ઓનલાઇન કેમ્પેઈન થકી પૈસા ઉઘરાવ્યા બાદ તેનો દુરુપયોગ કરવાના આરોપોનો સામનો કરતા TMC નેતા અને તથાકથિત એક્ટિવિસ્ટ સાકેત ગોખલેની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે મહત્વની ટિપ્પણી પણ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, સાકેત ગોખલે સામે લાગેલા આરોપો ગંભીર છે અને એમ પણ નોંધ્યું કે તેમણે લોકો માટે ઉઘરાવવામાં આવેલી રકમ સાકેતે પોતાના વ્યક્તિગત ખર્ચ માટે વાપરી નાંખી હતી.
"Appears funds raised were utilised for personal expenses": Gujarat High Court denies bail to Saket Gokhale
— Bar & Bench (@barandbench) February 2, 2023
report by @NarsiBenwal #GujaratHighCourt @SaketGokhale https://t.co/xklv93VGBV
મામલાની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું, “એવું લાગી રહ્યું છે કે અજરદાર સામે ગંભીર આરોપો લાગ્યા છે. હજુ તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી નથી. લાગી રહ્યું છે કે લોકોના કલ્યાણ માટે ઉઘરાવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ અજરદારે પોતાના વ્યક્તિગત ખર્ચ માટે કર્યો હતો.
કોર્ટે સાક્ષીઓનાં નિવેદનો ધ્યાનમાં લેતાં અવલોકન કર્યું કે સાકેતે માત્ર ફરિયાદીની પત્ની પાસેથી જ નહીં પરંતુ અન્ય પણ 1767 જેટલા લોકો પાસેથી પૈસા મેળવ્યા હતા. આ રકમ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઘરાવવામાં આવી હોવાની અને મોટાભાગનું ટ્રાન્ઝેક્શન ઓનલાઇન માધ્યમથી થયું હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે.
કોર્ટે કહ્યું કે, કેસમાં ઘણા પ્રશ્નો છે અને જેના જવાબો પુરાવાઓના આધારે જ મળી શકશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ પણ ચાલી રહી છે ત્યારે આ જવાબો મેળવવા કઠિન છે.
ડિસેમ્બરમાં થઇ હતી ફરિયાદ
અહીં ઉલ્લેખનીય છે કે ગત 28 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે તેમની પત્નીએ સાકેત ગોખલે દ્વારા શરૂ કરવામાં આવેલ ક્રાઉડ ફંડિંગમાં થોડી રકમનો ફાળો આપ્યો હતો. આ રકમ ગરીબોના કલ્યાણ માટે વાપરવામાં આવનાર હતી પરંતુ આરોપ છે કે સાકેત ગોખલેએ પોતે જ વાપરી નાંખી હતી.
ફરિયાદ બાદ અમદાવાદ પોલીસે સાકેત ગોખલે સામે IPCની કલમો 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસનું અપરાધિક હનન) અને 467 (ફોર્જરી) હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ મામલે 29 ડિસેમ્બરે અમદાવાદ સાબર ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી સાકેતની ધરપકડ કરી લીધી હતી. તેમની સામે 1.07 કરોડ રૂપિયા ઉઘરાવીને તેમાં ગડબડ કરવાનો આરોપ લાગ્યો છે.
ધરપકડ બાદ સાકેત ગોખલેએ અમદાવાદની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં ગત 12 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ જામીન ફગાવી દેવાયા હતા. હવે હાઇકોર્ટે પણ જામીન અરજી રદ કરી છે.
મોરબી પુલ દુર્ઘટના બાદ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા
અહીં ઉલ્લેખનીય છે કે TMC નેતા સાકેત ગોખલે અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત વિશે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે, મોરબીનો પુલ તૂટી પડ્યા બાદ વડાપ્રધાન મોદીએ લીધેલી શહેરની મુલાકાતમાં 30 કરોડનો ખર્ચ થયો હતો. જે મામલે તેમની ધરપકડ પણ થઇ હતી. આ દાવાને લઈને ઑપઇન્ડિયાએ કરેલું વિશેષ ફેક્ટચેક અહીંથી વાંચી શકાશે.