વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન (BBC) દ્વારા બનાવવામાં આવેલી પ્રોપેગેન્ડા ડોક્યુમેન્ટ્રીને લઈને સંસ્થા વધુ મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. હવે ગુજરાતના એક NGOએ BBC સામે માનહાનિનો દાવો માંડ્યો છે અને ડોક્યુમેન્ટ્રી દ્વારા ભારત, અહીંના ન્યાયતંત્ર અને વડાપ્રધાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં દિલ્હી હાઇકોર્ટે BBCને સમન્સ મોકલ્યું છે.
આ NGOનું ‘નામ જસ્ટિસ ઑન ટ્રાયલ’ છે, જેનું પ્રતિનિધિત્વ જાણીતા વકીલ હરીશ સાલવે કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં દલીલ મૂકતાં કહ્યું કે, ડોક્યુમેન્ટ્રીએ ભારત અને ન્યાયતંત્ર સહિતની સમગ્ર સિસ્ટમને બદનામ કરી છે.
આ મામલે દિલ્હી હાઇકોર્ટે BBCને સમન્સ પાઠવ્યું છે અને મામલાની સુનાવણી સપ્ટેમ્બરમાં મુકરર કરી છે. કોર્ટે નોંધ્યું કે, ‘એવી દલીલ કરવામાં આવી છે કે આ ડોક્યુમેન્ટ્રીમાં દેશ અને ન્યાયતંત્ર તેમજ વડાપ્રધાન વિરુદ્ધ બદનક્ષીભર્યા આરોપ લગાવીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહી છે. આ માટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક અલગ કેસમાં દિલ્હીની એક કોર્ટે BBC, વિકિમીડિયા ફાઉન્ડેશન અને ઈન્ટરનેટ આર્કાઇવને સમન્સ પાઠવ્યાં હતાં. આ કેસ ભાજપના એક નેતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમણે BBC પર ભાજપ અને RSS-VHP જેવાં હિંદુ સંગઠનોને બદનામ કરવાનો આરોપ મૂક્યો હતો.
ગત જાન્યુઆરીમાં BBCએ ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ હતી, જે આવતાંની સાથે જ વિવાદમાં સપડાઈ હતી. જેમાં 2002નાં ગુજરાત રમખાણોને લઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર ઉભેલી અયોધ્યાથી કારસેવકોને લઈને આવત સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બા મુસ્લિમ ટોળાએ સળગાવી દીધા હતા, ત્યારબાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
આ ડોક્યુમેન્ટ્રીને ભારત સરકારે બૅન કરી દીધી હતી, ઉપરાંત તેને પ્રોપેગેન્ડા પણ ગણાવી હતી. ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ડોક્યુમેન્ટ્રીને ‘દુષ્પ્રચાર ફેલાવનારી’ ગણાવી હતી અને કહ્યું હતું કે તે ખોટા નરેટિવને આગળ ધપાવવા માટે બનાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ્રી શૉ કોલોનિયલ માઈન્ડસેટ દર્શાવે છે. ડોક્યુમેન્ટ્રીને ‘પ્રોપેગેન્ડા પીસ’ ગણાવીને તેમણે ઉમેર્યું, “લાગે છે કે આ એક ચોક્કસ નરેટિવને આગળ વધારવા માટે બનાવવામાં આવી છે અને તેમાં પૂર્વગ્રહ અને નિરપેક્ષતાનો અભાવ સ્પષ્ટપણે દેખાય આવે છે.”