અતિભારે વરસાદ અને લો ડિપ્રેશનના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ચક્રવાત અસના (Cyclone Asana) સર્જાયું હતું. પરંતુ હવે રાહતના સમાચાર એ છે કે વાવાઝોડું ગુજરાતને કોઇ અસર નહીં કરે અને ઓમાન તરફ પશ્ચિમમાં આગળ વધી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ‘અસના’, જેનાથી કચ્છમાં તારાજી સર્જાવાની ભીતિ હતી તે હવે પશ્ચિમ તરફ ફંટાયું છે. હાલ તે પાકિસ્તાનના કરાંચીની દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે 160 કિલોમીટર દૂર દરિયામાં સ્થિત છે. ત્યાંથી તે ઓમાન તરફ ફંટાય તેવી પણ શક્યતાઓ છે. વાવાઝોડાની દિશા બદલાવાથી ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ઝડપી પવન અને સામાન્ય વરસાદી ઝાપટાં સિવાય વધુ કોઈ અસર નહીં જોવા મળે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં સર્જાયેલું ચક્રવાત અસના હાલ ભુજથી 240 કિલોમીટર દૂર નીકળી ગયું છે અને તે સતત દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાની દરિયાકાંઠાથી હાલ તે 160 કિલોમીટર દૂર છે. આ મામલે કચ્છ કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે વાવાઝોડું હવે પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે અને તે ઓમાન તરફ ફંટાય તેવી શક્યતાઓ છે. નોંધનીય છે કે અસનાના જોખમને લઈને પ્રશાસને કાંઠા વિસ્તારથી 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
આ મામલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. સંસ્થાનના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને સૂચના જાહેર કરવામાં આવી હતી કે 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ફંટાઈ ગયું છે અને તે કરાંચી-પાકિસ્તાનથી 160 કિમી દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત છે.
The Cyclonic Storm ASNA over northeast Arabian Sea off Kachchh and adjoining Pakistan coasts moved westwards with a speed of 14 kmph during past 6 hours and lay centered at 2330 hours IST of 30th August, 2024 over the same region, 160 km south-southwest of Karachi (Pakistan).
— India Meteorological Department (@Indiametdept) August 31, 2024
નોંધવું જોઈએ કે આ ડીપ ડિપ્રેશન મધ્ય પ્રદેશની પશ્ચિમ અને રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયું હતું અને ત્યાંથી ગુજરાત તરફ આગળ વધ્યું હતું, જેના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનો થોડો ભાગ અને કચ્છ-સૌરાષ્ટ્રને અસર થઈ હતી અને ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જળાશયો છલકાઈ જતાં વડોદરા, જામનગર, દ્વારકા જેવાં નગરોમાં પાણી શહેરોમાં ફરી વળ્યાં હતાં અને અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. બીજી તરફ, ભારે વરસાદના કારણે ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ નુકસાન પહોંચ્યું હતું.
રાજ્ય સરકાર હાલ આ નુકસાનનું આકલન કરીને રિપેરિંગ માટે તૈયારી કરી રહી છે તો પાણી જેમ ઓસરી રહ્યાં છે તેમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ તુરંત કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં સમીક્ષા બેઠક યોજીને જણાવ્યું હતું કે પાણી ઓસરી ગયા બાદ રોગચાળો ન ફાટે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
પાકિસ્તાને કર્યું અસનાનું નામકરણ, આ પ્રકારનાં ચક્રવાત દુર્લભ
સામાન્ય રીતે ઑગસ્ટ મહિનામાં આ પ્રકારના ચક્રવાતનું બનવું તે દુર્લભ માનવામાં આવે છે. તેમાં પણ અસના અતિદુર્લભ ચક્રવાત હતું, કારણ કે સામાન્ય રીતે મોટાભાગનાં વાવાઝોડાં દરિયામાં સર્જાઈને કાંઠા પર ત્રાટકતાં હોય છે. જ્યારે અસના જમીન પર સર્જાયું અને દરિયામાં આગળ વધી ગયું. આધિકારિક માહિતી અનુસાર છેલ્લાં 80 વર્ષમાં આવી ઘટનાઓ માત્ર ત્રણ વાર ઘટી છે. છેલ્લે વર્ષ 1976માં, એટલે કે 48 વર્ષ પહેલાં આવું વાવાઝોડું સર્જાયું હતું. તે પહેલાં વર્ષ 1944 અને વર્ષ 1964માં આ પ્રકારનાં ચક્રવાત સર્જાયાં હતાં.
બીજી તરફ અસના ચક્રવાતનું નામ પાકિસ્તાન દ્વારા રાખવામાં આવ્યું હતું. ચક્રવાતોનાં નામકરણ કઈ રીતે કરવામાં આવે છે તે જાણવા માટે અહીંથી વિશેષ અહેવાલ વાંચી શકાશે.