Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબના અજનાલા પોલીસ મથકે ખાલિસ્તાન સમર્થક ટોળાના હુમલા બાદ ગૃહ મંત્રાલય એક્શનમાં,...

    પંજાબના અજનાલા પોલીસ મથકે ખાલિસ્તાન સમર્થક ટોળાના હુમલા બાદ ગૃહ મંત્રાલય એક્શનમાં, પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો

    ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પંજાબમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં બનેલી ઘટનાઓને લઈને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે અને ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે.

    - Advertisement -

    પંજાબના અમૃતસરના અજનાલા પોલીસ મથકે ખાલિસ્તાની ટોળાએ હુમલો કરી દીધા બાદ આ મામલે ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે અને પંજાબ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઘટના ગુરુવારે (23 ફેબ્રુઆરી, 2023) બની હતી જ્યારે ‘વારિસ પંજાબ દે’ના અમૃતપાલ સિંઘના સમર્થકો હથિયારો લઈને પોલીસ મથકે ધસી ગયા હતા. 

    ઇન્ડિયા ટૂડેના રિપોર્ટમાં ગૃહ મંત્રાલય અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે પંજાબ પોલીસને અજનાલા પોલીસ મથક ખાતે બનેલી ઘટનાને લઈને વિગતવાર રિપોર્ટ જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. 

    બીજી તરફ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પંજાબમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં બનેલી ઘટનાઓને લઈને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે અને ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. એજન્સીઓ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ ઉપર પણ કડક નજર રાખી રહી છે અને કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમૃતપાલ સિંઘ ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે જો તેઓ તેમને દબાવવાના પ્રયાસ કરશે તો તેમની સ્થિતિ પણ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી જેવી જ થશે. જોકે, પછીથી તે ફરી ગયો હતો. 

    અમૃતપાલ સિંઘ છેલ્લા બે-ત્રણ દિવસથી ચર્ચામાં છે. 29 વર્ષીય અમૃતપાલ મૂળ અમૃતસરનો છે પરંતુ છેલ્લાં 10 વર્ષથી દુબઇ રહેતો હતો. ત્યાંથી તે એક્ટર-એક્ટિવિસ્ટ દીપ સિદ્ધુના સંપર્કમાં રહેતો હતો. એ જ દીપ સિદ્ધુ જેનું નામ લાલ કિલ્લાની હિંસામાં સામે આવ્યું હતું. 

    દીપ સિદ્ધુએ સપ્ટેમ્બર 2021માં ‘વારિસ પંજાબ દે’ નામનું એક સંગઠન સ્થાપ્યું હતું પરંતુ ફેબ્રુઆરી 2022માં તે મૃત્યુ પામ્યો. ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં અમૃતપાલ ભારત આવી ગયો અને સંગઠનનો ચીફ બની ગયો હતો. ત્યારે પણ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પંજાબની આમ આદમી પાર્ટી સરકારને સતર્ક કરી હતી. 

    અજનાલા પોલીસ મથક પર થયો હતો હુમલો 

    અમૃતસરના અજનાલા પોલીસ મથકે એક કિડનેપ અને મારામારીના કેસમાં અમૃતપાલ સિંઘના નજીકના સાથી તૂફાન સિંઘ સામે એક કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. જેનાથી ભડકી ઉઠેલા અમૃતપાલે સમર્થકોને પોલીસ મથકે આવવા માટે કહ્યું હતું અને ત્યારબાદ ટોળું તલવારો અને બંદૂકો લઈને દોડી આવ્યું અને પોલીસ પર હુમલો કરી દીધો હતો. 

    પંજાબ પોલીસે કહ્યું- હુમલાખોરો ગુરુ ગ્રંથ સાહિબ લઈને આવ્યા હતા 

    અજનાલા પોલીસ મથક પર હુમલાને લઈને પંજાબ પોલીસના ડીજીપીએ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓએ ગુરુ ગ્રંથ સાહિબનો એક ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો અને તેની આડ લઈને પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 6 લોકો ઇજા પામ્યા હતા. તેમણે ઉમેર્યું કે જો પોલીસે ગોળીબાર કર્યો હોત તો પરિસ્થિતિ વધુ બગડી હોત, જેથી તેમણે સંયમથી કામ લીધું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં