રાજકોટના ગોંડલમાં બે સગા ભાઈઓનાં રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયાં છે. બંને સગીર વયના હતા. એકની ઉંમર 3 વર્ષ અને બીજાની 13 વર્ષ હતી. બંને પિતા સાથે દરગાહમાં ન્યાજ જમવા માટે ગયા હતા, ત્યારબાદ અચાનક ઊલટીઓ શરૂ થઈ અને હોસ્પિટલમાં લઇ જવાતાં ત્યાં દમ તોડી દીધો હતો. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
ઘટના ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પરની છે. અહીં રહેતા રાજેશ મકવાણાએ 15 દિવસ પહેલાં જ પત્ની સાથે છૂટાછેડા લઇ લીધા હતા અને બંને અલગ પડી ગયાં હતાં. રાજેશ મકવાણાના બંને પુત્રો રોહિત (ઉં.વ 3 )અને હરેશ (ઉં.વ 13) તેમની સાથે જ રહેતા હતા. પિતા રાજેશ બંનેને અવારનવાર નજીકમાં આવેલી દરગાહ ખાતે જમવા માટે લઇ જતા હતા. સોશિયલ મીડિયા અને મીડિયામાં બંને બાળકોનો ફોટો પણ ફરી રહ્યો છે, જેમાં બંને માથે ટોપી પહેરેલાં જોવા મળે છે.
તાજેતરમાં પણ તેઓ ત્રણેય દરગાહમાં ન્યાજ જમવા માટે ગયા હતા. અહીં જમીને ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને બંને રમતા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બંનેને એકાએક ઊલટી થવા માંડી હતી. વધુ તબિયત લથડતાં બંનેને રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ એક પછી એક બંનેએ દમ તોડી દીધો હતો.
બંનેનાં મૃત્યુ થતાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે બંનેના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને બીજી તરફ તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેના પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
પિતાએ આ મામલે જણાવ્યું હતું કે, તેઓ પાંચ વર્ષથી ગોંડલમાં રહે છે અને શહેરમાં આવેલી હાજી મુશાબાવાની દરગાહમાં ખૂબ ‘શ્રદ્ધા’ છે અને અવારનવાર જતા રહે છે તેમજ બંને બાળકોને પણ લઇ જતા હતા. તાજેતરમાં પણ તેઓ બંને બાળકોને લઈને દરગાહ લઇ ગયા હતા અને ન્યાજનું જમણ લીધું હતું. બંને ઘરે આવીને બહાર રમવા ગયા હતા અને રમીને ઘરે આવ્યા બાદ ઉલટીઓ થવા માંડી હતી. બંને બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, દરગાહમાં અન્ય લોકોએ પણ ભોજન લીધું હતું પરંતુ બીજા કોઈને આવી તકલીફ થઈ નથી. જેથી આ બેને જ ઝેરી અસર કઈ રીતે થઈ અને શું તેમના ભોજનમાં કોઇ ઝેર ભેળવવામાં આવ્યું હતું? તે પ્રશ્ન છે, જેનો જવાબ મેળવવા માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
અપડેટ: પછીથી આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બંનેનાં મોત ઝેરના કારણે થયાં હતાં. ત્યારબાદ પોલીસે પિતાની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. વિસ્તૃત રિપોર્ટ અહીંથી વાંચી શકાશે.