અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈમાં હિંદુ સમુદાય દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા પર હુમલો કરનાર આરોપીઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને નુકશાન પહોંચાડનારાઓ સામે સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ મુજબ કાર્યવાહીની વાત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઘટના પર પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રે મીરા ભાયંદરના નયાનગરમાં બનેલી ઘટના વિશે વિગતવાર માહિતી લીધી હતી. તેમણે કહ્યું કે, ગઈકાલે શોભાયાત્રા પર થયેલા હુમલામાં સામેલ ગુનેગારો સામે કડકથી કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. આ મામલે અત્યાર સુધી 13 વ્યક્તિઓની ધરપકડ થઇ છે. જયારે હુમલામાં સામેલ બીજા આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરી તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
About the incident occurred last night at Mira Road :
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 22, 2024
I took detailed info on what happened in NayaNagar in Mira Bhayender last night itself.
Also was constantly in touch with Mira Bhayender CP till 3.30 am.
Police were instructed to take strictest action against the culprits.…
તેમણે વધુ લખતા જણાવ્યું કે, જે કોઈ પણ કાયદાને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરશે અને મહારાષ્ટ્રમાં કાયદા-વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાનું કામ કરશે તેમના પર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ મુજબ કાર્યવાહી થશે.
ઉલ્લેખનીય છે કે 21 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હિંદુ સમુદાય દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા પર મુંબઈના મીરા રોડ પર એક કટ્ટર ઇસ્લામિક ટોળાએ હુમલો કરી દીધો હતો. ઘટનાક્રમ મુજબ જ્યારે હિંદુ સમાજના લોકો તેમના વાહનો પર ભગવાન રામ અને હનુમાનજીના ધ્વજ સાથે મીરા રોડ દ્વારા શોભાયાત્રા કાઢી રહ્યા હતા અને “જય શ્રી રામ”ના નારા લગાવી રહ્યા હતા, ત્યારે એક ઇસ્લામિક ટોળાએ અચાનક શોભાયાત્રા પર હુમલો કરી દીધો હતો. મુસ્લિમ ટોળાએ લાકડીઓ અને ડંડાઓ સાથે હિંદુઓ પર હુમલો કર્યો હતો, આ ઉપરાંત વાહનોને નુકસાન પહોંચાડ્યું અને ધાર્મિક ધ્વજનું અપમાન કર્યું હતું.
હિંસક ટોળાએ શોભાયાત્રામાં સામેલ હિંદુ મહિલાઓને પણ બક્ષી ન હતી. ઘટનાના વિડીયોમાં, લોકો ધાર્મિક ઝંડા ફેંકતા, વાહનો પર હુમલો કરતા અને શોભાયાત્રામાં આવેલા હિંદુઓને અપશબ્દો કહેતા જોઈ શકાય છે. નોંધનીય છે કે, મીરા રોડ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. ઘટના બાદ પોલીસે મીરા રોડ પર ફ્લેગ માર્ચ કરી સૌને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.
આ જ પ્રકારની ઘટના મહેસાણાના ખેરાલુમાં પણ બનવા પામી હતી. ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો સહિત મહિલાઓ અને બાળકો જોડાયાં હતાં. દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરાલુ પોલીસ પણ બંદોબસ્ત માટે યાત્રા સાથે જોડાઈ હતી. યાત્રા હાટડીયા વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પહોંચતાં જ મુસ્લિમ મહોલ્લામાંથી પથ્થર વરસવાનું શરૂ થઇ ગયું હતું. ઘટના બાદ ખેરાલુ પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.