Saturday, July 5, 2025
More
    હોમપેજદુનિયાજે 'સફેદ સોના' માટે અમેરિકા અને યુરોપ પણ કરી રહ્યાં છે પડાપડી,...

    જે ‘સફેદ સોના’ માટે અમેરિકા અને યુરોપ પણ કરી રહ્યાં છે પડાપડી, તેના ભંડાર સુધી પહોંચ્યા પીએમ મોદી: વડાપ્રધાનની આર્જેન્ટિનાની યાત્રા ભારત માટે કેમ છે મહત્વપૂર્ણ, તેનાથી શું થશે લાભ- સમજો

    વૈશ્વિક સ્તરે ખનીજ સંસાધનોની હરીફાઈ તીવ્ર બની રહી છે. અમેરિકા અને યુરોપ પણ લિથિયમ અને અન્ય નિર્ણાયક ખનીજો માટે પડાપડી કરી રહ્યા છે. આ સંદર્ભમાં ભારતની આર્જેન્ટિના સાથેની ભાગીદારી વ્યૂહાત્મક રીતે મહત્ત્વની છે.

    - Advertisement -

    પીએમ મોદી (PM Modi) બે દિવસની યાત્રા માટે આર્જેન્ટિના (Argentina) પહોંચ્યા છે. તેઓ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને હાલના સહયોગની સમીક્ષા પણ કરશે. તે સિવાય તેઓ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત કરવા માટે વાતચીત પણ કરશે. વડાપ્રધાન શુક્રવારે (4 જુલાઈ) એઝીઝા ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વની વાત તો એ છે કે, 57 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ આર્જેન્ટિનાની દ્વિપક્ષીય યાત્રા છે. વડાપ્રધાન દ્વિપક્ષીય યાત્રા માટે રાજધાની બ્યૂનસ આયર્સ પહોંચ્યા છે.

    પીએમ મોદીની આર્જેન્ટિનાની દ્વિપક્ષીય યાત્રા ભારત-આર્જેન્ટિના સંબંધોમાં એક ઐતિહાસિક પગલું છે. આ યાત્રા 5 દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને નવો આયામ આપવાની સંભાવના ધરાવે છે. આ યાત્રા ભારત માટે આર્થિક, વ્યૂહાત્મક અને ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની છે, ખાસ કરીને આર્જેન્ટિનાના પુષ્કળ ખનીજ સંસાધનો, જેમ કે લિથિયમ, તેલ અને ગેસ, તેના કેન્દ્રમાં છે. આ લેખમાં આ યાત્રાનું મહત્ત્વ, તેના ભારત માટેના ફાયદા અને ખાસ કરીને લિથિયમ જેવા ખનીજોની ભૂમિકા પર વિગતે ચર્ચા કરીશું.

    સંબંધોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

    આર્જેન્ટિના અને ભારત વચ્ચેના સંબંધો 1949માં રાજદ્વારી સંબંધોની સ્થાપના સાથે શરૂ થયા હતા, પરંતુ 1968માં ઇન્દિરા ગાંધીની મુલાકાત બાદ આ પ્રથમ દ્વિપક્ષીય યાત્રા છે. આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેનું એક પગલું છે. જેમાં વેપાર, રોકાણ, ખનન, ઊર્જા, રક્ષા, કૃષિ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

    - Advertisement -

    પીએમ મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ સાથે વ્યાપક વાતચીત કરશે, જેમાં દ્વિપક્ષીય સંધિઓ (MoUs) પર હસ્તાક્ષર અને ભારત-આર્જેન્ટિના બિઝનેસ સમિટ 2025માં ભાગ લેવાનો સમાવેશ થાય છે. આ યાત્રા ભારતની વિદેશ નીતિનો એક ભાગ છે, જે ઊર્જા સુરક્ષા, ખનીજ સંસાધનો અને આર્થિક સ્થિરતા પર કેન્દ્રિત છે.

    ભારત માટે આર્જેન્ટિનાનું વ્યૂહાત્મક મહત્વ

    આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાના ‘લિથિયમ ટ્રાયેન્ગલ’નો (આર્જેન્ટિના, બોલિવિયા અને ચિલી) હિસ્સો છે, જે વિશ્વના લિથિયમના મોટા ભાગના ભંડાર ધરાવે છે. લિથિયમ એ રિચાર્જેબલ બેટરીઓનું મુખ્ય ઘટક છે, જે ઇલેક્ટ્રિક વાહનો (EVs), મોબાઇલ ફોન, લેપટોપ અને રિન્યુએબલ ઊર્જા સંગ્રહ પ્રણાલીઓમાં વપરાય છે. ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યો અને ઔદ્યોગિક વિકાસ માટે લિથિયમની ભૂમિકા નિર્ણાયક છે.

    આ ઉપરાંત, આર્જેન્ટિના વિશ્વના બીજા સૌથી મોટા શેલ ગેસ ભંડાર અને ચોથા ક્રમના શેલ ઓઇલ ભંડાર ધરાવે છે. સાથે પરંપરાગત તેલ અને ગેસના પણ નોંધપાત્ર ભંડાર છે. આ ઊર્જા સંસાધનો ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વના છે, ખાસ કરીને મધ્યપૂર્વના સપ્લાયર્સમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને. ભારત મધ્યપૂર્વ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે આર્જેન્ટિના સાથે વાટાઘાટો કરીને આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે. 

    ભારત માટે ખનીજોનું મહત્વ

    આર્જેન્ટિના લિથિયમ ઉપરાંત તાંબુ, રેર અર્થ એલિમેન્ટ્સ અને અન્ય નિર્ણાયક ખનીજોનો ભંડાર ધરાવે છે, જે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ઔદ્યોગિક વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે. હાલમાં તો ભારત સરકારની કંપની ખનીજ બિદેશ ઇન્ડિયા લિમિટેડે (KABIL) આર્જેન્ટિનાના કેટામાર્કા પ્રાંતમાં લિથિયમ શોધ અને ખનન માટેના અધિકારો મેળવ્યા છે. આ યાત્રા દરમિયાન આ દિશામાં વધુ સંધિઓની અપેક્ષા છે. 

    લિથિયમ ભારતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રને વેગ આપવા માટે આવશ્યક છે. ભારતે 2030 સુધીમાં 30% ઇલેક્ટ્રિક વાહનોનું લક્ષ્ય રાખ્યું છે અને લિથિયમની સ્થિર સપ્લાય આ માટે નિર્ણાયક છે. આ ઉપરાંત, આર્જેન્ટિનાના LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ભંડાર પણ ભારતની ઊર્જા જરૂરિયાતોને વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરશે.

    ભારત માટે કેમ જરૂરી છે લિથિયમ? 

    ભારત માટે અન્ય ખનીજોની જેમ લિથિયમ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલ ભારત લિથિયમ માટે અન્ય દેશો પર નિર્ભર છે. જોકે, મોટાભાગ સપ્લાયર દેશો ભારતના મજબૂત મિત્ર બની શક્યા નથી. તેથી આવી સ્થિતિમાં કોઈ એવા ભાગીદારીની જરૂર છે, જે વિશ્વાસુ હોય. આ બધા કારણોને ધ્યાને રાખીને ભારત આર્જેન્ટિના સાથે લિથિયમ અંગે સંધિ કરી શકે છે. ભારત માટે લિથિયમની જરૂરના કારણો નીચે મુજબ છે. 

    ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન એનર્જી – લિથિયમ એ લિથિયમ-આયન બેટરીઓનું મુખ્ય ઘટક છે, જે ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ ફોન, લેપટોપ અને રિન્યુએબલ ઊર્જા સંગ્રહ પ્રણાલીઓમાં વપરાય છે. ભારતે 2030 સુધીમાં 30% ઇલેક્ટ્રિક વાહનોનું લક્ષ્ય રાખ્યું છે અને આ માટે લિથિયમની સ્થિર સપ્લાય આવશ્યક છે. આ ઉપરાંત, સોલર અને વિન્ડ એનર્જી સ્ટોરેજ માટે પણ લિથિયમ બેટરીઓ મહત્ત્વની છે.

    ઊર્જા સુરક્ષા અને વૈવિધ્યીકરણ – ભારત હાલમાં લિથિયમની આયાત પર મુખ્યત્વે ચીન, ઓસ્ટ્રેલિયા અને ચિલી જેવા દેશો પર નિર્ભર છે. સ્વદેશી લિથિયમ સપ્લાય અથવા વિશ્વસનીય ભાગીદારો (જેમ કે આર્જેન્ટિના) સાથેના કરારથી આ નિર્ભરતા ઘટશે, જે ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે.

    ઔદ્યોગિક વિકાસ – લિથિયમ-આધારિત બેટરી ઉત્પાદન ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપશે. મોદી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલ હેઠળ બેટરી ઉત્પાદન અને EV ઇકોસિસ્ટમને પ્રોત્સાહન મળશે, જે આર્થિક વૃદ્ધિ અને રોજગારીનું સર્જન કરશે.

    પર્યાવરણીય લક્ષ્યો – ભારતે 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે. લિથિયમ-આયન બેટરીઓ ફોસિલ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં અને સ્વચ્છ ઊર્જા તરફ જવા માટે ખૂબ મદદ કરશે.

    વૈશ્વિક હરીફાઈ – લિથિયમ એ ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે અને તેની વૈશ્વિક માંગ ઝડપથી વધી રહી છે. ચીન અને અન્ય દેશો લિથિયમના ભંડારો પર નિયંત્રણ મેળવવા માટે સક્રિય છે. ભારત માટે લિથિયમની સપ્લાય ચેઇન સુરક્ષિત કરવી વૈશ્વિક બજારમાં રહેવા માટે જરૂરી છે.

    સ્થાનિક ખનનની મર્યાદાઓ – ભારતમાં લિથિયમના ભંડાર મર્યાદિત છે (જેમ કે જમ્મુ-કાશ્મીરમાં નાના ભંડારો મળ્યા છે) અને તેનું ખનન હજુ પ્રારંભિક તબક્કામાં છે. આથી, આર્જેન્ટિના જેવા લિથિયમ-સમૃદ્ધ દેશો સાથે ભાગીદારી આવશ્યક છે.

    ભારત માટે આર્થિક અને અન્ય વેપારી લાભો

    ભારત અને આર્જેન્ટિના વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2024માં 5.2 બિલિયન અમેરિકી ડોલરને પાર કરી ગયો છે, જે સાથે હવે ભારત આર્જેન્ટિનાના 6 શીર્ષ વેપારી ભાગીદારોમાં સામેલ થઈ ગયું છે. ત્યારપછી હવે વડાપ્રધાન મોદીની આ યાત્રા વેપાર સંબંધોને નવી ગતિ આપી શકે છે. આર્જેન્ટિના ભારતને સોયાબીન અને સૂર્યમુખીનું તેલ પૂરું પાડે છે, જે ભારતની ખાદ્ય સુરક્ષા માટે મહત્ત્વનું છે. આ યાત્રા દ્વારા ભારત મર્કોસુર (દક્ષિણ અમેરિકાનું વેપારી સંગઠન) સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીતને વેગ આપી શકે છે, જે ભારતના લેટિન અમેરિકા સાથેના આર્થિક સંબંધોને મજબૂત કરશે.

    બીજી તરફ આર્જેન્ટિના પણ ભારતીય દવાઓ, મેડિકલ ઉપકરણો અને IT સેવાઓની આયાત કરવા માંગે છે અને ભારત સરકાર ફળો, શાકભાજી, ડેરી અને અન્ય વસ્તુઓ માટે આર્જેન્ટિનાની કૃષિ બજાર સુધી પહોંચ બનાવવા પર ભાર આપી રહી છે. ભારતીય કંપનીઓ, ખાસ કરીને IT, એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં, આર્જેન્ટિનામાં 1.2 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરી ચૂકી છે. આ યાત્રા દ્વારા ખાનગી ક્ષેત્રની કંપનીઓને રેર અર્થ એલિમેન્ટ્સ અને અન્ય ખનીજોના ખનનમાં રોકાણની તકો પણ મળશે.

    અન્ય ક્ષેત્રોમાં પણ વધશે સહયોગ

    લિથિયમ અને ઊર્જા ઉપરાંત આ યાત્રા દ્વારા અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ વધશે. વિગતે વાત કરીએ તો આ યાત્રાથી ભારતની રક્ષા ઉત્પાદન ક્ષમતાઓ અને આર્જેન્ટિનાની જરૂરિયાતો વચ્ચે સહયોગની તકો છે. હાલના તબક્કે આર્જેન્ટિનાએ ભારતમાં નિર્મિત રક્ષા પ્રણાલીઓમાં રસ દાખવ્યો છે, જેમાં તેજસ ફાઇટર જેટ્સ પણ સામેલ છે. તે સિવાય આર્જેન્ટિના ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેમ કે UPI) અને ટેલિમેડિસિન મોડેલ્સથી ઘણું શીખવા માટે ઉત્સુક છે. વધુમાં અંતરીક્ષ અને સેટેલાઈટ ટેકનોલોજીમાં પણ આર્જેન્ટિના ભારત પાસેથી ઘણું શીખવાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત યોગ, આયુર્વેદ અને ભારતીય ફિલસૂફી આર્જેન્ટિનામાં લોકપ્રિય છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારતીય ડાયસ્પોરા અને સ્થાનિક કલાકારો સાથેની મુલાકાત આ સંબંધોને વધુ મજબૂત કરશે.

    અમેરિકા અને યુરોપ પણ ખનીજો માટે કરી રહ્યા છે પડાપડી

    વૈશ્વિક સ્તરે ખનીજ સંસાધનોની હરીફાઈ તીવ્ર બની રહી છે. અમેરિકા અને યુરોપ પણ લિથિયમ અને અન્ય નિર્ણાયક ખનીજો માટે પડાપડી કરી રહ્યા છે. આ સંદર્ભમાં ભારતની આર્જેન્ટિના સાથેની ભાગીદારી વ્યૂહાત્મક રીતે મહત્ત્વની છે. ભારત આ યાત્રા દ્વારા ન માત્ર ખનીજ સપ્લાય સુરક્ષિત કરશે, પરંતુ ટેકનોલોજી અને રોકાણના બદલામાં આર્જેન્ટિનાને આર્થિક સુધારાઓમાં મદદ કરશે.

    ભારત માટે લાભની ઉત્તમ તકો

    આ યાત્રાથી ભારતને નીચે મુજબના લાભ થઈ શકે છે:

    ઊર્જા સુરક્ષા – આર્જેન્ટિનાના તેલ, ગેસ અને LNG ભંડાર ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરશે, જે મધ્યપૂર્વ પરની નિર્ભરતા ઘટાડશે.

    સ્વચ્છ ઊર્જા – લિથિયમની સપ્લાય ભારતના ઇલેક્ટ્રિક વાહન અને રિન્યુએબલ ઊર્જા સંગ્રહના લક્ષ્યોને વેગ આપશે.

    આર્થિક વૃદ્ધિ – વેપાર અને રોકાણની નવી તકો ભારતીય કંપનીઓ માટે બજાર વિસ્તરણ અને આવકના નવા સ્ત્રોત ખોલશે.

    વૈશ્વિક સ્થિતિ – આ યાત્રા ભારતની ખનીજ કૂટનીતિ (Mineral Diplomacy) અને દક્ષિણ અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને વધુ પ્રમાણિત કરશે.

    આતંકવાદ વિરુદ્ધ ભારતના સમર્થનમાં રહ્યું છે આર્જેન્ટિના

    પીએમ મોદીની આ યાત્રા આતંકવાદ વિરુદ્ધના આર્જેન્ટિનાના સમાન વલણને લઈને પણ ચર્ચામાં છે. કારણ કે, આર્જેન્ટિના તે પહેલા દેશોમાંથી એક છે, જેણે પહલગામના ઇસ્લામી આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને ભારતના આત્મરક્ષાના અધિકારનું સમર્થન કર્યું હતું. વડાપ્રધાનની યાત્રા પહેલાં પણ ભારતમાં આર્જેન્ટિના રાજદૂત મારિયાનો કાઉસિનોએ કહ્યું હતું કે, “અમે ભારતનું દુઃખ સમજી શકીએ છીએ. આતંકવાદ કોઈપણ કાળે સ્વીકાર્ય નથી. આપણે તે લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી જ પડશે, જે આવા તત્વોનું સમર્થન કરે છે અને તેને આશ્રય આપે છે.”

    પીએમ મોદીની આર્જેન્ટિના યાત્રા ભારતની ઊર્જા સુરક્ષા, સ્વચ્છ ઊર્જા લક્ષ્યો અને આર્થિક વૃદ્ધિ માટે એક નિર્ણાયક પગલું છે. લિથિયમ, તેલ, ગેસ અને અન્ય ખનીજોની ઉપલબ્ધતા ભારતના ઔદ્યોગિક અને ગ્રીન એનર્જી એજન્ડાને વેગ આપશે, જ્યારે વેપાર, રક્ષા, આતંકવાદ વિરુદ્ધના વલણ અને ટેકનોલોજીમાં સહયોગ બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ આપશે. આ યાત્રા ભારતની વૈશ્વિક ખનીજ રાજનીતિમાં એક મજબૂત પગલું છે, જે ભવિષ્યમાં દેશની આર્થિક અને વ્યૂહાત્મક સ્થિતિને મજબૂત કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં