ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસના (Indian Institute of Technology, Madras) ડિરેક્ટર વી. કામકોટીનો (V Kamakoti) એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ગૌમૂત્રના (Gomutra) ‘ઔષધીય ગુણો’ની પ્રશંસા કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે ગાયોની સ્વદેશી જાતિઓનું રક્ષણ કરવા અને ઓર્ગેનિક ખેતી (Organic Farming) અપનાવવાના મહત્વ પર પણ ભાર આપ્યો હતો. પ્રોફેસર કામકોટી વર્ષ 2022થી IIT મદ્રાસના ડિરેક્ટર છે.
કામકોટીએ 15 જાન્યુઆરીએ ચેન્નાઈમાં મટ્ટુ પોંગલ નિમિત્તે ‘ગૌસંરક્ષણ શાળા’ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કાર્યક્રમમાં એક વાત પણ શેર કરી હતી. જેમાં એક સાધુ ભારે તાવ દરમિયાન ગૌમૂત્રનું સેવન કરીને સ્વસ્થ થયા હોવાનો ઉલ્લેખ હતો. અહેવાલ અનુસાર આ નિવેદન સાચું હોવાનું કહેવાઈ રહ્યું છે.
અહેવાલ અનુસાર, IIT મદ્રાસના ડિરેક્ટરે ગૌમૂત્રના ‘એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને પાચન સુધારણા ગુણધર્મો’ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગૌમૂત્ર મોટા આંતરડાને લગતી સમસ્યાઓ જેમ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે ઉપયોગી છે અને તે ‘શરીર પર હીલિંગ અસર’ ધરાવે છે. ઉપરાંત તેમણે ગૌમૂત્રના ‘ઔષધીય ગુણધર્મો’ને ધ્યાનમાં લેવાની હિમાયત કરી હતી.
Dr @theliverdr post 🙌.
— Dr.Thillli PhD 🎷🧬🎸🧬🎺🧬🎤🧬🥁🧬 (@thil_sek) January 18, 2025
Mr. Kamakotti, director of IIT-Madras,tells that Goumutra has medicinal values. It is anti-bacterial, anti-fungal, and cures fever in 15 mins. pic.twitter.com/wkRbZmzZaH
IIT ડિરેક્ટરે ‘ગૌસંરક્ષણ’ પર ભાર મુકતા કહ્યું કે તેના આર્થિક અને પર્યાવરણીય ફાયદા છે. તેમણે કહ્યું કે, આપણે જેટલી જલ્દી ઓર્ગેનિક, કુદરતી ખેતી અપનાવીશું, તેટલું આપણા માટે સારું રહેશે. તેમણે કહ્યું કે, દેશી ગાય અને બળદ એ ઓર્ગેનિક ખેતીનો મૂળ પાયો છે. તેથી, સ્થાનિક પશુઓની જાતિઓના રક્ષણ માટે શક્ય તેટલા વધુ પ્રયાસો કરવા જોઈએ.
નોંધનીય છે કે પ્રતિષ્ઠિત સંસ્થાના સૂત્રોએ કામકોટીની ટિપ્પણીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ ગૌશાળાના કાર્યક્રમમાં ‘ઓર્ગેનિક ખેડૂત’ તરીકે બોલી રહ્યા હતા અને તેમની ટિપ્પણીઓનો વ્યાપક દ્રષ્ટિકોણ હતો. પ્રોફેસર કામકોટીએ 17 જાન્યુઆરી, 2022 ના રોજ IIT-મદ્રાસના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજી વિકાસના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને 2013માં DRDO એકેડેમી એક્સેલન્સ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય પણ તેમને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
કોંગ્રેસ, DMK દ્વારા વિરોધ
તેમની આ ટિપ્પણીનું રાજનીતિકરણ કરીને કેટલાક નેતાઓએ તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. કોંગ્રેસના નેતા કાર્તિ પી. ચિદમ્બરમે કહ્યું, “IIT મદ્રાસના ડિરેક્ટર દ્વારા આવી વાતનો પ્રચાર કરવો અયોગ્ય છે.” તેમણે કામકોટી પર સ્યુડોસાયન્સનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય DMK નેતા ટીકેએસ એલંગોવને ડિરેક્ટરના ટ્રાન્સફરની માંગ કરતા કહ્યું કે આવી કલ્પના એન્જિનિયરિંગ સંસ્થા કરતા મેડિકલ કોલેજ માટે વધુ યોગ્ય છે.