Monday, April 22, 2024
More
  હોમપેજએક્સપ્લેઇનરExplainer: ક્યારેય વિચાર્યું છે કે કઈ રીતે અપાય છે વાવાઝોડાને નામ? કોણ...

  Explainer: ક્યારેય વિચાર્યું છે કે કઈ રીતે અપાય છે વાવાઝોડાને નામ? કોણ કરે છે નામકરણ? ચાલો સમજીએ

  મોટું કારણ એક એ પણ છે કે ટેક્નિકલ નામો યાદ રાખવાં અઘરાં હોય છે, જેથી લોકોને સમજાય અને તેમની જીભે ચડી જાય એવાં નામો આપવામાં આવતાં હોય છે. 

  - Advertisement -

  હમણાં સોશિયલ મીડિયા, મીડિયા, છાપાંઓ બધે એક નામની ચર્ચા ચાલે છે- બિપરજોય. આ એક વાવાઝોડાનું નામ છે, જે અરબ સાગરમાં સર્જાયું હતું અને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એકાદ અઠવાડિયા પહેલાં સમુદ્રમાં સર્જાયેલું આ ચક્રવાત પહેલાં પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ થોડા દિવસ પહેલાં ફરી દિશા બદલી નાંખી અને હવે ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવે દિશા બદલાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે એટલે પ્રબળ સંભાવનાઓ છે કે વાવાઝોડું બિપરજોય 15 જૂને કચ્છના જખૌ કાંઠે ટકરાશે. જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે તો લોકોને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગથી માંડીને તમામ લાગતાં-વળગતાં ખાતાંઓ સજ્જ છે. 

  આ વાવાઝોડાનું નામ ‘બિપરજોય’ છે. જે એક બંગાળી નામ છે, જેનો અર્થ થાય- આફત. અગાઉ ગુજરાતમાં ‘તાઉતે’ અને ‘વાયુ’ નામનાં ચક્રવાત ટકરાયાં હતાં. ગયા વર્ષે ઓડિશા અને બંગાળમાં ‘યાસ’ વાવાઝોડું આવ્યું હતું. આ જાણીને સ્વભાવિક પ્રશ્ન થાય કે આ વાવાઝોડાને નામ કોણ આપે છે અને કઈ રીતે અપાય છે. એ પણ પ્રશ્ન છે કે આખરે વાવાઝોડાને નામ આપવાનું કારણ શું છે.

  કેમ અપાય છે વાવાઝોડાને નામ? 

  કોઈ પણ ચક્રવાત સમુદ્રમાં સર્જાય અને દરિયાકાંઠા તરફ આગળ વધતું હોય તો હવામાન વિભાગ પહેલેથી જ એલર્ટ આપી દે છે. તીવ્ર ગતિએ આવતા વાવાઝોડાનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે અને અમુક જોખમી સ્થળોએથી લોકોને પણ ખસેડી લેવામાં આવે છે. ઉપરાંત દરિયો ખેડવા જતા માછીમારોને પણ સૂચના આપી દેવાય છે અને બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવે છે. લોકોને સતત સૂચનાઓ આપવામાં આવતી રહે છે. આ બધા કમ્યુનિકેશનમાં કોઈ જાતની તકલીફ ન પડે અને સરળતાથી સંદેશ પહોંચાડી શકાય તે માટે વાવાઝોડાને ચોક્કસ નામ આપવામાં આવે છે. 

  - Advertisement -

  ઉપરાંત, એવું પણ બને કે કોઈ એક સમયે સમુદ્રી વિસ્તારમાં બે ચક્રવાત પણ સર્જાયાં હોય શકે. આ સ્થિતિમાં કોઈ ગેરસમજ ન ઉભી થાય અને લોકો સમજી શકે તે માટે પણ નામ અપાય છે. વળી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મીડિયા વગેરેને પણ જો કોઈ એક ચોક્કસ નામ હોય તો સરળતા થઇ પડે છે. મોટું કારણ એક એ પણ છે કે ટેક્નિકલ નામો યાદ રાખવાં અઘરાં હોય છે, જેથી લોકોને સમજાય અને તેમની જીભે ચડી જાય એવાં નામો આપવામાં આવતાં હોય છે. 

  કોણ નક્કી કરે છે શું હશે વાવાઝોડાનું નામ? 

  દુનિયાના જુદા-જુદા ભાગોમાં સર્જાતાં વાવાઝોડાનાં નામકરણ પર દેખરેખ WMO નામની એક સંસ્થા રાખે છે. World Meteorological Organisation (વિશ્વ હવામાન સંસ્થા) નામની આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર (UN) હેઠળ કામ કરે છે અને દુનિયાના લગભગ તમામ દેશો તેના સભ્યો છે. આ WMO હેઠળ કુલ 6 RSMC (રિજનલ સ્પેશિયલાઈઝ્ડ મેટરોલોજિકલ સેન્ટર) કામ કરે છે. દુનિયાનાં જુદા-જુદા ભાગોમાં આવેલાં આ સેન્ટરો જે-તે વિસ્તારમાં સર્જાતાં વાવાઝોડાને નામ આપે છે. 

  નોર્થ એટલાન્ટિક અને ઇસ્ટર્ન-નોર્થ એટલાન્ટિક સમુદ્રમાં આવતા ચક્રવાત માટે નેશનલ હરિકેન સેન્ટર કાર્યરત છે, જાપાન અને તેની આસપાસના વિસ્તારોમાં જાપાન મેટરોલોજિકલ એજન્સી વાવાઝોડાને નામ આપે છે, એ જ રીતે અન્ય ભાગોમાં પણ સેન્ટરો કાર્યરત છે. હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ઉદ્દભવતાં વાવાઝોડાના નામકરણની જવાબદારી નવી દિલ્હી સ્થિત ભારતીય હવામાન વિભાગ પાસે છે. ભારતીય હવામાન વિભાગ આ હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં સર્જાતાં ચક્રવાતને નામ આપે છે તેમજ અન્ય 12 દેશોને એડવાઈઝરી પણ જારી કરે છે. જોકે, વાવાઝોડાની ઝડપ 62 કિમિ/કલાકની હોય તો જ તેને નામ અપાય છે.

  આ વાવાઝોડાના નામકરણની જવાબદારી ભલે ભારતીય હવામાન વિભાગ પાસે છે પરંતુ નામો હિંદ મહાસાગરની આસપાસના કુલ 13 દેશો મળીને નક્કી કરે છે. આ દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, માલદીવ્સ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, થાઈલેન્ડ અને યમનનો સમાવેશ થાય છે. આ દેશો પોતાની રીતે નામો સૂચવે છે. ત્યારબાદ તમામ દેશોનું એક સંયુક્ત સત્ર મળે છે અને જેમાં નામો પર અંતિમ મહોર મારવામાં આવે છે.

  નામકરણ માટે છે ચોક્કસ નિયમો 

  અહીં ખાસ નોંધવાની બાબત એ છે કે કોઈ પણ દેશ પોતાની રીતે કોઈ પણ નામ આપી શકતો નથી. આ માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે. જેમકે- 

  1. વાવાઝોડાનું સૂચવેલું નામ રાજકારણ, રાજકીય વ્યક્તિઓ, ધાર્મિક માન્યતાઓ, સંસ્કૃતિ કે જાતિઓ સબંધિત હોવું જોઈએ નહીં. 
  2. નામો એવી રીતે પસંદ કરવામાં આવે કે વિશ્વના કોઈ પણ ભાગમાં વસવાટ કરતા કોઈ પણ સમુદાયની ભાવનાઓને ઠેસ ન પહોંચાડે 
  3. નામ બોલવામાં કઠોર કે ક્રૂર ન લાગવું જોઈએ 
  4. નામ બોલવામાં સરળ, ટૂંકું અને કોઈ પણ પ્રકારે વાંધાજનક ન હોય તેવું હોવું જોઈએ 
  5. નામની મહત્તમ લંબાઈ 8 અક્ષરોની હોવી જોઈએ 
  6. જે નામ સૂચવવામાં આવે તે તેના ઉચ્ચારણ અને વોઇસ ઓવર સાથે મોકલવાનું હોય છે 
  7. જો આમાંથી કોઈ પણ નિયમનું પાલન ન થાય તો પેનલ નામ રદ કરી શકે છે 
  8. પ્રસ્તાવિત નામો પર સંયુક્ત બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે અને કોઈ પણ દેશને કોઈ પણ નામ પર વાંધો હોય તો તેઓ ઉઠાવી શકે છે 
  9. એક વખત વાવાઝોડાને અપાયેલું નામ રિપીટ થઇ શકતું નથી. જેથી નામ ફરજિયાત નવું હોવું જોઈએ. 

  વર્ષ 2020માં ભારતીય હવામાન વિભાગે કુલ 169 નામોની એક યાદી જાહેર કરી હતી. કુલ 13 દેશો દ્વારા 13-13 નામો સૂચવવામાં આવ્યાં હતાં, જેની ઉપર ઓમાનમાં યોજાયેલી એક સંયુક્ત બેઠકમાં ચર્ચા કરવામાં આવ્યા બાદ અંતિમ મહોર મારવામાં આવી હતી. આ 169 નામો આ પ્રમાણે છે. અહીં પહેલા ખાનાથી શરૂ કરવામાં આવે છે અને ઉભી પંક્તિમાં પસંદ કરવામાં આવતાં રહે છે. પહેલું નામ વપરાય પછી જ બીજું નામ લેવામાં આવે છે. 

  બિપરજોય નામ બાંગ્લાદેશે આપ્યું છે. અગાઉ ‘તાઉતે’ આવ્યું હતું, જેનું નામ મ્યાનમારે પાડ્યું હતું. ‘યાસ’ નામ ઓમાને આપ્યું હતું. ભારતે ગતિ, તેજ, આગ, વ્યોમ વગેરે નામો સૂચવ્યાં છે. અગાઉ ‘વાયુ’ વાવાઝોડું આવ્યું હતું, જેનું નામકરણ ભારતે કર્યું હતું. 2020માં સોમાલિયામાં ‘ગતિ’ વાવાઝોડું ટકરાયું હતું, જેનું નામ પણ ભારતે આપ્યું હતું. હવે ‘બિપરજોય’ પછી ‘તેજ’નો ક્રમ આવે છે, જેનું નામ પણ ભારતે જ આપ્યું છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં