ચાર દિવસ પહેલાં જ રાજસ્થાનના ઉદયપુરમાં એક હિંદુ વિદ્યાર્થી પર તેના મુસ્લિમ સહપાઠીએ છરા વડે હુમલો કરી દીધો હતો. જે મામલે હવે ઘાયલ થયેલા હિંદુ વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું છે. MB હોસ્પિટલમાં તે વિદ્યાર્થીની સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સમાચાર ફેલાયા બાદ હોસ્પિટલની બહાર ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલમાં હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થીના મૃતદેહને યોગ્ય વયસ્થા સાથે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હિંદુ વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા બાદ ઉદયપુરમાં અજંપાભરી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. અનેક સામાજિક સંગઠનો અને હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે અને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઇમરજન્સી ગેટ પર એકઠા થવા લાગ્યા છે. સંગઠનોનો આરોપ છે કે, ચાર દિવસ સુધી તે લોકોને અંધારામાં રાખવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીનું મોત પહેલાં જ થઈ ચૂક્યું હતું, પરંતુ તેમને આ વિશેની કોઈ જાણ કરવામાં આવી નહોંતી. બીજી તરફ મૃતક વિદ્યાર્થીની માતાએ આરોપીઓને કડક સજા આપવા માટેની માંગણી કરી છે.
આ સાથે જ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રીએ પણ આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્યના લોકોને શાંતિ બનાવી રાખવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકારે આ મામલે સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા, હવે જનતાને પણ અપીલ છે કે, શાંતિ બનાવી રાખે. આ કેસ મામલે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને સજા અપાવવા માટેનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.
બાંગ્લાદેશના હિંદુ નરસંહાર પર થયો હતો વિવાદ- દાવો
આ ઘટનાના પગલે આખા ઉદયપુરમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ સુરક્ષાદળોના કાફલાઓને પણ કામે લગાવી દેવામાં આવ્યા છે. એક જાણીતા પત્રકારે સૂત્રો દ્વારા માહિતી એકઠી કરીને જણાવ્યું છે કે, ઘાયલ હિંદુ વિદ્યાર્થીનું મોત બે દિવસ પહેલાં જ થઈ ગયું હતું. પરંતુ અધિકારીઓએ સોમવારે તેની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે, રાજ્યમાં શાંતિ અને કાયદો સુનિશ્ચિત કરવા માટે તેમને સમયની આવશ્યકતા હતી. આ સાથે જ તેમણે સૂત્રોના હવાલેથી કહ્યું છે કે, બંને પક્ષના વિદ્યાર્થીઓ વચ્ચે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ નરસંહારને લઈને વિવાદ થયો હતો.
નોંધનીય છે કે, આ ઘટના 16 ઑગસ્ટના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં બની હતી. અહીં એક સ્કૂલની બહાર એક વિદ્યાર્થીને સાથે ભણતા અન્ય એક વિદ્યાર્થીએ છરાના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનામાં આરોપી મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે પીડિત વિદ્યાર્થી હિંદુ છે. ઘટના સામે આવ્યા બાદ ઉદયપુરમાં હિંદુ સંગઠનોએ બંધનું એલાન કર્યું હતું તેમજ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં હતાં. તાજેતરમાં જ મુસ્લિમ આરોપીના ઘર પર સરકારે બુલડોઝર ફેરવી દીધું હતું. જ્યારે હવે પીડિત હિંદુ વિદ્યાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.