ્રકાશે પણ નામ્બી નારાયણણનને ત્રાસ અને યાતના આપવામાં સ્પષ્ટ ભૂમિકા નિભાવી હતી.

    ચાર્જશીટમાં કહેવાયું છે કે, “પ્રારંભિક તબક્કાથી જ કાયદા/ઓથોરિટીના દુરુપયોગનો આ સ્પષ્ટ કેસ છે. શરૂઆતની ભૂલોને છુપાવી રાખવા માટે, પીડિતો વિરુદ્ધ ખોટા પૂછપરછના રિપોર્ટ સાથે ગંભીર રીતનો અન્ય એક કેસ શરૂ કરવામાં આવ્યો હતો. આ નકલી પૂછપરછના રિપોર્ટ્સનો ઉપયોગ વૈજ્ઞાનિકોની ધરપકડ માટે કરવામાં આવ્યો હતો.” CBIએ કેરળના આ પાંચેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કલમ 102 હેઠળ IPCની કલમ (સુધારા પહેલાં) 167, 193, 323, 330, 342 અને 354 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની ભલામણ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં