ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડના ગુનેગાર હસન અહમદ ચરખાની પેરોલ મંજૂર કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ એ જ હસન અહમદ ચરખા ઉર્ફે લાલો છે જેણે 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ સળગાવતી વખતે ટોળામાં ‘હિંદુ કાફિરોને સળગાવી દો, પાકિસ્તાન જિંદાબાદ, હિંદુસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. તે સમયે હસન સહિતના મુસ્લિમ ટોળાએ ગોધરા રેલ્વે સ્ટેશન પર પહોંચેલી સાબરમતી એક્સપ્રેસમાં બેઠેલા મહિલાઓ અને બાળકો સહિત 59 હિંદુઓને જીવતા સળગાવી દીધા હતા.
મળતા અહેવાલો અનુસાર ગોધરાકાંડ મામલે આજીવન કારાવાસ ભોગવી રહેલા ગુનેગાર હસન અહમદની 15 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. હસને પોતાની બહેનના દીકરા દીકરીઓના નિકાહના નામે પેરોલ અરજી કરી હતી. આ અરજીમાં તેણે જણાવ્યું હતું કે તેના અબ્બુ જીવિત ન હોવાના કારણે તેનું આ નિકાહમાં ઉપસ્થિત રહેવું જરૂરી છે. તો બીજી તરફ રાજ્ય સરકારના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે ચરખાની સજા સામે અપીલ નિયમિત જામીન માટેની અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી ગુનેગાર બંધારણની કલમ 226 હેઠળ પેરોલ ન માંગી શકે, CRPCની કલમ 389 હેઠળ જ તે કામચલાઉ ધોરણે જામીન માંગી શકે છે. જોકે ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડના ગુનેગાર હસન અહમદ ચરખાની પેરોલ મંજૂર કરી તેને 15 દિવસ નિયમાનુસાર જેલની બહાર રહેવાની પરવાનગી આપી હતી.
Convict Hassan Ahmed Charkha, Who Was Part Of Mob Shouting "Hindu Kafiron Ko Jala Dalo" In Godhra Train Burning Case Gets Parole By Gujarat High Court.
— LawBeat (@LawBeatInd) July 15, 2023
Hassan got parole earlier as well, court has noted in 2018 that he did not surrender in time twicehttps://t.co/uYWUotwjG0
નોંધનીય છે કે ગોધરાકાંડના ગુનેગાર હસન અહમદ ચરખા ઉર્ફે લાલુને IPCની કલમ 143, 147, 148, 302, 307, 323, 324, 325, 326,322, 395, 397, 435, 186, 188, 188, IPCની કલમ 120(B), 149, 153(B) તેમજ ભારતીય રેલવે અધિનિયમની કલમ 141, 150, 151 અને 152 હેઠળ સજાપાત્ર ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમની કલમ 3 અને 5 અને 152 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ 2002નો ગોધરાકાંડ
ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા રામમંદિરની કારસેવા કરીને પરત ફરેલા હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.