28 મે, 2023ની તારીખ ભારત માટે અત્યંત ખાસ છે કારણ કે, આજે દેશને નવા સંસદ ભવનના રૂપમાં લોકશાહીનું નવું મંદિર મળવા જઈ રહ્યું છે. તો આજે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની 140મી જન્મજયંતી પણ છે જે આ દિવસને વધુ યાદગાર બનાવે છે. આ પ્રસંગે આગામી ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ની જાહેરાત કરવામાં આવી છે જેનું નિર્માણ ‘RRR’ ફેમ અભિનેતા રામ ચરણ કરવાના છે.
‘RRR’ બાદ ગ્લોબલ સ્ટાર બની ગયેલા રામ ચરણે વી મેગા પિક્ચર્સ નામના પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ પહેલી ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ની જાહેરાત કરી છે, જે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર પર આધારિત હશે. આ ફિલ્મમાં ‘કાર્તિકેય’થી જાણીતા બનેલા અભિનેતા નિખિલ સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકા ભજવશે. તો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, ‘કાર્તિકેય’માં પ્રશંસનીય કામ કરી ચૂકેલા અનુપમ ખેર શ્યામજી કૃષ્ણ વર્માનો રોલ ભજવશે.
રામ ચરણે ટ્વિટર પર ફિલ્મની જાહેરાત કરતા કહ્યું કે, “આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની 140મી જન્મજયંતી નિમિત્તે અમે પૅન-ઇન્ડિયા ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ની જાહેરાત કરીએ છીએ જેના અભિનેતા નિખિલ સિદ્ધાર્થ, અનુપમ ખેર અને દિગ્દર્શક રામ વંશી કૃષ્ણ છે. જય હિન્દ!”
On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film – THE INDIA HOUSE
— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023
headlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna!
Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV
ફિલ્મના ટીઝર પ્રોમોમાં ભારતની સ્વતંત્રતા પહેલાંની રાજકીય ઉથલપાથલ આને સળગતા ઇન્ડિયા હાઉસની ઝલક જોવા મળે છે. આ ફિલ્મને મુખ્ય ભારતીય ભાષાઓમાં અને અને અમુક વિદેશી ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.
વીર સાવરકરને ટ્રિબ્યુટ આપશે ‘ધ ઇન્ડિયા હાઉસ’
‘ધ ઇન્ડિયા હાઉસ’ ફિલ્મમાં લંડનમાં આઝાદીના યુગ પહેલાંનું (1905) ચિત્ર જોવા મળશે અને તે વીર વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત હશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયા હાઉસ એ ભારતીયોના નિવાસના હેતુથી શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં શરૂ કરેલું છાત્રાલય છે. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં હાઈગેટ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદીને તેમાં આશરે 25 ભારતીયોને રહેવાની વ્યવસ્થા કરી હતી. જે બાદમાં ભારતના ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું. આ ફિલ્મ વિશે હજુ વધુ માહિતી આપવામાં નથી આવી, પણ તેમાં વીર સાવરકરે ભારતની આઝાદીમાં આપેલા અભૂતપૂર્વ યોગદાનની ઝાંખી જોવા મળશે તેવું કહેવાય છે.
PM મોદીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને અંજલિ આપી
વીર સાવરકરની 140મી જન્મજયંતીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે તેમણે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને પુષ્પ અર્પણ કર્યા હતા. તો આજે વડાપ્રધાન મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 101મો એપિસોડ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વીર સાવરકરને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, “તેમના ત્યાગ, સાહસ અને સંકલ્પ શક્તિ સાથે જોડાયેલી ગાથા આજે પણ સૌને પ્રેરિત કરે છે.”