બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઇંટો અને હિંદુઓ પર ગરમ પાણી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં શુક્રવારે (6 સપ્ટેમ્બર, 2024) ઘટી હતી. સ્થાનિક હિંદુઓ ગણેશ પર્વ પર સ્થાપના કરવા માટે પ્રતિમા લઈને આવી રહ્યા હતા ત્યારે મુબારક મસ્જિદ નજીક જ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. ઘટનાને પગલે પછીથી સ્થાનિક આક્રોશિત હિંદુઓએ પ્રદર્શન પણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ચટગાંવ ખાતે આવેલા કદમ મુબારક વિસ્તારમાં આવેલી મુબારક મસ્જિદ પાસેની છે. રિપોર્ટ્સ જણાવે છે કે, ‘બતરગલી ધવપરા સાર્વજનિક પૂજા સમિતિ’ના સભ્ય અને મૂર્તિકાર ઉત્તમ પાલના કારખાનેથી હિંદુઓ એક વાનમાં ભગવાન ગણેશની પ્રતિમા લઈને જઈ રહ્યા હતા. તેઓ ભગવાનને લઈને જેવા મોમિન રોડ પર પહોંચ્યા કે સ્થાનિક કટ્ટરપંથી મુસ્લિમોએ નજીકની ઈમારતો પરથી તેમના પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાના કારણે હિંદુ શ્રદ્ધાળુઓ ડઘાઈ ગયા હતા. તેમના પર આસપાસની ઇમારતો પરથી ઇંટો ફેંકવામાં આવી હોવાની તેમની ફરિયાદ છે.
મુબાર મસ્જિદ પાસેથી થયો હુમલો
અહીં આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત તે છે કે જે ઈમારત પરથી હિંદુ ભક્તો પર હુમલો કરવામાં આવ્યો તે મુબારક મસ્જિદને બરાબર અડીને આવેલી છે. આ બિલ્ડીંગ પરથી ભગવાન ગણપતિની પવિત્ર મૂર્તિ પર ઇંટો મારવામાં આવી હતી. આ હુમલાથી ડઘાયેલા હિંદુ સમુદાયના લોકો કશું સમજે તે પહેલાં જ તેમના પર બિલ્ડીંગમાંથી ઉકળતું પાણી ફેંકવામાં આવ્યું. સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે હુમલો જાણીજોઈને કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
હુમલાથી ડઘાયેલા શ્રદ્ધાળુઓ એ જ્યારે આ મામલે બિલ્ડીંગમાં રહેતા લોકો સામે નારાજગી વ્યક્ત કરી, તો કટ્ટરપંથીઓ સીધી માથાકૂટમાં ઉતરી આવ્યા. આ હુમલામાં એક હિંદુ શ્રદ્ધાળુને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જે યુવક ઘાયલ થયો હતો, તેણે અન્ય એક વ્યક્તિના પણ ઘાયલ થવાની માહિતી આપી હતી. તેના જણાવ્યા અનુસાર અન્ય એક વ્યક્તિને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમને લઈને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની પાર્ટી ‘આવામી લીગ’ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે આખરે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાઓ શા માટે કરવામાં આવી રહ્યા છે.
Hot water and stones were thrown at the Ganesh idol from the Kadam Mobarak Jam e Masjid in Chittagong while it was being taken to the Cheragi pahad area
— Nilay Mallick🇧🇩🕉️ (@nilaymallikk) September 6, 2024
When trying to find out the reason, two Hindus were detained and brutally beaten
Currently Hindus are protesting
12:40 am pic.twitter.com/SXPT0hmwWB
ઘટનાની જાણ થતાં જ હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા
બીજી તરફ ગણેશજીની મૂર્તિને લઈને આવી રહેલા હિંદુ શ્રદ્ધાળુઓ પર થયેલા આ હુમલાની ખબર સ્થાનિક વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. સમાચાર સાંભળી હિંદુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોતજોતાંમાં સેંકડો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. આ મામલે વર્તમાન વચગાળાની સરકારની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ સ્થાનિક પોલીસ પ્રશાસન અને સશસ્ત્ર દળોની ટુકડીઓ વિરોધ કરી રહેલા હિંદુઓને રોકવા માટે ખડકી દેવામાં આવી. સ્થાનિક પ્રશાસને તે બિલ્ડીંગ અને રૂમની પણ તપાસ કરી જ્યાંથી હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કાર્યવાહી ક્યાં સુધી થઈ તે હજુ સામે આવવાનું બાકી છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી આંદોલનના નામે ચૂંટાયેલી સરકારને ઉથલાવ્યા બાદથી જ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચાર શરૂ થઇ ગયા હતા. હિંદુઓના નરસંહાર, બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી. તાજેતરમાં જ કટ્ટરપંથી મુસ્લિમ વિદ્યાર્થીઓએ 60થી વધુ હિંદુ શિક્ષકોને અને પ્રોફેસરોને બાનમાં લઈને તેમની પાસેથી પરાણે રાજીનામાં લખાવડાવી લીધાં હતા. તેવામાં તાજેતરની ઘટનાએ અત્યાચારની સૂચિમાં એક મુદ્દાનો વધારો કર્યો છે. બીજી તરફ બતરગલી ધવપરા સાર્વજનિક પૂજા સમિતિ હિંદુ વિરોધી ટાર્ગેટેડ હિંસાથી ચિંતિત છે. તેમણે હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા પર આપત્તિ વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી ઓઈક્યા પરિષદે આપેલી માહિતી અનુસાર 52 જિલ્લાઓમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ. અલ્પસંખ્યક વિરુદ્ધ હિંસાની 205 ઘટનાઓ ઘટી છે. આ સંગઠને નવી સરકારના નેતા મહોમ્મદ યુનુસને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલી હિંસા પર દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાંપ્રધાન શેખ હસીના દેશ છોડી ગયા બાદ થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ બાંગ્લાદેશના લઘુમતી સમાજમાં ભય અને અનિશ્ચિતતા ઉદ્ભવી છે.
ઉપરાંત, તાજેતરમાં જ અહીં એક હિંદુ યુવકના લિન્ચિંગની પણ ઘટના સામે આવી હતી. તેને પયગંબર પર ટિપ્પણી કરવાના આરોપસર પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને તેને જાહેરમાં સજા આપવાની માંગ કરી હતી. તેને પોલીસ મથકેથી લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ટોળાંએ તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ સ્થિતિ એ હદે વણસી ગઇ કે પોલીસ અને સેનાએ તેને મૃત ઘોષિત કરવો પડ્યો હતો, જેથી ટોળું વિખેરાઈ જાય. પછીથી તેને હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે.