Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટISKP- શું છે આ ઇસ્લામિક આતંકી સંગઠન, જેમાં સામેલ થવા માટે જઈ...

    ISKP- શું છે આ ઇસ્લામિક આતંકી સંગઠન, જેમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા પોરબંદરથી પકડાયેલા આતંકવાદીઓ, ક્યારે અને કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું?- જાણીએ 

    ISIS મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે પણ પોતાનો વિસ્તાર વધારવા માટે અને અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે ISKPની સ્થાપના કરી હતી

    - Advertisement -

    જ્યારથી પોરબંદર અને સુરત ખાતેથી ISIS મોડ્યુલ ઝડપાયું છે અને ગુજરાત ATS દ્વારા ISKPના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી સોશિયલ મીડિયાની ચર્ચાઓમાં અને સમાચારોમાં આ ISKP મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકોએ કદાચ આ નામ પહેલી વાર સાંભળ્યું હશે, તો કોઈએ સાંભળ્યું હશે પણ તેના વિશે વધુ જાણતા નહીં હોય. તેમ થવું સ્વભાવિક પણ છે, કારણ કે આતંકવાદની ચર્ચા ચાલે ત્યારે સામાન્ય રીતે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ કે અલકાયદા જેવાં કુખ્યાત ઇસ્લામિક આતંકવાદી સંગઠનો જ આપણા મગજમાં આવે. ISKP ઓછું જાણીતું હોવાનું એક કારણ એ પણ છે કે હજુ સુધી તેણે ભારતમાં પગપેસારો કર્યો ન હતો, પણ હવે તેનાં મોડ્યુલ અહીં પણ સક્રિય થઇ ગયાં છે.

    આતંકવાદથી આખું વિશ્વ પ્રભાવિત છે અને અનેક દાયકાઓથી તેના કારણે દુનિયાએ જાનમાલનું નુકસાન વેઠવું પડ્યું છે. છાશવારે હુમલાઓની ઘટના બની રહી છે તો દુનિયાએ 9/11 અને 26/11 જેવા મોટા આતંકવાદી હુમલાઓ પણ જોયા છે. જેની પાછળ અલ-કાયદા કે ISIS જેવાં ઇસ્લામિક આતંકી સંગઠનો જવાબદાર રહ્યાં છે. આ મોટાં આતંકી સંગઠનોની સાથે-સાથે હવે તેમની શાખાઓ પણ સક્રિય થવા માંડી છે. ISKP એ આવી જ એક આતંકી સંગઠનની તાજી ફૂટેલી કુંપળ છે. આ આતંકવાદી સંગઠન વર્ષ 2015માં અસ્તિત્વમાં આવ્યું હતું.

    ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ એટલે કે ISKP સંગઠન શું છે

    ISKP એ કુખ્યાત આતંકવાદી સંગઠન ISISની જ એક શાખા છે. ISISનો અર્થ થાય- ઇસ્લામિક સ્ટેટ ફોર ઇરાક એન્ડ સીરિયા. ISIS તો દુનિયાભરમાં તેની કરતૂતોના કારણે કુખ્યાત છે. દુનિયાના અનેક ભાગોમાં ઉત્પાત મચાવ્યા બાદ ISISએ હવે શાખાઓ શરૂ કરવા માંડી છે. ISIS મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે પણ પોતાનો વિસ્તાર વધારવા માટે અને અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે ISKPની સ્થાપના કરી હતી. ISKPનો અર્થ થાય- ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવિન્સ. અહીં ખુરાસાન એટલે અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાનને આવરી લેતો વિસ્તાર. દુનિયાના નકશા પર હાલ તેનું અસ્તિત્વ નથી, જોકે હાલ આ નામનો એક પ્રાંત ઈરાનમાં આવેલો છે, પણ વર્ષો પહેલાં આ આખો વિસ્તાર ‘ખુરાસાન’ નામે ઓળખાતો. આતંકી સંગઠન આ સમગ્ર વિસ્તાર પર કબ્જો જમાવવા માંગે છે એટલે આવું નામ રાખ્યું છે.

    - Advertisement -

    વર્ષ 2005 સુધી ઈરાકમાં અલ-કાયદા એક શક્તિશાળી આતંકવાદી સંગઠન હતું. પોતાના વિસ્તારને વધારવાની લ્હાયમાં ઝરકાવી નામના આતંકીએ આતંકવાદી સંગઠન મુજાહીદ્દીન સુરા કાઉન્સિલ સાથે ભળી જવાનું નક્કી કર્યું અને ‘ઇસ્લામિક સ્ટેટ ઇન ઈરાક’ એટલે કે આજનું ISIS અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ વર્ષ 2014માં ISKP ઔપચારિક રીતે ISISના પ્રાંત રૂપે અસ્તિત્વમાં આવ્યું, જેના માટે અફગાનિસ્તાન અને પાકિસ્તાનના અનેક ઇસ્લામિક આતંકવાદી સમૂહોને એકજૂટ કરવામાં આવ્યા. વર્ષ 2015માં ISISએ ખુરાસાન ક્ષેત્રને પોતાના વિસ્તાર તરીકે જાહેર કર્યો હતો. આ ખુરાસાન એટલે કે હાલના ઈરાન, મધ્ય એશિયા, અફગાનિસ્તાન, અને પાકિસ્તાનના કેટલાક ક્ષેત્રોને પોતાના હકના વિસ્તાર ગણાવે છે.

    તાલિબાનને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ અપાવવામાં ISKP અને અમેરિકાનો સિંહ ફાળો

    ISISની શાખા ISKP અને તાલિબાન ભલે કટ્ટર ઇસ્લામી આતંકવાદી સંગઠન હોય, પરંતુ આ બંને સંગઠનો એકબીજાના લોહીના તરસ્યા છે. ISKPના અસ્તિત્વમાં આવ્યા બાદ તાલિબાન સાથેના તેના ઘર્ષણ જગજાહેર છે. અફગાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ISKP દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અનેક લોકો માર્યા ગયા છે. બોમ્બ વિસ્ફોટ માટે કુખ્યાત ISKPએ કાબુલ એરપોર્ટ પર ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરાવ્યો હતો. આ ઘટના બાદ નવું જન્મેલું આ આતંકવાદી સંગઠન વિશ્વની નજરે ચઢ્યું હતું.

    જોકે આ ઘટનાએ તાલીબાનીઓને નુકસાન ઓછું અને ફાયદો વધુ કરાવ્યો, કારણકે ભૂતકાળનું ખૂંખાર આતંકવાદી સંગઠન એક સમયે દુનિયા માટે માથાનો દુખાવો હતો, જ્યારે ISKPએ કરેલા હુમલાઓ બાદ વિશ્વએ તાલિબાનને સ્વીકૃતિ આપી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આપેલું એક નિવેદન આગમાં કેરોસીન છાંટવા જેવું બન્યું, જેમાં તેમણે ISKPને તાલિબાનનો કટ્ટર દુશ્મન ગણાવી તાલિબાનને પીડિત ચીતરી નાંખ્યું. જેથી કહી શકાય કે તાલિબાન જેવા આતંકવાદી સંગઠનને આંતરરાષ્ટ્રીય સન્માન અને સ્વીકૃતિ અપાવવામાં ISKPનો સિંહ ફાળો છે.

    જેહાદી માનસિકતામાં ISKP સહુથી કટ્ટર

    ISKPએ કરેલા અફઘાનિસ્તાન એરપોર્ટ પરના હુમલાથી કોઈ અજાણ નથી. Abbey ગેટ પર કરવામાં આવેલા તે હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલો એટલો ભયંકર હતો કે મૃત્યુ પામેલા લોકોના શબના ટુકડાઓ ઘટના સ્થળે વેરવિખેર હાલતમાં પડ્યા હતા. આ સાથે જ ઘટના સમયે ઇટલીના એક વિમાન પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

    વિશ્વમાં હાલ જેટલા પણ ઇસ્લામી આતંકવાદી સંગઠનો છે તે તમામ એક જ લક્ષ્ય માટે અસ્તિત્વમાં આવ્યા છે. આ તમામ સંગઠનો વિશ્વનું ઇસ્લામીકરણ કરીને શરિયા મુજબ રાજ કરવા માંગે છે, જેના માટે જે સંગઠન જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ‘જેહાદ’ કરી રહ્યા છે. તેના માટે તેઓ આતંકવાદી હુમલાઓ કરીને અગણિત લોકોની હત્યાઓ કરી ચૂક્યા છે અને હજુ પણ આમ કરવાનું ચાલુ જ છે. ISKPની વાત કરીએ તો તે જેહાદી માનસિકતામાં સહુથી કટ્ટર સંગઠન છે અને પોતાનું વર્ચસ્વ સ્થાપવા આતંક ફેલાવી રહ્યું છે. નવા-નવા બનેલા આ સંગઠને અફગાનિસ્તાન એરપોર્ટ સિવાય પણ અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યા છે. ISKP દ્વારા વર્ષ 2021માં ત્રણ મોટા આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં તેણે અફગાનિસ્તાનના જલાલાબાદમાં 3 મહિલા પત્રકારોની હત્યા કરી નાંખી હતી.

    2 માર્ચ 2021ના રોજ કરવામાં આવેલા આ હુમલામાં મૃત્યુ પામેલી પત્રકારોની હત્યા એટલા માટે કરવામાં આહી હતી કે તેઓ ભારતીય અને તૂર્કી નાટકોના સ્થાનીય ભાષામાં અનુવાદ કરી રહી હતી. મૃત્યુ પામેલી મહિલા પત્રકારોની ઉમર માંડ 18 વર્ષથી માંડીને 20 વર્ષ વચ્ચેની હશે. આ મહિલાઓ ભારતીય અને તુર્કીશ નાટકોનું સ્થાનિક ભાષા દારી અને પશ્તોમાં ડબિંગ કરી રહી હતી, જેના બદલ તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

    આ ઉપરાંત આતંકવાદી સંગઠન ISKP દ્વારા બાળકીઓની શાળાઓ, હોસ્પિટલો અને એક પ્રસુતિ ગૃહને ટાર્ગેટ કરી કરવામાં આવેલા હુમલાઓ માટે પણ જવાબદાર છે. તે સમયે કહેવામાં આવ્યું હતું કે આ કટ્ટરપંથી આતંકવાદી સંગઠને ગર્ભવતી મહિલાઓ અને નર્સોની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આ સાથે જ કહેવામાં આવે છે કે અમેરિકામાં 9/11 હુમલો કરનાર અલ-કાયદા સાથે પણ ISKPના ગાઢ સબંધ છે.

    ભારતમાં ISKPના મૂળ મજબુત કરી રહ્યું છે પાકિસ્તાન?

    તાજેતરમાં ગુજરાત ATSએ પોરબંદરમાંથી ISISનું એક ટેરર મોડ્યુલ પકડી પાડ્યું હતું અને આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આતંકવાદીઓ પોરબંદરના રસ્તે ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચવાની ફિરાકમાં હતા. પરંતુ સફળ થાય તે પહેલાં જ ATSની ટીમે દબોચી લીધા હતા. ત્રણ પોરબંદરથી પકડાયા હતા જ્યારે તેમની કબૂલાતના આધારે એક સુમેરાબાનુ નામની મહિલા સુરતથી પકડાઈ હતી. જ્યારે પાંચમો આતંકવાદી ઝુબૈર મુન્શી શ્રીનગરથી પકડાયો હતો.

    અહીં તે વાતનો ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે કે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે બે વર્ષ પહેલાંના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ISKPના સંબંધો પાકિસ્તાની એજન્સી ISI સાથે છે. પોરબંદરથી જે 3 આતંકવાદીઓ ઝડપાયા છે તે ત્રણેય શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના છે. જેથી ISKP પાકિસ્તાની એજન્સી ISIની મદદથી જમ્મુ અને કાશ્મીરમાં પોતાનું નેટવર્ક ઉભું કરી રહ્યું હોય તે વાત નકારી શકાય નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં