પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની (Kolkata) એક લૉ કોલેજમાં એક 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગેંગરેપ (Gangrape) થયાના સમાચારે હડકંપ મચાવ્યો છે. આ મામલે ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમની ઓળખ મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી તરીકે થઈ છે. ભાજપનો આરોપ છે કે ત્રણમાંથી એક મુખ્ય આરોપી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે.
આરોપીઓમાંથી મિશ્રા (31) એ કોલેજનો કર્મચારી છે. જ્યારે બાકીના બે વિદ્યાર્થીઓ છે. જેમની ઉંમર અનુક્રમે 19 અને 20 વર્ષ છે.
પીડિતા અનુસાર, ઘટના 25 જૂનની સાંજે 7:30થી 8:30 વચ્ચે બની હતી. તે સાંજે 4 વાગ્યા આસપાસ કોલેજમાં કોઈ કામ માટે ગઈ હતી. ત્યારબાદ તેને મિશ્રાએ રોકાઈ જવા માટે કહ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ગાર્ડ રૂમમાં ખેંચી લઈ ગયા અને શારીરિક શોષણ કર્યું હતું.
ઘટના બાદ યુવતીએ પરિવારને જાણ કરી હતી, જેઓ પછી પોલીસ મથક પહોંચ્યા હતા. આ મામલે કસ્બા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. મિશ્રા અને અહેમદને એક પાર્ક નજીકથી પકડવામાં આવ્યા, જ્યારે મુખર્જીને તેના નિવાસસ્થાનેથી પકડવામાં આવ્યો હતો. તેમના મોબાઇલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
ધરપકડ બાદ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે 1 જુલાઈ સુધી તમામને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બીજી તરફ, મહિલા આયોગે આ મામલે સંજ્ઞાન લઈને પોલીસને 72 કલાકમાં રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપ્યા છે.
આ મામલે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ નયના ચેટર્જીએ જણાવ્યું કે, મનોજીત એ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે, જેને કોલેજ ગવર્નિંગ બોડી દ્વારા ટેમ્પરરી સ્ટાફ તરીકે નીમવામાં આવ્યો હતો. આ મામલે બોડીને જાણ કરી દેવામાં આવી છે. આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.
ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક મમતા બેનર્જી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે અને આરોપી મનોજીત મિશ્રાના પાર્ટીના નેતાઓ સાથેના ફોટા અને અન્ય અમુક પુરાવા રજૂ કરીને આરોપ લગાવ્યો છે કે તે તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર્તા છે.
OUTRAGEOUS! Manojit Mishra, one of the prime accused in the brutal gang-rape of a college student in Kasba has direct links with the most powerful in the TMC:
— Amit Malviya (@amitmalviya) June 27, 2025
➡️ MP Abhishek Banerjee
➡️ Councillor Kajari Banerjee (Mamata Banerjee’s sister-in-law)
➡️ State Minister Chandrima… pic.twitter.com/6cnN2iSao4
પાર્ટીના IT સેલ હેડ અમિત માલવિયાએ એક પોસ્ટમાં લખ્યું કે, મિશ્રાની TMC સાથે સીધી લિંક છે અને તે સાંસદ અભિષેક બેનર્જી, કાઉન્સિલર કજરી બેનર્જી અને મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્ય સાથે જોડાયેલો છે. તેમણે આ નેતાઓ સાથે આરોપીની તસવીરો પણ શેર કરી હતી. તેમણે કવર-અપ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે TMC બળાત્કારીઓને બચાવી રહી છે.
તૃણમૂલ છાત્ર પરિષદે બીજી તરફ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે આરોપી તેમની સાથે સંકળાયેલો હતો. છત્ર પરિષદના અધ્યક્ષ ત્રિનંકુર ભટ્ટાચાર્જીએ કહ્યું કે, “જેઓ ગુનેગાર હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવવી જોઈએ. આરોપી ભૂતકાળમાં TMCની છાત્ર શાખા સાથે સંકળાયેલો હોય શકે, પણ કોઈ મહત્ત્વપૂર્ણ પદ પર ન હતો.”
ઉલ્લેખનીય છે કે કોલકાતાની જ RG કર હોસ્પિટલમાં એક ટ્રેની ડૉક્ટર સાથે રેપ બાદ હત્યાની ઘૃણાસ્પદ ઘટના લોકો હજુ ભૂલી શક્યા નથી ત્યાં હવે આવી અન્ય એક ઘટના સામે આવી, એ પણ કોલકાતાની જ એક કોલેજમાંથી. ટ્રેની ડૉક્ટર સાથેની આ ઘટના 8-9 ઑગસ્ટ 2024ની રાત્રે બની હતી, ત્યારબાદ દેશભરમાં પ્રદર્શનો થયાં અને ન્યાયની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જેની ઉપર ટ્રાયલ ચાલ્યા બાદ સજા થોડા સમય પહેલાં જ સંભળાવવામાં આવી.