ઈઝરાયેલની સેનાએ લેબનાનની રાજધાની બૈરુતમાં (Beirut) કરેલા હવાઈ હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો ચીફ નસરલ્લાહ (Nasrallah) માર્યો ગયો છે. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીસ (IDF) દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે.
એક X પોસ્ટમાં IDFએ લખ્યું, ‘હસન નસરલ્લાહ હવે આતંક ફેલાવી શકશે નહીં.’
Hassan Nasrallah will no longer be able to terrorize the world.
— Israel Defense Forces (@IDF) September 28, 2024
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઈઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, તેમણે જે રીતે બૈરુતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો છે તેને જોતાં નસરલ્લાહ જીવિત બચ્યો હોવાની સંભાવનાઓ અત્યંત ઓછી છે. પરંતુ અગાઉ તેની સ્થિતિ વિશે જાણકારી સ્પષ્ટ ન હતી. તે માર્યો ગયો હોવાની પુષ્ટિ થયા બાદ IDF દ્વારા આ માહિતી આપવામાં આવી. નસરલ્લાહ સિવાય હિઝબુલ્લાહ સાઉધર્ન ફ્રન્ટ કમાન્ડર અલી કારાકી પણ આ હુમલામાં માર્યો ગયો હોવાનું કહેવાયું છે.
આ અગાઉ હિઝબુલ્લાહે નસરલ્લાહ જીવિત હોવાની વાત કહી હતી, પરંતુ ‘ટાઈમ્સ ઑફ ઈઝરાયેલ’ના એક રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠનનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવાર રાત્રિથી જ હસન નસરલ્લાહનો સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી.
આ લડાઈનો અંત નથી, અમારા નાગરિકો સામે જોખમ સર્જનારાઓને અમે ગમે ત્યાંથી શોધી કાઢીશું: ઈઝરાયેલી સેના પ્રમુખ
બીજી તરફ, હિઝબ્બુલ્લાહ ચીફ માર્યો ગયો હોવાની પુષ્ટિ કરતાં ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સીસના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હાલેવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે કોઈ પણ તેમના દેશ અને નાગરિકો સામે આંખ ઉઠાવીને જોશે તેની તેઓ આ જ હાલત કરશે.
તેમણે કહ્યું, “આ લડાઈનો અંત નથી. જે કોઈ ઈઝરાયેલ અને તેના નાગરિકોની સામે પડશે, તેમને સંદેશ સ્પષ્ટ અને સરળ છે. અમે કોઈ પણ રીતે તેમના સુધી પહોંચી જઈશું.”
નસરલ્લાહ હિઝબુલ્લાહ ચલાવતો હતો, બૈરુતમાં રહેતો
હસન નસરલ્લાહ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનો ચીફ હતો અને બૈરુતમાં રહેતો હતો. હિઝબુલ્લાહ ઈઝરાયેલની ઉત્તરે આવેલા દેશ લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન છે. જે 7 ઑક્ટોબરના હમાસના હુમલા બાદથી ન માત્ર હમાસનું સમર્થન કરી રહ્યું છે, પણ છાશવારે ઉત્તરેથી ઈઝરાયેલ પર હુમલો પણ કરતું રહે છે. તેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે.
તાજેતરમાં જ હિઝબુલ્લાહે ઈઝરાયેલ સરહદે ફરીથી અવળચંડાઈ કરતાં યહૂદી દેશે હુમલાઓ વધારી દીધા હતા. થોડા સમય પહેલાંની જ વાત છે જ્યારે લેબનાનમાં એકસાથે અનેક પેજર બ્લાસ્ટ થયાં હતાં. આ પેજર હિઝબુલ્લાહના આતંકવાદીઓ વાપરતા હતા. તેના બીજા દિવસે અનેક હેન્ડ હેલ્ડ રેડિયો ડિવાઇસ અને અનેકનાં ઘરોની સોલાર પેનલો પણ ફાટી હતી. આ હુમલાઓ પાછળ ઈઝરાયેલની એજન્સી મોસાદનો હાથ હોવાનું માનવામાં આવે છે.
આ હુમલાઓ બાદ ઈઝરાયેલની સેના દ્વારા હિઝબુલ્લાહ પર હુમલાઓમાં વધારો કરી દેવાયો હતો. તાજેતરમાં સૌથી મોટી એરસ્ટ્રાઈક કરવામાં આવી, જેમાં હવે આતંકવાદીઓનો મુકાદમ જ માર્યો ગયો છે. આ હુમલો એવા સમયે થયો, જ્યારે ઈઝરાયેલ પીએમ નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરવા માટે યુએસમાં હતા. ત્યાંથી તેમણે હુમલાની પરવાનગી આપી હતી.
આ હુમલા વિશે IDF દ્વારા વધુ વિગતો સાર્વજનિક કરવામાં આવી છે. જે અનુસાર, એરસ્ટ્રાઈકમાં એ જ સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં હિઝબુલ્લાહે ઈઝરાયેલ સામે હુમલો કરવા માટે શસ્ત્રો અને વિસ્ફોટકો ભરી રાખ્યાં હતાં. આ મિસાઈલથી માંડીને ગોળા-બારૂદ બધું જ નષ્ટ થઈ ચૂક્યું છે. આમાં અમુક એન્ટી-શિપ મિસાઇલો પણ હતી, જે હવે હતી-ન હતી થઈ ગઈ છે.