ગાઝિયાબાદ અને પ્રયાગરાજમાં સામે આવેલા ઓનલાઈન ગેમિંગ દ્વારા ધર્માંતરણના કિસ્સા બાદ હવે રાજસ્થાનના સીકરમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા હિંદુ પરિણીતાનું ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની વિગતો એવી છે કે પીડીતાનો પતિ વિદેશમાં નોકરી કરે છે, જેથી સમય પસાર કરવા તે ઓનલાઈન ગેમ રમવાના રવાડે ચઢી હતી. તેવામાં ગેમમાં તેની મુલાકાત તૈયબ ખાન સાથે થતાં તેણે પીડિતાનું બ્રેઈનવોશ કરી તેનું ધર્માંતરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર સીકરના સદર પોલીસ સ્ટેશનની હદમાં રહેતી પીડિતાના જણાવ્યા અનુસાર તેનો પતિ વિદેશમાં રહે છે અને તે ટાઈમપાસ કરવા માટે ગેમિંગ પ્લેટફોર્મ પર આવી હતી. આ દરમિયાન ગેમના જ ‘લવ લાઈફ’ નામના એક ગ્રુપમાં જોડાઈ હતી. આ ગ્રુપમાં તેની મુલાકાત તૈયબ ખાન સાથે થઇ હતી. પીડિતાના જણાવ્યા અનુસાર તૈયબ અલીગઢનો રહેવાસી છે અને તેની કપડાંની દુકાન છે. સંપર્કમાં આવ્યા બાદ તૈયબ પરણિતા સાથે કલાકો સુધી વાતો કરતી અને ત્યારબાદ તેઓ ઈન્સ્ટાગ્રામ પર પણ મિત્ર બન્યાં હતાં.
રાજસ્થાનના સીકરમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા હિંદુ પરિણીતાનું ધર્માંતરણ થવાના આ કિસ્સામાં પીડિતાના જણાવ્યા અનુસાર તૈયબે તેને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના આખા પરિવારની માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ તે પીડિતાને ઇસ્લામ કબૂલ કરવા કહેવા લાગ્યો. આટલું જ નહીં, તે પીડિતાને નમાજ પણ પઢાવવા લાગ્યો હતો. જોકે પીડિતાને ઉર્દુ અને અરબી ભાષા નહોતી આવડતી, જેના માટે તૈયબે તેને ઓનલાઈન નમાજ પઢવાની ગાઈડલાઈન્સ પણ મોકલી આપી હતી. તૈયબ ખાને પીડિતાનું એ હદે બ્રેઈનવોશ કર્યું કે તેણે બુરખા જેવું ગાઉન પણ મંગાવ્યું અને તેને પહેરવા લાગી હતી.
તૈયબની વાતોમાં આવીને પરિણીતાએ પૂજા-પાઠ કરવાનું અને સેંથો પુરવાનું પણ બંધ કરી દીધું હતું. આ બાબત તેના પરિવારના ધ્યાને આવતા પરિવારે તેનો ફોન તપાસ્યો, જેમાં તેમને ઇસ્લામ સાથે જોડાયેલી બાબતો જોવા મળી. પીડિતની પૂછપરછ કરતાં તે તેના જ પરિવારને ધમકાવવા લાગી હતી. જે બાદ પરિવારે એસપીને મળીને આખી ઘટના જણાવી હતી. નોંધનીય છે કે જો પીડિતા ઇસ્લામ નહીં કબૂલે તો તૈયબ પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકીઓ આપીને પીડિતાને પોતાના સકંજામાં રાખતો હતો. આ મામલે પરિવારે પોલીસ પ્રશાસન પાસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પહેલા પ્રયાગરાજ અને ગાઝીયાબાદમાં ધર્માંતરણની ‘ગેમ’નો ખુલાસો થયો હતો
ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર ધર્માંતરણ કરવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા પ્રયાગરાજમાંથી પણ ઓનલાઈન ગેમ દ્વારા સગીરનું બ્રેઈનવોશ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં 16 વર્ષના સગીરની તેના પરિવારના સભ્યો માનસિક સારવાર કરાવી રહ્યા છે. સગીરે જનેઉ તોડીને નમાજ પઢવાનું શરૂ કરી દીધું હતું. તેણે જાળીદાર ટોપી પહેરવા માંડી હતી. આ મામલે જયારે મનોચિકિત્સકોએ છોકરા સાથે વાત કરી તો તેણે કહ્યું કે ચાર મુસ્લિમ છોકરાઓ તેનું ધર્માંતરણ કરવા માગે છે. તેઓ હિંદુ ધર્મ વિશે ભડકાવીને તેનું બ્રેઈનવોશ કરી રહ્યા હતા. તે આ મુસ્લિમ મિત્રોને મોબાઈલ ગેમિંગ એપ દ્વારા મળ્યો હતો.
પ્રયાગરાજ પહેલા ગાઝિયાબાદમાં ગેમિંગ દ્વારા ધર્માંતરણનો સ્ફોટક ખુલાસો થયો હતો. ગાઝિયાબાદ પોલીસે 30 મેના રોજ એફઆઈઆર નોંધીને ઓનલાઈન કન્વર્ઝનના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ નેટવર્કના વાયર 4 રાજ્યોમાં જોડાયેલા જોવા મળ્યા હતા. આ કન્વર્ઝન રેકેટનો આરોપી ગેમના બહાને સગીર બાળકોને બ્રેઈનવોશ કરતો હતો. આ માટે પાકિસ્તાની મૌલાનાઓના વીડિયો બતાવવામાં આવ્યા હતા.
કઈ રીતે ચાલે છે ગેમિંગ દ્વારા ધર્માંતરણનું નેટવર્ક
ઉલ્લેખનીય છે કે, ઇસ્લામવાદીઓ ઓનલાઈન ગેમિંગના શોખીન ટીનેજ બાળકોને એટલે જ નિશાન બનાવતા હતા જેથી બાળમાનસ સાથે છેડછાડ કરીને ધર્માંતરણ કરાવવાનું તેમનું લક્ષ્ય સરળ બની જાય. આ મામલે ‘ફોર્ટનાઈટ’ અને ‘ડિસ્કોર્ડ’ એમ બે ઍપના નામ સામે આવ્યા છે. હવે ગેમિંગની આડમાં ઇસ્લામવાદીઓ કઈ રીતે ‘જેહાદ ગેમ’ રમે છે, એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા ઑપઇન્ડિયાએ એક ખાસ એક્સપ્લેનર પણ બનાવ્યું હતું જે આપ અહીં વાંચી શકો છો.