‘જ્ઞાનવાપી મસ્જિદ’ તરીકે ઓળખાતા વિવાદિત માળખામાં ASI સરવે માટે અલાહાબાદ હાઇકોર્ટે લીલી ઝંડી આપ્યા બાદ હવે મામલો ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. મસ્જિદનું સંચાલન કરતી સમિતિ અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ સમિતિએ કોર્ટમાં અરજી કરીને હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની માગ કરી છે.
અલાહાબાદ હાઇકોર્ટે ગુરૂવારે (3 ઓગસ્ટ, 2023) મસ્જિદ સમિતિની અરજી ફગાવીને જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે કરવાનો નીચલી કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને કહ્યું હતું કે સરવે થાય તે જ ન્યાયના હિતમાં રહેશે. જેને લઈને મસ્જિદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે વિચાર કરવા સહમતી દર્શાવી છે. જેથી આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
After the Allahabad High Court today dismissed Anjuman Intezamia Masjid Committee's challenge to the Varanasi District Judge's July 21 order for ASI Survey of the Gyanvapi Mosque, the Masjid Committee moved the Supreme Court. The committee has challenged the Allahabad High Court… pic.twitter.com/JgG0psV1C3
— Live Law (@LiveLawIndia) August 3, 2023
ઉલ્લેખનીય છે કે ગત 21 જુલાઈના રોજ વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં વૈજ્ઞાનિક સરવે કરવા માટેની માગ કરતી હિંદુ પક્ષની અરજી સ્વીકારી લીધી હતી અને જ્યાંથી ગત વર્ષે સર્વેક્ષણ દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું તે વજૂખાનાને છોડીને બાકીના ભાગનો સરવે કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ સરવેની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી પરંતુ મસ્જિદ સમિતિ સુપ્રીમ કોર્ટ પહોંચતાં કામચલાઉ ધોરણે રોક લાગી ગઈ હતી.
સુપ્રીમ કોર્ટે મસ્જિદ સમિતિને અલાહાબાદ હાઇકોર્ટ જવા માટે આદેશ આપ્યો હતો, બીજી તરફ ASI સરવે પર 26 જુલાઈ, 2023 સુધી રોક લગાવી દીધી હતી. દરમ્યાન, મુસ્લિમ પક્ષે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને વારાણસી કોર્ટના આદેશને પડકાર્યો હતો. જેની ઉપર વિવિધ તબક્કે સુનાવણી થયા બાદ આજે કોર્ટે આદેશ પસાર કર્યો હતો. પરંતુ મામલો ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ શિવલિંગના ASI સરવે મામલે પણ અલાહાબાદ હાઇકોર્ટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું, પરંતુ મુસ્લિમ પક્ષે તે આદેશ પણ સુપ્રીમ કોર્ટમાં પડકારતાં કોર્ટે મે, 2023માં રોક લગાવી દીધી હતી. હવે નજર સુપ્રીમ કોર્ટના આગામી નિર્ણય પર રહેશે.
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા આ વિવાદિત માળખાનો કેસ છેલ્લા 1 વર્ષથી સતત સમાચારોમાં રહે છે. મે, 2022માં જ્ઞાનવાપીમાં એક સરવે કરવામાં આવ્યો હતો, જે દરમિયાન વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું, જેનાથી આ સ્થળે પહેલાં મંદિર હોવાનો હિંદુ પક્ષનો દાવો વધુ મજબૂત બન્યો હતો.