Wednesday, June 25, 2025
More
    હોમપેજદેશ‘જો પાકિસ્તાને ગોળી ચલાવી તો ભારત પણ ચલાવશે, જો તેઓ હુમલો કરે...

    ‘જો પાકિસ્તાને ગોળી ચલાવી તો ભારત પણ ચલાવશે, જો તેઓ હુમલો કરે તો આપણે પણ કરીશું’: સરકારે યુદ્ધવિરામ પર સ્પષ્ટ કર્યું સ્ટેન્ડ– POK પરત કરે પાકિસ્તાન, બીજી કોઈ વાતચીત નહીં

    બીજું, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઑપરેશન સિંદૂર પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યું નથી. જો પાકિસ્તાન ગોળીબાર કરશે તો ભારત પણ કરશે. જો તેઓ હુમલો કરશે, તો આપણે પણ કરીશું.

    - Advertisement -

    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ થયા બાદ ભારત સરકાર તરફથી અમુક જાણકારી આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યુદ્ધવિરામ ક્યાં સુધી ટકશે તેનો સંપૂર્ણ આધાર પાકિસ્તાનની કરતૂતો પર છે. જો સરહદપારથી કોઈ પણ પ્રકારની અવળચંડાઈ કરવામાં આવી તો ભારત બમણી તીવ્રતાથી જવાબ આપશે. 

    બીજું, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઑપરેશન સિંદૂર પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યું નથી. જો પાકિસ્તાન ગોળીબાર કરશે તો ભારત પણ કરશે. જો તેઓ હુમલો કરશે, તો આપણે પણ કરીશું.

    સરકારે એમ પણ જણાવ્યું છે કે, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ પ્રકારની વાતચીત થઈ નથી. માત્ર બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન (DGMO) વચ્ચે જ ચર્ચા થઈ હતી. નોંધવું જોઈએ કે પાકિસ્તાનના DGMO દ્વારા યુદ્ધવિરામ કરવા માટે ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    ઑપરેશન સિંદૂર વિશે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તે પૂર્ણ થયું નથી, પરંતુ આ એક ન્યૂ નોર્મલ છે. દુનિયાએ એ સ્વીકારવું જ પડશે. પાકિસ્તાને સ્વીકારવું પડશે. હવે સ્થિતિ પહેલાં જેવી રહી નથી. 

    કાશ્મીર મુદ્દે સરકારે વલણ સ્પષ્ટ કરતાં કહ્યું, “કાશ્મીર મુદ્દે અમે બહુ સ્પષ્ટ છીએ. હાલ એક જ મુદ્દો રહ્યો છે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત મેળવવું. બીજી કોઈ વાતચીત થશે નહીં. જો તેઓ આતંકવાદીઓ સોંપવા માટે ચર્ચા કરવા માંગતા હોય તો અમે ચર્ચા કરીશું. બીજા કોઈ મુદ્દા પર વાતચીત કરવા માંગતા નથી. કોઈની મધ્યસ્થીની પણ જરૂર નથી અને અમે કોઈને મધ્યસ્થતા કરવા માટે આમંત્રણ પણ આપી રહ્યા નથી. 

    સરકારનાં સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાન માટે દરેક રાઉન્ડમાં પરિસ્થિતિ બગડતી ગઈ હતી. તેઓ દરેક વખતે ભારત સામે હારી ગયા. જ્યારે એરબેઝ પર હુમલો કર્યો ત્યારે તેઓ જાણી ગયા કે ભારત સામે લડી શકે તેમ નથી. આ ભારત તરફથી એક સ્પષ્ટ સંદેશ હતો કે કોઈ બચી શકે તેમ નથી અને આ જ ન્યૂ નોર્મલ રહેશે. 

    બીજી તરફ, ભારતે ઑપરેશન સિંદૂરથી ત્રણ ઉદ્દેશ્યો હાંસલ કરી લીધા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

    1. સૈન્ય કાર્યવાહી– પીએમ મોદીએ કહ્યું હતું કે મિટ્ટી મેં મિલા દેંગે, તો બહાવલપુર, મુરીદકે અને મુઝફ્ફરાબાદના આતંકવાદી  કેમ્પને માટીમાં મેળવી દીધા. 
    2. રાજકીય ઉદ્દેશ્ય– સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેવામાં આવી અને સરહદપારનો આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સ્થગિત જ રહેશે. 
    3. મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્ય– ‘ઘરમાં ઘૂસીને મારીશું’ એમ કહ્યું હતું. આપણે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું અને સફળ રહ્યા. 

    મુખ્ય આતંકવાદી ઠેકાણાં પર કરવામાં આવેલા હુમલાઓ વિશે જણાવવામાં આવ્યું કે, જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર હેડક્વાર્ટર પર સૌથી ખતરનાક હથિયાર (સંભવતઃ બ્રહ્મોસ મિસાઈલ, જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી) વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે ભારત તરફથી ISI દ્વારા નિર્મિત આતંકવાદી સંગઠનને એક સ્પષ્ટ સંદેશ હતો. 

    આ સિવાય મુરીદકે અને મુઝફ્ફરાબાદના આતંકવાદી કૅમ્પો ઉડાવીને પણ ભારતે સંદેશ આપ્યો કે આ આતંકવાદી કેમ્પોને ISIનું રક્ષણ મળે છે તે ભારત જાણે છે અને તેમને છોડશે નહીં. ભારત નાના કૅમ્પો પર હુમલા નહીં કરે પણ આતંકવાદીઓના હેડક્વાર્ટરને જ ટાર્ગેટ કરશે. 

    જણાવવામાં આવ્યું છે કે, જેટલા હુમલા થયા એ તમામ ચોકસાઈપૂર્વક કરવામાં આવ્યા હતા અને આવા જ એક હુમલામાં રહીમ યાર ખાન એરબેઝનો રનવે સંપૂર્ણ સાફ થઈ ગયો હતો. આ સિવાય ચકલાલાના નૂર ખાન એરબેઝને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. 

    સરકારે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ મોટો ભેદ છે. પાકિસ્તાન જાણી ગયું કે તે ટકી શકે તેમ નથી. એક તરફ ભારતે જે-જે ટાર્ગેટ નક્કી કર્યા હતા તેને ધ્વસ્ત કર્યા, બીજી તરફ પાકિસ્તાનના દરેક હુમલાઓ નિષ્ફળ સાબિત થયા. તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. 

    સૈન્ય કાર્યવાહીઓ વિશે વધુ માહિતી 11 મે (રવિવાર) સાંજે 6:30 વાગ્યે ભારતીય સશસ્ત્રબળો આપશે તેમ જાણવા મળી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં