રાજસ્થાનના ઉદયપુરમાં ગત 28 જૂનના રોજ હિંદુ ટેલર કન્હૈયાલાલની કટ્ટર ઇસ્લામીઓ દ્વારા ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી NIA કરી રહી છે અને અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે NIAએ કન્હૈયાલાલ કેસમાં આઠમો આરોપી પણ ઝડપી લીધો છે. જેનું નામ મોહમ્મદ જાવેદ મન્સૂરી હોવાનું જાણવા મળ્યું છે.
કન્હૈયાલાલ હત્યા કેસમાં પકડાયેલો આઠમો આરોપી મોહમ્મદ જાવેદ મન્સૂરી એ જ બજારમાં દુકાન ચલાવે છે જ્યાં કન્હૈયાલાલની પણ દુકાન આવેલી હતી. આ જ દુકાનમાં હત્યારા મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદે કન્હૈયાલાલનું ગળું કાપ્યું હતું.
19 વર્ષીય મોહમ્મદ જાવેદ આર્ટિફિશિયલ જવેલરીની દુકાન ચલાવે છે. NIA છેલ્લા ઘણા દિવસોથી તેની પૂછપરછ કરી રહી હતી. હત્યાકાંડમાં તેની સંડોવણીની પુષ્ટિ થયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર, મોહમ્મદ જાવેદે કન્હૈયાલાલની હત્યા પહેલાં તેના હત્યારા મોહમ્મદ રિયાઝ અત્તારી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે મુલાકાત મોહમ્મદ જાવેદના પાડોશી દુકાનદાર વસીમ સાથે થઇ હતી. આ બાબતનો ખુલાસો બંને હત્યારાઓની કરવામાં આવેલ પૂછપરછમાં થયો છે.
હત્યાના દિવસે મોહમ્મદ જાવેદે કન્હૈયાલાલની દુકાનની રેકી કરી હતી અને જ્યારે કન્હૈયાલાલ દુકાનમાં જ હોવાની પુષ્ટિ થઇ ત્યારે તેણે ફોન કરીને હત્યારા અત્તારીને જાણ કરી હતી. જે બાદ બંને આરોપીઓ ગ્રાહક બનીને કન્હૈયાલાલની દુકાનમાં ઘૂસ્યા હતા અને હત્યાને અંજામ આપ્યો હતો.
બંને હત્યારાઓ ધોળે દહાડે કન્હૈયાલાલની દુકાનમાં ઘૂસ્યા હતા. તેઓ કપડાં સીવડાવવા માટે માપ આપવાના બહાને ગયા હતા. જેમાંથી એકે માપ આપવાનું નાટક કર્યું હતું તો બીજાએ વિડીયો ઉતાર્યો હતો. કન્હૈયાલાલ અજાણ બનીને એક આરોપીનું માપ લઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક આરોપીઓએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. જે બાદ બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
જોકે, તે જ સાંજે પોલીસે બંને હત્યારાઓને પકડી પાડ્યા હતા. હાલ આ બંને જેલમાં બંધ છે ઉપરાંત આ સમગ્ર હત્યાકાંડમાં હત્યારાઓને મદદ કરનાર અન્ય પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં જ એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે રાજસ્થાનના ઉદયપુરમાં જે બજારમાં કન્હૈયાલાલની હત્યા થઇ તે પહેલાં હર્યુંભર્યું રહેતું હતું, પરંતુ હત્યાકાંડ બાદ સન્નાટો જોવા મળે છે અને મોટાભાગની દુકાનો પણ બંધ છે.
માલદાસ સ્ટ્રીટમાં કુલ 15 દુકાનો છે, જેમાંથી 13 બંધ હાલતમાં જોવા મળી હતી. તેમજ અહીંનો વેપાર પણ 90 ટકા સુધી ઘટી ગયો છે. અહીંના દુકાનદારો કહે છે કે લોકો આટલા દિવસે પણ આ જઘન્ય હત્યાકાંડ ભૂલી શક્યા નથી અને અમુક તો આવવા પહેલાં ફોન કરીને આવે છે. જોકે, આ ડર માત્ર ગ્રાહકોમાં જ નહીં પરંતુ દુકાનદારોમાં પણ એટલો જ ડર છે. જેના કારણે અહીં સતત પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હાજર રહે છે.