Thursday, April 18, 2024
More
  હોમપેજસ્પેશ્યલવિનાયક સાવરકર, કાળાપાણીની સજા અને અરજીઓ: શું તેમણે અંગ્રેજોની 'માફી' માંગી હતી?...

  વિનાયક સાવરકર, કાળાપાણીની સજા અને અરજીઓ: શું તેમણે અંગ્રેજોની ‘માફી’ માંગી હતી? એક નજર ઇતિહાસ તરફ

  કોંગ્રેસી ઇકોસિસ્ટમને સાવરકર ક્યારેય પસંદ આવ્યા નથી. કાયમ તેઓ સાવરકર ઉપર જાતજાતના આરોપો લગાવતા રહે છે. રાહુલ ગાંધી પણ તેમાંથી બાકાત નથી. થોડા-થોડા સમયે રાહુલની અંદરનો ‘સાવરકરવિરોધી’ જાગે છે અને બે-ચાર નિવેદનો આપી દે છે.

  - Advertisement -

  આજે વીર વિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ. 26 ફેબ્રુઆરી, 1966ના દિવસે મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે સોશિયલ મીડિયા છે, બદલાતી રાજકીય પરિસ્થિતિના કારણે બીજી બાજુની ચર્ચા થાય છે એટલે આપણે વિનાયક સાવરકરને યાદ પણ કરીએ છીએ બાકી પાઠ્યપુસ્તકોમાં ક્યારેય તેમને સરખું સ્થાન મળ્યું નહીં કે એકતરફી ઝોક ધરાવતા ઇતિહાસકારોએ પણ તેમની તરફ ખાસ જોયું નહીં અને ઉપરથી સાવરકરે માફી માંગી હોવાના આરોપો સતત લાગતા રહ્યા.

  કોંગ્રેસી ઇકોસિસ્ટમને સાવરકર ક્યારેય પસંદ આવ્યા નથી. કાયમ તેઓ સાવરકર ઉપર જાતજાતના આરોપો લગાવતા રહે છે. રાહુલ ગાંધી પણ તેમાંથી બાકાત નથી. થોડા-થોડા સમયે રાહુલની અંદરનો ‘સાવરકરવિરોધી’ જાગે છે અને બે-ચાર નિવેદનો આપી દે છે. એ વાત અલગ છે કે તેનો કોઈ ફેર પડતો નથી. 

  વિનાયક સાવરકરની ચર્ચા હોય એટલે તેમના વિરોધીઓ એક મુદ્દો વચ્ચે લઇ આવે છે. તેમની ઉપર અંગ્રેજોની માફી માંગવાના આરોપો લાગતા રહ્યા છે. હમણાં ભારત જોડો યાત્રામાં પણ રાહુલ ગાંધીએ સાવરકર પર આરોપ લગાવ્યો અને તેમને અંગ્રેજોના વફાદાર ગણાવ્યા. તે સિવાય આગળ પણ તેમણે એક વખત કહ્યું હતું કે તેઓ રાહુલ ‘સાવરકર’ નહીં પણ રાહુલ ‘ગાંધી’ છે અને માફી નહીં માંગે. (આમ તો રાહુલ સાચા છે, તેઓ ક્યારેય રાહુલ ‘સાવરકર’ બની શકે નહીં, આવતા સાત જન્મારે પણ નહીં.)

  - Advertisement -

  વાત જ્યાં સુધી માફીની છે તો તે પહેલાં થોડું સાવરકરના જીવન વિશે ટૂંકમાં જાણવું જરૂરી છે. વિનાયક સાવરકર બાળપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવનારા. 17-18 વર્ષની યુવાન વયે સાવરકરે ‘મિત્ર મેળા’ની સ્થાપના કરી અને પછીથી તેણે ‘અભિનવ ભારત’નું સ્વરૂપ લીધું, જેની અનેક શહેરોમાં અનેક શાખાઓ હતી અને ક્રાંતિકારી યુવાનોને જોડવામાં આવતા હતા.

  1906માં સાવરકર લંડન ગયા અને ત્યાં શ્યામજી કૃષ્ણ વર્માના ‘ઇન્ડિયા હાઉસ’માં રહીને પોતાની ક્રાંતિકારી પ્રવૃતિઓ ચાલુ રાખી. તેમની આગેવાનીમાં ‘ઇન્ડિયા હાઉસ’ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ગઢ બની ગયું હતું. અહીં તેમના સાથીઓમાંના એક એટલે કર્ઝન વાયલીનો વધ કરનાર મદનલાલ ઢીંગરા. 

  વાયલી વધની આ ઘટનાએ ભારત અને લંડન સહિત આખા વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા અને પછીથી બ્રિટિશરોએ પણ ઇન્ડિયા હાઉસ પર વધુ નજર રાખવાનું શરૂ કર્યું અને જાસૂસો પણ મોકલ્યા. ખાસ કરીને સાવરકર ઉપર વધુ નજર રખાવા માંડી. 

  બીજી તરફ ભારતમાં વીર સાવરકર વિરુદ્ધ કેસ ચલાવવા માટે પુરાવાઓ એકઠા કરવાનું કામ શરૂ કરી દેવાયું હતું. દરમ્યાન, વચ્ચે વિનાયક લંડનથી પેરિસ પણ ગયા હતા પરંતુ થોડો સમય બાદ ફરી લંડન આવી ગયા. 

  વિનાયક સાવરકર લંડન પહોંચ્યા કે વિક્ટોરિયા સ્ટેશન ઉપર તેમની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ થોડા સમય માટે તેમની ઉપર લંડનમાં કેસ ચાલ્યો. જ્યાંથી તેમને ભારત મોકલવામાં આવ્યા. (આ જ યાત્રા દરમિયાન ફ્રાંસમાં તેમણે જહાજમાંથી ભૂસકો માર્યો હતો, જેની આખી અલગ વાર્તા છે, ફરી ક્યારેક.)

  બ્રિટિશ સરકારે વીર સાવરકરને પાંચ ‘ગુનાઓ’માં દોષી ઠેરવ્યા હતા. જે આ પ્રમાણે હતા. -(ત્યારની) IPC કલમ 121 મુજબ સરકાર સામે યુદ્ધ છેડવું

  -સરકાર સામે યુદ્ધ છેડવા માટે કાવતરું ઘડવું (IPC 121) 

  -સરકાર સામે યુદ્ધ છેડવાના આશયથી હથિયારો એકઠાં કરવાં (IPC 122)

  -રાજદ્રોહ (IPC 122)

  -હત્યાનો પ્રયાસ (IPC 302 અને 109)

  પહેલા ચાર આરોપો માટે બ્રિટિશરોએ સાવરકર લંડન આવ્યા તે પહેલાં તેમણે આપેલાં ભાષણો તેમજ લંડનમાં રહીને ભારત મોકલાવેલાં હથિયારોના મુદ્દાનો આધાર લીધો હતો. જ્યારે અંતિમ ‘હત્યાના પ્રયાસ’નો મામલો ‘નાસિક મર્ડર કેસ’ સાથે જોડાયેલો છે. 

  1909માં નાસિકના મેજિસ્ટ્રેટ અને બ્રિટિશ અધિકારી આર્થર જેક્સનની હત્યા કરી નાંખવામાં આવી હતી. ક્રાંતિકારી યુવાન અનંત કન્હરેએ જેક્સનને ગોળી મારી હતી. ત્યારબાદ તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. વિનાયક સાવરકર પર આ હત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લાગ્યો હતો. 

  આ મામલે કેસ ચાલ્યા બાદ 1910માં સાવરકરને દોષી ઠેરવવામાં આવ્યા અને બે જન્મટીપની સજા સંભળાવવામાં આવી. બ્રિટિશકાળ દરમિયાન જન્મટીપ 25 વર્ષની હતી. સાવરકરને 50 વર્ષની કાળાપાણીની સજા સંભળાવાઈ અને આંદામાન-નિકોબારની સેલ્યુલર જેલ મોકલી આપવામાં આવ્યા.

  સેલ્યુલર જેલમાં વીર સાવરકરે અન્ય સાથી કેદીઓ સાથે ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી. પોતાનાં સંસ્મરણોમાં સાવરકરે આ તમામ વિશે વિગતે લખ્યું છે કે કઈ રીતે કેદીઓને કલાકો સુધી બેડીઓમાં જકડીને ઉભા રાખી મૂકાતા, કઈ રીતે ઘાણીનું તેલ કાઢવા માટે બળદની જગ્યાએ તેમનો ઉપયોગ થતો, કઈ રીતે દૈહિક ક્રિયાઓ માટે પણ પરવાનગી મળતી ન હતી અને ભોજન પણ સરખું અપાતું ન હતું. 

  અંગ્રેજ શાસન દરમિયાન આવી અરજીઓ સામાન્ય બાબત હતી 

  જે અરજીઓની વાત છે એ આ જ સમય દરમિયાન વિનાયક સાવરકરે લખી હતી. અહીં જાણવું જરૂરી છે કે તે સમયે આવી અરજીઓ સાવ સામાન્ય બાબત હતી. જે રીતે આજે કોઈ પણ ધરપકડ બાદ આરોપી કોર્ટમાં જામીન અરજી મૂકે છે તે રીતે ત્યારે બ્રિટિશ સરકાર સમક્ષ આવી અરજીઓ કરવાની રહેતી. સાવરકર પણ તેમાંથી બાકાત ન હતા. 

  કોઈ પણ વ્યક્તિ જેલમાં બંધ હોય તો મુક્ત થવાના પ્રયાસો સ્વાભાવિક કરે. સાવરકર પોતે એક વકીલ હતા, તેમને કાયદાનું પૂરતું જ્ઞાન હતું, તેનો જ ઉપયોગ તેઓ કરી રહ્યા હતા. ઇતિહાસકારો એવો પણ મત ધરાવે છે કે આ અરજીઓ એક રણનીતિનો ભાગ હતી કારણ કે આખરે જેલમાં બેસીને તેઓ કશું કરી શકવાના ન હતા. કોઈ પણ રીતે બહાર આવવું જરૂરી હતું. 

  આ અરજીઓ થકી સાવરકરે માફી માંગી હોવાના આરોપો લાગતા રહે છે પરંતુ તેમની અરજીઓ વાંચતાં ક્યાંય ‘માફી’નો ઉલ્લેખ જોવા મળતો નથી.  અરજીઓમાં તેમણે જેલમાં થતા ભેદભાવો, પ્રાથમિક સુવિધાઓનો અભાવ વગેરેના ઉલ્લેખ કર્યા હતા. એટલું જ નહીં, એક અરજીમાં તેમણે એમ પણ કહ્યું હતું કે જો સરકાર તેમને મુક્ત કરવા ન માંગતી હોય તોપણ તેમને વાંધો નથી પરંતુ તેમના બાકી સાથીઓને મુક્ત કરી દેવામાં આવે. 

  સાવરકરે કહ્યું હતું- મને મુક્ત ન કરે તોપણ વાંધો નથી પણ અન્ય સાથીઓને છોડી મૂકવામાં આવે 

  ઓક્ટોબર, 1917માં મોકલેલી અરજીના અંતિમ ફકરામાં સાવરકર લખે છે, ‘…અંતે પૂરેપૂરી ઇનામદારી સાથે કહેવા માંગીશ કે જો સરકારને લાગતું હોય કે હું માત્ર મારી મુક્તિ માટે લખી રહ્યો હોઉં કે મુક્તિ આપવામાં મારું નામ નડતરરૂપ બનતું હોય તો મારું નામ હટાવી દેવામાં આવે અને બાકીના મારા સાથીઓને છોડી મૂકવામાં આવે. તેનાથી પણ મને એટલો જ સંતોષ મળશે જેટલો મારી મુક્તિથી મળ્યો હોત.’

  વીર સાવરકર જેલમાં પણ ક્રાંતિકારીઓનું નેતૃત્વ કરતા હતા. તેઓ ત્યાં ‘બડા બાબુ’ના નામે ઓળખાતા હતા. આ અરજીઓ મારફતે તેઓ એક રીતે આ કેદીઓનું પણ પ્રતિનિધિત્વ કરતા હતા. કારણ કે તેમનામાંથી પણ ઘણા એવા લોકો હતા જેમને આ બધી કાયદાકીય બાબતોનો ખ્યાલ બહુ ઓછો હતો. 

  અંગ્રેજોએ ક્યારેય તેમની ઉપર વિશ્વાસ ન મૂક્યો 

  જો સાવરકરે ખરેખર અંગ્રેજોની માફી માંગી હોત કે તેઓ અંગ્રેજોના ‘પિઠ્ઠુ’ હોત તો શા માટે અંગ્રેજોએ ક્યારેય તેમની ઉપર વિશ્વાસ ન મૂક્યો? અંગ્રેજો કાયમ તેમને ‘ખતરનાક’ માનતા રહ્યા અને આંદામાનની જેલમાં પણ સાવરકરને મળવાપાત્ર અમુક અધિકારો આપવામાં આવ્યા ન હતા. કાયમ તેમને સૌથી ખતરનાક કેદી તરીકે જ રાખવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થયા બાદ પણ 13 વર્ષ સુધી અંગ્રેજોએ તેમને નજરબંધ રાખ્યા હતા. 

  જેલમાં વિનાયક સાવરકરને મળીને તેમનો ઇન્ટરવ્યૂ લેનાર એક અંગ્રેજ અધિકારી ક્રેડોકે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, ‘સાવરકરને મળીને લાગે છે કે તેમણે જે કંઈ પણ કર્યું તે માટે તેમને લેશમાત્ર પસ્તાવો નથી અને તેમને મુક્ત કરવામાં આવે તો બ્રિટિશ શાસન સામે કામ કરતા લોકો પર પણ તેની અસર થશે.’ ક્રેડોક આગળ લખે છે કે, ‘જેલમાં તેમને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા આપી શકાય તેમ પણ નથી કારણ કે તેઓ અહીંથી જ નહીં પરંતુ ભારતની કોઈ પણ જેલમાંથી ભાગી શકે છે.’ 

  ‘મોસ્ટ ઓબિડીયન્ટ સર્વન્ટ’ લખવાની પણ પરંપરા હતી 

  સાવરકર ઉપર એક નવો આરોપ પણ હમણાં-હમણાં લાગ્યો છે. પોતાની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાવરકર પર અંગ્રેજોના વફાદાર હોવાનો આરોપ લગાવીને તેમનો એક પત્ર બતાવ્યો જેમાં તેમણે અંતે ‘યોર મોસ્ટ ઓબિડીયેન્ટ સર્વન્ટ’ લખ્યું હતું. રાહુલ ગાંધીએ આ પત્રના આધારે કહ્યું કે સાવરકરે અંગ્રેજોની મદદ કરી હતી.

  મોહનદાસ ગાંધીનો અંગ્રેજ અધિકારીને પત્ર (તસ્વીર: Twitter)

  સત્ય એ છે કે બ્રિટિશ શાસન દરમિયાન આ તદ્દન સામાન્ય પ્રક્રિયા હતી. સાવરકર જ નહીં મોહનદાસ ગાંધી સહિતના અનેક નેતાઓએ આ પ્રક્રિયા અનુસરી હતી અને અંગ્રેજ અધિકારીઓને પત્ર લખતી વખતે આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

  મોહનદાસ ગાંધીએ સાવરકરના ભાઈને અરજી દાખલ કરવા કહ્યું હતું 

  મોહનદાસ ગાંધીની વાત નીકળી છે તો અન્ય એક બાબતનો ઉલ્લેખ જરૂરી છે. જાન્યુઆરી 1920માં વિનાયક સાવરકરના નાના ભાઈ નારાયણ સાવરકરે મોહનદાસ ગાંધીને એક પત્ર લખ્યો હતો અને જેલમાં બંધ તેમના બંને ભાઈઓની મુક્તિ માટે સલાહ માંગી હતી. જેના જવાબમાં ગાંધીએ તેમને એક અરજી તૈયાર કરવા કહ્યું હતું.

  નારાયણ સાવરકરને લખેલા જવાબમાં મોહનદાસ ગાંધી લખે છે કે, હું સૂચન કરીશ કે તમે આ મામલાનાં તમામ તથ્યો રજૂ કરતી એક સંક્ષિપ્ત અરજી તૈયાર કરો જેમાં જણાવી શકાય કે તમારા ભાઈનો ગુનો વિશુદ્ધ રાજનીતિક હતો. એ પણ ઉલ્લેખનીય છે કે મૅ, 1920ના તેમના યંગ ઇન્ડિયાના એક લેખમાં ગાંધીએ સાવરકર ભાઈઓનો કેસ રજૂ કરી તેમની તરફેણ પણ કરી હતી.

  મોહનદાસ ગાંધીનો નારાયણ સાવરકરને પત્ર (Source: The Collected works of Mahatma Gandhi)

  વિનાયક સાવરકર હોય, મોહનદાસ ગાંધી હોય કે ડૉ. ભીમરાવ આંબેડકર કે અન્ય કોઈ પણ નેતા, તેમની અમુક સારી બાજુઓ હતી અને અમુક નબળી. કોઈ પણ નેતાની તમામ બાબતો સાથે સહમત થવું જરૂરી નથી અને શક્ય પણ નથી. ઇતિહાસકારો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તથ્યો સાથે તમામને ન્યાય આપવામાં આવે, પરંતુ ભારતમાં કમનસીબે એવું થયું નથી. 

  વીર સાવરકર જીવનપર્યંત રાષ્ટ્ર માટે લડ્યા, જ્યાં પણ ગયા ત્યાં રાષ્ટ્રવાદની આગ બુઝાવા ન દીધી અને સતત કામ કરતા રહ્યા. જીવનનાં દસ વર્ષ કાળાપાણીની સજા કાપી, સ્વજનોને પીડાતાં જોયાં, વર્ષો સુધી પરિવારથી વિખૂટા રહ્યા અને રાષ્ટ્રસેવા કરતા રહ્યા. પરંતુ તેમને ક્યારેય જોઈએ તેટલું મહત્વ ન અપાયું, ક્રેડિટ ન અપાઈ અને ઉપરથી ભરપૂર અપમાનિત કરવામાં આવ્યા. પરંતુ સત્ય ક્યાંય છૂપું રહેતું નથી. હવે આપણે ઓછામાં ઓછી તેમના વિશે ચર્ચા કરતા થયા છીએ, તેમનું યોગદાન જાણતા-સમજતા થયા છીએ. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં