કચ્છથી પાકિસ્તાનને BSFની સંવેદનશીલ જાણકારીઓ આપનાર CPWDના એક કર્મચારીની ATSએ ધરપકડ કરી છે. CPWDમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા આ વ્યક્તિએ હની ટ્રેપમાં ફસાયા બાદ BSFની મહત્વપૂર્ણ માહિતી વોટ્સએપ દ્વારા પાકિસ્તાનને મોકલાવી હતી. જેના બદલામાં તેને પૈસા પણ મળ્યા હતા. ગુજરાત ATSએ ધરપકડ કર્યા બાદ આરોપીના ફોનની તપાસ કરાતા તેમાંથી પૂરતા પુરાવાઓ પણ મળી આવ્યા હતા. આ મામલે આરોપીને ભુજ ખાતે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા કચ્છ જિલ્લામાં BSF સાથે કામ કરતા CPWDના પટ્ટાવાળા દ્વારા પાકિસ્તાની હેન્ડલરને સેનાની ગુપ્ત માહિતી પહોંચાડવામાં આવી રહી હોવાની માહિતી ATSને મળી હતી. બાતમીના આધારે ગુજરાત ATSએ નિલેશ નામના વ્યક્તિની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. લગભગ 5 વર્ષથી કચ્છમાં તૈનાત BSF બટાલીયન સાથે CPWDના ઇલેક્ટ્રિક વિભાગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો નિલેશ જાન્યુઆરી મહિનામાં અદિતિ નામની પાકિસ્તાની મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાયો હતો. જે બાદ આ તથાકથિત મહિલા એજન્ટે તેની પાસેથી બોર્ડર સિક્યુરિટી ફોર્સની મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતીઓ મંગાવી હતી. પૈસાની લાલચમાં આવીને નિલેશે આસપાસના વિસ્તારોમાં નવા બાંધકામ કે અન્ય ડેવલેપમેન્ટ કામ વિશે માહિતી વોટ્સએપ પર મોકલી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેના બદલામાં નિલેશને 28 હજાર જેટલા રૂપિયા પણ મળ્યા હતા.
નોંધનીય છે કે કચ્છથી પાકિસ્તાનને BSFની સંવેદનશીલ જાણકારીઓ આપનાર CPWDના પટ્ટાવાળાને ATSએ ઝડપી લીધા બાદ આજે ભુજ ખાતે કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો બીજી તરફ ગુજરાત ATSના અધિકારીઓનું કહેવું છે કે આરોપીના મોબાઈલના FSL રિપોર્ટ પરથી ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ સામે આવી છે. આ સાથે જ ગુજરાત ATSને શંકા છે કે આ જાસૂસી નેટવર્ક ISI સાથે જોડાયેલું હોય શકે છે. આ સાથે જ આરોપીના રિમાન્ડ મંજૂર થઈ જતાં ગુજરાત ATS દ્વારા તેને અમદાવાદ આવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
BSFની ગુપ્ત માહિતી લીક કરનાર આરોપીને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો,ગુજરાત ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર આરોપી કચ્છ BSFના એક યુનિટમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો, ATSને શંકા જતા તેની વેબ એક્ટિવિટી પર નજર રાખવામાં આવી… pic.twitter.com/h2Y3oXQ6XV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 8, 2023
નોંધનીય છે કે થોડા સમય અગાઉ જ ગુજરાતના સુરત ખાતેથી ISISના આતંકવાદી સમૂહ ISKPનું મોડ્યુલ ઝડપાયું હતું. તેવામાં કચ્છથી પાકિસ્તાનને BSFની સંવેદનશીલ જાણકારીઓ આપનાર CPWDના પટ્ટાવાળાને ATSએ ઝડપ્ય બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે.