કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ‘એક્ટિવિસ્ટ’ અને પૂર્વ IAS હર્ષ મંદરના (Harsh Mander) NGO સામે CBI તપાસ કરવાની ભલામણ કરી છે.
Ministry of Home Affairs (MHA) has recommended CBI inquiry against IAS-turned-social activist Harsh Mander’s Aman Biradari NGO for alleged FCRA violations: Govt Sources pic.twitter.com/ca9a8GyVzo
— ANI (@ANI) March 20, 2023
મીડિયા રિપોર્ટ્સમાં મંત્રાલયના અધિકારીઓને ટાંકીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, ‘અમન બિરાદરી’ સામે ફૉરેન કોન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA)ના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે અને જેને લઈને CBI તપાસની ભલામણ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિદેશી ભંડોળ મેળવતાં તમામ NGOએ FCRA હેઠળ ગૃહ મંત્રાલય હેઠળ ફરજિયાત નોંધણી કરાવવી પડે છે.
હર્ષ મંદરની વેબસાઈટ અનુસાર, અમન બિરાદરી સેક્યુલર અને શાંતિપૂર્ણ વિશ્વ માટે કામ કરે છે અને જેની સ્થાપના ગુજરાતનાં રમખાણો બાદ કરવામાં આવી હતી. આ NGO પંથનિરપેક્ષતા અને બંધારણીય મૂલ્યોના જતન માટે કામ કરતું હોવાના દાવા કરવામાં આવ્યા છે.
કોણ છે હર્ષ મંદર?
હર્ષ મંદરે લગભગ બે દાયકા સુધી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં ફરજ બજાવી હતી પરંતુ 2022નાં ગુજરાત રમખાણો બાદ ‘વિરોધમાં’ નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ અનેક સંસ્થાઓમાં તેમની ભૂમિકા રહી. તેઓ UPA સરકાર દરમિયાન સોનિયા ગાંધીની નેશનલ એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય પણ હતા.
હર્ષ મંદર જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશનના હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ એડવાઈઝરી બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. નોંધનીય છે કે આ એ જ જ્યોર્જ સોરોસ છે જેઓ તાજેતરમાં અદાણી-હિંડનબર્ગ મામલે ચર્ચામાં આવ્યા હતા અને જેમણે અદાણી જૂથ પર લાગેલા આરોપોને લઈને નરેન્દ્ર મોદી ઉપર પણ આરોપો લગાવ્યા હતા. જ્યોર્જ સોરોસ અગાઉ પણ અનેક ભારતવિરોધી ગતિવિધિઓમાં સામેલ રહ્યા છે.
હર્ષ મંદર ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. તેમણે CAB (નાગરિકતા સંશોધન બિલ) જો પાસ થાય તો પોતે મુસ્લિમ તરીકે નોંધણી કરાવવા માટે પણ જાહેરાત કરી હતી. જોકે, CAB પાસ થઈને CAA બન્યા બાદ તેમણે આ વચન નિભાવ્યું કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ ઑપઇન્ડિયા કરી શક્યું નથી. આ ઉપરાંત, તેમણે ભૂતકાળમાં NRCને લઈને પણ અનેક જુઠ્ઠાણાં ફેલાવ્યાં હતાં.
તેમનું એક NGO કારવાં-એ-મહોબ્બત શાહીન બાગ આંદોલનો વખતે ખાસ્સું સક્રિય રહ્યું હતું અને લોકોને પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી હતી. આ NGOએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં થયેલી હિંસાને લઈને એક રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિર્દોષ ઠેરવીને ઉત્તર પ્રદેશ પોલીસ સામે આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, પછીથી સામે આવ્યું કે આખો રિપોર્ટ ખોટો હતો.
વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરતો આદેશ આપ્યો ત્યારે આ ચુકાદાને પડકારતી અરજી કરનાર ચાળીસ ‘એક્ટિવિસ્ટ’માં હર્ષ મંદર પણ સામેલ હતા. આ ઉપરાંત, તેઓ મુંબઈ હુમલાના ગુનેગાર આતંકવાદી યાકુબ મેમણ માટે દયા અરજી કરનારાઓમાં પણ સામેલ હતા તો 26/11 હુમલાના આતંકવાદી અજમલ કસાબ અને સંસદ હુમલાના ગુનેગાર આતંકી અફઝલ ગુરુની દયા અરજીમાં પણ તેમણે હસ્તાક્ષર કર્યા હતા.