દિલ્હી દારૂ કૌભાંડમાં EDની તપાસનો રેલો કેજરીવાલ સુધી પહોંચ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીના PA બિભવ કુમારને ED સમક્ષ પૂછપરછ માટે નોટિસ આપી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓ હાજર થયા બાદ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જાણવા મળ્યા અનુસાર, બિભવ કુમારે આ કૌભાંડના આરોપી અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે અલગ-અલગ 170 ફોનથી વાત કરી હતી અને ત્યારબાદ પુરાવા નાશ કરવા માટે તમામ ફોન તોડી નાંખ્યા હતા.
બિભવ કુમાર પર આરોપ છે કે તેણે ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા સાથે 170 ફોનથી વાત કર્યા બાદ પુરાવાઓનો નાશ કરવા માટે આ તમામ ફોન તોડી નાંખ્યા હતા. સાથે જ તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આખા કૌભાંડમાં સામેલ લોકોએ ગેરકાયદેસર લાભ મેળવીને કરોડો રૂપિયાનું કાળું નાણું કમાયા હતા. આમ આદમી પાર્ટીએ આ જ કરોડો રૂપિયા ગોવાની વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પાર્ટીના પ્રચાર અને પ્રસાર માટે વાપર્યા હતા. PAની સંડોવણી સામે આવ્યા બાદ બની શકે કે દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલ પણ EDના સીધા રડારમાં આવી જાય.
જોકે, ED દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ બાબતે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ સામેલ હતું જ. જેમાં લિકર વેપારી સમીર મહેન્દ્રુને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. દાખલ કરવામાં આવેલા આરોપોમાં તેવો પણ ઉલ્લેખ છે કે ડીલ ફાઈનલ થયા પહેલા અરવિંદ કેજરીવાલ અને સમીર વચ્ચે વિડીયો કોલ પર વાત થઈ હતી.
દરમિયાન EDએ તેવો પણ દાવો કર્યો હતો કે આ વિડીયો કોલમાં અરવિંદ કેજરીવાલે સમીરને AAPના વિજય નાયર પર ભરોસો કરવા કહ્યું હતું. જોકે નાયર પણ EDના ચોપડે આ કૌભાંડમાં આરોપી તરીકે સામેલ છે. અત્યાર સુધી આ મામલે કુલ 36 આરોપીઓનાં નામ નોંધવામાં આવ્યાં છે. જેમાં હવે દિલ્હીના મુખ્યમંત્રીના PA બિભવ કુમારની ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે થયેલી વાતચીત વિશે પૂછપરછ થતા આ આંકડો વધવાની શક્યતાઓ છે.
મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર નહતા થયાં
નોંધનીય છે કે દિલ્હી આબકારી નીતિમાં કરોડોના કૌભાંડ આચરવાના આરોપમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને CBI દ્વારા હાજર થવા આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ બજેટનું બહાનું કાઢી મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયા હતા. સિસોદિયાએ તેમની ધરપકડની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે દિલ્હીનું અગામી બજેટ તૈયાર કરવા માટે 1 સપ્તાહનો સમય માંગ્યો હતો. જે પછી CBIએ બીજી નોટિસ ફટકારીને મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીના રોજ હાજર થવા આદેશ આપ્યો છે.