Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ચૂંટણી જાહેર, બે તબક્કામાં મતદાન: કયા જિલ્લાઓની કઈ બેઠકો પર ક્યારે...

    ગુજરાત ચૂંટણી જાહેર, બે તબક્કામાં મતદાન: કયા જિલ્લાઓની કઈ બેઠકો પર ક્યારે થશે મતદાન, જાણીએ સંપૂર્ણ વિગતો

    પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો પર મતદાન યોજાશે.

    - Advertisement -

    કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે અનુસાર, બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે. પહેલા તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. 

    પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત, બીજા તબકામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત 

    પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની કુલ 89 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. જ્યારે બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની બાકીની 93 બેઠકો આવરી લેવામાં આવશે. બંનેનાં પરિણામો સાથે જ જાહેર કરવામાં આવશે. 

    - Advertisement -

    પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠકો પર મતદાન થશે. 

    બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ  બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવશે. 

    કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું. ગુજરાત સાથે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. જેનું મતદાન એક તબક્કામાં યોજાશે. બંને ચૂંટણીઓનાં પરિણામો એકસાથે 8 ડિસેમ્બર 2022 (ગુરુવાર)ના રોજ જાહેર કરવામાં આવશે. 

    હાલની શું સ્થિતિ?

    ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાનાર છે. જેમાંથી હાલની સ્થિતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે 111 બેઠકો, કોંગ્રેસ પાસે 63 બેઠકો, બીટીપી પાસે 2 બેઠકો, એનસીપી પાસે એક અને એક બેઠક પર અપક્ષ ધારાસભ્ય છે. જ્યારે 4 બેઠકો ખાલી છે. 

    કુલ બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. મતદાર યાદી મુજબ, ગુજરાતમાં 2 લાખ 68 હજાર પુરુષ મતદારો અને 1 લાખ 93 હજાર મહિલા મતદારો ઉમેરાયા છે. 80 વર્ષથી વધુના 9.89 લાખ મતદારો છે. ગુજરાત ચૂંટણીમાં કુલ 4.90 કરોડ મતદારો 51,782 મતદાન મથકો પર મતદાન કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં