તાજેતરમાં જ કોલકાતાની (Kolkata) એક લૉ કોલેજમાં (Law Collage) 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગેંગરેપ (Gangrape) થયાના સમાચાર સામે આવ્યા હતા. આ મામલે કસ્બા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી અને 1 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. હવે આ મામલે FIRની વિગતો પણ સામે આવી છે. પીડિતાએ ઘટનાના એક દિવસ બાદ એટલે કે, 26 જૂનના રોજ કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. આરોપ છે કે, કોલેજના એક સ્ટાફ મનોજીત મિશ્રા અને બે વિદ્યાર્થીઓ ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીએ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. મનોજીત મિશ્રા કેસનો મુખ્ય આરોપી છે અને TMC સાથે સંકળાયેલો છે.
વધુમાં પીડિતાના મેડિકલ રિપોર્ટમાં પણ ગેંગરેપની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ યૌન શોષણના લીધે ઘા હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર, ડૉક્ટરોને તેના શરીર પર બળજબરીથી રેપ, ઘાના નિશાન અને નખના નિશાનના પુરાવા મળ્યા છે. આરોપી મનોજીત મિશ્રા (31), ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખર્જીને (20) 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મુખ્ય આરોપી મનોજીત મિશ્રા TMC સાથે સંકળાયેલો હોવાની પોલીસે પુષ્ટિ કરી છે.
‘લગ્નના પ્રસ્તાવ બાદ આચર્યો બળાત્કાર’- FIR
FIR અનુસાર, પીડિતાએ જણાવ્યું છે કે, સાંજે 6:10 કલાક આસપાસ બધુ સામાન્ય લાગી રહ્યું હતું. તે કોઈ કામ માટે કોલેજ આવી હતી અને આ સમયગાળા દરમિયાન બાકીના વિદ્યાર્થીઓ ઘર માટે રવાના થઈ ચૂક્યા હતા, પણ મુખ્ય આરોપી મિશ્રાએ પીડિતાને કોલેજમાં જ રહેવા માટેનું કહ્યું હતું. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મુખ્ય આરોપીએ તેને રૂમમાંથી બહાર બોલાવી હતી અને કહ્યું હતું કે, પહેલા દિવસથી જ તે તેને પસંદ કરી રહ્યો છે. વધુમાં આરોપીએ એવું પણ કહ્યું હતું કે, તેની ગર્લફ્રેન્ડ બાદ તે માત્ર પીડિતાને જ પ્રેમ કરે છે. આ દરમિયાન આરોપીએ લગ્નનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. જોકે, પીડિતા આરોપીને ‘દાદા’ (ભાઈ) માનતી હતી.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મુખ્ય આરોપી મનોજીતે તેને પોતાની પ્રત્યે ‘વફાદારી’ સાબિત કરવા માટે કહ્યું હતું. તેણે આગળ જણાવ્યું, “મેં તેને તેમ કરવાનું વચન પણ આપ્યું હતું, કારણ કે મને ગર્લ્સ સેક્રેટરી બનાવવામાં આવી હતી. જેથી તેમાં મેં સંપૂર્ણ સહકાર આપવા માટે વચન પણ આપ્યું હતું.” પરંતુ પીડિત યુવતીનું કહેવું છે કે આરોપીને તે ‘દાદા’ માનતી હતી, જ્યારે આરોપી તેને લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો.
FIR અનુસાર, પીડિતાએ આરોપીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, તેનો એક બોયફ્રેન્ડ છે અને તે તેને પ્રેમ કરે છે. FIR મુજબ, યુવતીએ પોતાનું બેગ પેક કરી નાખ્યું હતું અને જવાની તૈયારી કરી રહી હતી, તે દરમિયાન જ મુખ્ય આરોપીએ તેના સહયોગી બે અન્ય આરોપીઓને દરવાજો બંધ કરવા માટેના નિર્દેશ આપ્યા હતા. ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી પીડિતાને વૉશરૂમ પાસે લઈ ગયો અને બળજબરીથી શરીર સંબંધ બનાવવા માટેના પ્રયાસો કરવા લાગ્યો હતો.
‘મેં તેના પગ પકડીને ભીખ માંગી, પણ મને જવા ન દીધી’- પીડિતા
FIRમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેણે વારંવાર મુખ્ય આરોપીને વિનંતી કરી હતી અને તેના પગ પકડીને ભીખ માંગી હતી, તેમ છતાં તેણે તેને છોડવાનો ઇનકાર કરી દીધો હતો. પીડિતાએ કહ્યું છે કે, “મેં તેના પગ પકડ્યા, પણ તેણે મને જવા ન દીધી. તેણે મને પાછળ ધકેલી દીધી. હું સતત રડતી રહી અને કહેતી રહી કે, મારો બોયફ્રેન્ડ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું, પણ તેઓ ન માન્યા. ત્યારબાદ મને ગભરામણ થવા લાગી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.” ત્યારબાદ આરોપ છે કે, મુખ્ય આરોપીએ તેના અન્ય બે સહયોગીઓને પીડિતાને ગાર્ડના રૂમમાં લઈ જવાનું કહ્યું હતું અને ગાર્ડને બહાર બેસવાનું કહ્યું હતું. અન્ય બે આરોપીઓએ પણ આવું જ કર્યું હતું.
FIR અનુસાર, મુખ્ય આરોપીએ પીડિતાને વારંવાર ધમકી આપી હતી અને તેની સાથે મારપીટ કરી હતી, આ દરમિયાન અન્ય બે આરોપીઓ મૌન રહીને બધું જોઈ રહ્યા હતા. વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ ન માત્ર વારાફરતી બળાત્કાર ગુજાર્યો, પણ તેને ચૂપ રહેવા માટે ધમકીઓ પણ આપી હતી. પીડિતાએ કહ્યું કે, “તેમણે મારા કપડાં ઉતારી દીધાં અને બળજબરીથી બળાત્કાર ગુજારવા લાગ્યા. મેં વિરોધ કર્યો તો તેમણે મને ધમકી આપી કે, તે મારા બોયફ્રેન્ડની હત્યા કરાવી નાખશે અને મારા માતા-પિતાની ધરપકડ કરાવી દેશે.” પીડિતાએ ઉમેર્યું કે, “તેમ છતાં મેં વિરોધ કરવાનું ચાલુ રાખ્યું તો તેમણે મારા બે વિડીયો બતાવ્યા, જેમાં હું નગ્ન અવસ્થા હતી અને આરોપીઓ બળાત્કાર ગુજારી રહ્યા હતા.”
પીડિતાએ એવું પણ કહ્યું છે કે, આરોપીએ મારપીટ કરી અને ઘટનાના વિડીયો પણ રેકોર્ડ કર્યા. પીડિતાનો આરોપ છે કે, આરોપીઓએ તેને ધમકી આપી કે, જો તે સહયોગ નહીં આપે અને જ્યારે બોલાવે ત્યારે નહીં આવે તો આ વિડીયો બધાને બતાવી દેશે. વધુમાં પીડિતાએ એવું પણ જણાવ્યું છે કે, “હું ઘાયલ થઈ ગઈ હોવા છતાં આરોપીઓએ બળાત્કાર કરવાનું બંધ નહોતું કર્યું. તેમણે મને હોકી સ્ટિકથી માર પણ માર્યો હતો. મેં પોતાને એક મૃત શરીરની જેમ છોડી દીધી હતી.” ઘટના બાદ રાત્રે 10:05 કલાકે યુવતી રૂમમાંથી બહાર આવી હતી, તે દરમિયાન પણ આરોપીઓએ TMCમાં પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપી હતી.
‘મુખ્ય આરોપી સત્તારૂઢ TMC સાથે જોડાયેલો’- પોલીસ
પોલીસ અનુસાર, ત્રણેય આરોપીએ યુવતીને કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં બંધક બનાવી હતી અને 7:30થી 10:50ની વચ્ચે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ તે જ રાત્રે પોતાના માતા-પિતાને ઘટના વિશેની માહિતી આપી હતી અને બીજા જ દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરનારા અધિકારીઓએ આરોપીઓના મોબાઈલ જપ્ત કર્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે.
પોલીસે તે પણ પુષ્ટિ કરી છે કે, મુખ્ય આરોપી મિશ્રા બંગાળની સત્તારૂઢ પાર્ટી TMC સાથે જોડાયેલો છે. પોલીસ અનુસાર, મિશ્રાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સત્તારૂઢ TMC સાથેના સંબંધો જોવા મળ્યા છે, જેમાં તેની ઓળખ કોલેજમાં TMCની યુવા શાખાના પૂર્વ નેતા તરીકે થઈ છે. બીજી તરફ મિશ્રાના વકીલ આઝમ ખાને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા છે. આ મામલે ભાજપે પણ TMC પર આકરા પ્રહાર કર્યાં છે અને મહિલા સુરક્ષાને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
કોણ છે મનોજીત મિશ્રા?
આરોપીના ફેસબુક પ્રોફાઇલ અનુસાર, મનોજીત મિશ્રા સાઉથ કોલકાતા લૉ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે અને સંસ્થામાં તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદનો પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યો છે. હાલ તે દક્ષિણ કોલકાતા જિલ્લામાં TMCના મહાસચિવ તરીકે કાર્યરત છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અનુસાર, તેની ઉંમર 30 વર્ષ છે અને તેના 6.2K ફોલોઅર્સ છે. તે પોતાને એક ‘ક્રિમિનલ લોયર’ ગણાવે છે અને પોતે અલીપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હોવાનો દાવો કરે છે.