શનિવારે (15 ફેબ્રુઆરી) નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં (New Delhi Railway Station) થયેલી નાસભાગને (Stampede) લઈને હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ મામલે હવે દિલ્હી પોલીસે (Delhi Police) પણ પોતાનું નિવેદન જારી કર્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, બે ટ્રેનના એક જેવા નામના કારણે યાત્રિકોમાં મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે આખરે નાસભાગ થઈ હતી. દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પ્રયાગરાજ નામની બે ટ્રેન રેલવે સ્ટેશન પર હતી. પ્રયાગરાજ એક્સપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશ્યલ. આ બંને ટ્રેનોને લઈને યાત્રિકોમાં મૂંઝવણ ઊભી થઈ હતી.
રેલવે સ્ટેશન પર નાસભાગ મામલે દિલ્હી પોલીસે રવિવારે (16 ફેબ્રુઆરી) જણાવ્યું કે, પ્રયાગરાજ સ્પેશ્યલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પર પહોંચી હોવાની ઘોષણાથી અસમંજસતા સર્જાઈ હતી. કારણ કે, પ્રયાગરાજ એક્સપ્રેસ પહેલાંથી જ પ્લેટફોર્મ નંબર 14 પર ઊભી હતી. જે લોકો પોતાની ટ્રેન માટે પ્લેટફોર્મ 14 સુધી પહોંચી શક્યા નહોતા, તેમણે વિચાર્યું કે, તેમની ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પર આવી રહી છે, જેના કારણે નાસભાગ થઈ હતી.
New Delhi Railway Station stampede | As per Delhi Police, the confusion happened because of the announcement of the trains having the same initial name starting with 'Prayagraj'. The announcement of the Prayagraj Special arriving at Platform 16 led to confusion because the…
— ANI (@ANI) February 16, 2025
દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું કે, આ બંને ટ્રેન અલગ હતી. પ્રયાગરાજ તરફ ચાર ટ્રેન જઈ રહી હતી, જેમાંથી ત્રણ ટ્રેન લેટ ચાલી રહી હતી. જેના કારણે પહેલાંથી જ સ્ટેશન પર યાત્રિકોનો ધસારો વધી ગયો હતો. બીજી તરફ નાસભાગની ઘટનાને લઈને રેલવે વિભાગ પણ તપાસમાં જોતરાઈ ગયો છે. ઘટના બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સના (RPF) IG સહિતના વરિષ્ઠ અધિકારીઓ પ્લેટફોર્મ નંબર 14 પર પહોંચ્યા હતા અને ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી હતી.
રાત્રે થઈ હતી નાસભાગ
નોંધનીય છે કે, શનિવારે (15 ફેબ્રુઆરી) રાત્રે 10 કલાકે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગની સ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે 18 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ ભારતીય રેલવેએ પીડિત પરિવારોને વળતર આપવાની જાહેરાત પણ કરી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ₹10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને ₹2.5 લાખ અને સામાન્ય ઘાયલ થયેલા વ્યક્તિઓને ₹1 લાખનું વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. હાલ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.