ગુજરાત સહિત સુરતમાં પોલીસની સતર્કતાથી તાજેતરમાં ઘણું ડ્રગ્સ અને ઘણા ડ્રગ્સ પેડલર પકડવામાં આવ્યા છે. આવા જ એક કિસ્સામાં ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા વિસ્તારમાંથી ડ્રગ્સ બનાવવાનું એક કારખાનું પકડી પાડવામાં આવ્યું છે. આ સફળ રેડમાં સ્થળ પરથી ₹20 કરોડનું રો મટિરિયલ પણ કબજે લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પલસાણાના કારેલી ગામમાં ચૂનાની ફેક્ટરીના નામે એક જગ્યા ઉભી કરવામાં આવી હતી. જે પતરાંની બાઉન્ડ્રીમાં હતી. પોલીસને મૂર્ખ બનાવવા સુરતમાં રહેણાંક વિસ્તારમાં આ ડ્રગ્સ બનાવવાનું આ કારખાનું ચાલતું હતું. જ્યાં ગુજરાત ATSએ દરોડા પાડીને આ રેકેટ ઝડપી પાડ્યું હતું.
ATS દ્વારા દરોડો પાડીને પહેલા ત્યાં FSLની ટીમ બોલાવવામાં આવી હતી. FSL દ્વારા રો મટિરિયલની તપાસ કરતા તે ડ્રગ્સ બનાવવાના કેમિકલ હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ ATSએ ત્યાંથી પકડાયેલ 2 ઇસમોની અટકાયત કરી હતી અને ગોડાઉનને સીલ મારીને આગળની તપાસ શરૂ કરી હતી.
આ પહેલા પણ પકડાઇ ચુક્યા છે અનેક ડ્રગ પેડલર
આ પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને 23 જૂન 2024ના રોજ રાબીયા નામની મહિલા અને તેના સાથી સફિકની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ મુંબઈથી સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદ્રા જોધપુર ટ્રેનમાં સુરત આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી અને મૂળ મહારાષ્ટ્રના ગોવંડીની રાબિયા તેમજ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી સફિકખાન પઠાણની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 252.34 ગ્રામ ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત ₹25,23,400 જેટલી છે.
આ આખા ઓપરેશનમાં પોલીસના હાથે કૂલ 7 આરોપી ઝડપાયા હતા. તમામના નામ રાબીયાબીબી શેખ, સફિક ખાન પઠાણ, સરફરાજ ઉર્ફે સલમાન, ફૈસલ કચરા, યાસીન મુલ્લા, અશફાક શેખ અને સૈયદ આશિફ ઉર્ફે બાબુ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1,પાલ પોલીસ સ્ટેશનમાં 1 , રાંદેર પોલીસ સ્ટેશનમાં 1 અને અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા હતા. નોંધનીય છે કે નશાનો વેપલો કરતા સરફરાજ ઉર્ફે સલમાન સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં 7 ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું.