Saturday, April 4, 2026
More
    હોમપેજદેશકોલસા આધારિત પાવર પ્લાન્ટ માટે FGD સંબંધિત નિયમોમાં છૂટછાટ: મોદી સરકારના નિર્ણયથી...

    કોલસા આધારિત પાવર પ્લાન્ટ માટે FGD સંબંધિત નિયમોમાં છૂટછાટ: મોદી સરકારના નિર્ણયથી વીજદરમાં થઈ શકે ઘટાડો– જાણો શું બદલાયું

    સરકારે એક ગેઝેટ નોટિફિકેશનમાં પાવર પ્લાન્ટમાંથી નીકળતા ગેસમાંથી સલ્ફર દૂર કરવા માટે લગાવવામાં આવતી ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન સિસ્ટમ સંબંધિત નિયમોમાં રાહત આપીને હવે તેને માત્ર એ જ પ્લાન્ટ માટે ફરજિયાત બનાવી છે, જે દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરોથી 10 કિલોમીટર વિસ્તારમાં સ્થિત હોય.

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં લગાવવામાં આવતી ફ્લૂ ગેસ ડિસલ્ફરાઇઝેશન (FGD) સિસ્ટમને લગતા નિયમોમાં ફેરફાર કરીને ઘણા પ્લાન્ટને મુક્તિ આપી છે. જેના કારણે હવે વીજળીના દરમાં પણ લગભગ 25-30 પૈસા પ્રતિ યુનિટનો ઘટાડો થશે. સલ્ફર એમિશનના નિયમોમાં આપવામાં આવેલી આ રાહતના કારણે કોસ્ટ, ક્લાઈમેટ અને કમ્પ્લાયન્સ વચ્ચે એક સંતુલન જળવાય રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

    સરકારે એક ગેઝેટ નોટિફિકેશનમાં પાવર પ્લાન્ટમાંથી નીકળતા ગેસમાંથી સલ્ફર દૂર કરવા માટે લગાવવામાં આવતી ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન સિસ્ટમ સંબંધિત નિયમોમાં રાહત આપીને હવે તેને માત્ર એ જ પ્લાન્ટ માટે ફરજિયાત બનાવી છે, જે દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરોથી 10 કિલોમીટર વિસ્તારમાં સ્થિત હોય. આ નોટિફિકેશનના કારણે હવે ભારતની થર્મલ પાવર કેપિસિટીના 79% પ્લાન્ટને FGD ઇન્સ્ટોલેશનમાંથી મુક્ત કરી દેવામાં આવશે. જ્યારે જે પ્લાન્ટ શહેરી વિસ્તારોમાં, વસ્તી વચ્ચે આવેલા છે, તેમનું મૂલ્યાંકન કેસ-બાય-કેસ આધાર પર કરવામાં આવતું રહેશે. 

    આ FGD સિસ્ટમનો ઉપયોગ પાવર પ્લાન્ટમાંથી નીકળતા ગેસમાંથી સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરવા માટે થાય છે. જ્યારે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો બળે ત્યારે તેમાંથી પ્રદૂષણ કરતા અમુક વાયુઓ ઉત્સર્જિત થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ તેમાં મુખ્ય હોય છે અને પર્યાવરણ પર માઠી અસર પાડી શકે છે. આ સિસ્ટમની મદદથી સલ્ફર દૂર કરવામાં આવે છે. પરંતુ આ તેની એક મર્યાદા એ છે કે તેને લગાવવાનો અને સંચાલન કરવાનો ખર્ચ બહુ આવે છે. ઉપરાંત પાણી પણ ભરપૂર માત્રામાં વપરાય છે. 

    - Advertisement -

    નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું કે આ નિર્ણય સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું હતું કે આ સિસ્ટમના કારણે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં વધારો થતો જોવા મળ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તેના કારણે હવે તમામ પ્લાન્ટને એકસરખા ગણવાના સ્થાને ઉત્સર્જિત થતા સલ્ફરના પ્રમાણ અને વિસ્તાર (શહેરી છે કે વસ્તીથી દૂર) એમ બે પરિબળોના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. અર્થાત્ નિયમો એ આધાર પર બનાવવામાં આવે કે પ્લાન્ટ કેટલું પ્રદૂષણ કરે છે અને તેની નજીક કેટલી વસ્તી રહે છે. 

    સંશોધન-અભ્યાસ બાદ નિર્ણય

    અનેક સંશોધનો અને ચર્ચા-વિચારણા બાદ એક નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. IIT દિલ્હી, CSIR-NEERI, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ (NIAS) વગેરે સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતના મોટાભાગના વિસ્તારોમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ મોટેભાગે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સને અનુરૂપ જ રહ્યું છે. 

    અનેક શહેરોમાં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ 3થી 20 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર રહે છે, જે 80 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિકનાં NAAQS ધોરણોથી ઘણું ઓછું છે. 

    વીજદરમાં કેમ રાહત મળશે?

    અહેવાલો અનુસાર, નિયમોમાં રાહત આપવાના કારણે હવે વીજળીના દરમાં પણ ઘટાડો જોવા મળશે અને પ્રતિ યુનિટ 25થી 30 પૈસાની રાહત મળી શકે છે. આ લાભ અંતે ગ્રાહકો સુધી જ પહોંચશે. ભારતમાં વીજળીની માંગ સતત વધતી જ જાય છે, આ સંજોગોમાં આ નિર્ણયની સકારાત્મક અસર પડશે. વીજ કંપનીઓને પણ ટેરિફ કાબૂમાં રાખવામાં મદદ મળશે અને સરકારોના માથેથી સબસિડીનું ભારણ ઓછું થશે. 

    ફરજિયાત FGD સિસ્ટમ લગાવવાના નિયમના કારણે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું ભારણ વધતું હતું. અનેક વીજ ઉત્પાદકોએ ભૂતકાળમાં ચિંતા વ્યક્ત કરી હતી કે તેના કારણે ન માત્ર ભાવમાં વધારો કરવો પડે છે પરંતુ પીક સિઝનમાં ગ્રીડ સ્ટેબિલિટીને પણ નુકસાન પહોંચે છે. 

    સરકારનું કહેવું છે કે તેઓ પર્યાવરણીય સુરક્ષા માટે હંમેશા કટિબદ્ધ છે, પરંતુ હવે વધુ બુદ્ધિચાતુર્ય પૂર્વક કામ લેવાની જરૂર છે. આ વાસ્તવમાં કોઈ પીછેહઠ નથી પરંતુ પુરાવાઓના આધારે માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકાર હવે વધુ કાર્યક્ષમ રીતે, પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને ટાર્ગેટેડ પદ્ધતિથી કામ કરી શકશે. 

    ઉપરાંત, આ બાબતોને સમાવીને એક સોગંદનામું હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. વાસ્તવમાં કોર્ટમાં MC મહેતા વિ. કેન્દ્ર સરકારનો એક કેસ ચાલી રહ્યો છે, જેમાં FGD લાગુ કરવાની સમયમર્યાદાને પડકારવામાં આવી છે. મામલો હાલ કોર્ટમાં છે.   

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં