રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન પર ઓડિશામાં નોંધાયેલી FIR અંગે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ઓડિશામાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR ન નોંધી શકાય અને આ માટે પહેલાં પરવાનગી લેવી જરૂરી છે.
જોકે આ મામલે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો અને તપાસ કરવાનો તેમની પાસે સંપૂર્ણ અધિકાર છે. રાહુલ ગાંધી વિરુદ્ધ આ FIR ઓડિશાના ઝારસુગુડામાં હિંદુ સંગઠનોએ તેમના નિવેદન ‘ઇન્ડિયન સ્ટેટ સામેની લડત’ મામલે નોંધાવી હતી.
ઓડિશા કોંગ્રેસના નેતાઓએ FIR અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. કોંગ્રેસના નેતા સુદર્શન દાસે FIR પર સવાલ ઉઠાવ્યાતા કહ્યું કે શું રાહુલ ગાંધીનો કેસ ઝારસુગુડા હેઠળ આવે છે. તેમણે પૂછ્યું કે શું પોલીસે FIR નોંધતી વખતે ઉચ્ચ અધિકારીઓની સલાહ લીધી હતી.
કોંગ્રેસે આ મામલે ડીજીપી ઓડિશાને મળવાની વાત ઉચ્ચારી હતી. કોંગ્રેસના નેતા સિબાનંદ રેએ દાવો કર્યો હતો કે પોલીસે રાજ્યની ભાજપ સરકારને ખુશ કરવા માટે આ કેસ નોંધ્યો છે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે CRPC કાયદા હેઠળ, સરકારી પદ ધરાવતા વ્યક્તિ સામે તપાસ માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.
IG લાલે સમજાવ્યા કોંગ્રેસને કાયદા
બીજી તરફ આ કેસમાં FIRનો આદેશ આપનારા IG સંબલપુર હિમાંશુ લાલે કોંગ્રેસના નેતાઓને કાયદા સમજાવ્યા હતા. આઈજી લાલે કહ્યું, “સામાન્ય રીતે કોઈપણ ગુના વિરુદ્ધ FIR તે જગ્યાએ નોંધવામાં આવે છે જ્યાં તે ઘટના બની હોય, પરંતુ જો નિવેદન બીજા રાજ્યમાં પ્રકાશિત થાય છે અને લોકો તેને જુએ છે, તો પોલીસને ત્યાં પણ કાર્યવાહી કરવાનો અધિકાર છે.”
આઈજી હિમાંશુ લાલે કહ્યું છે કે રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનથી ફરિયાદીને દુઃખ થયું છે, તેથી કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારક્ષેત્ર ઉપરાંત, તેમણે સરકારી પદ ધરાવતા વ્યક્તિ સામે FIR દાખલ કરવાના નિયમો પણ સમજાવ્યા છે.
આઈજી હિમાંશુ લાલે કહ્યું, “CRPCની કલમ 197 હેઠળ, કોઈપણ લોકસેવકના અપરાધ તપાસ કરવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી. પરવાનગી ફક્ત કાર્યવાહીના કિસ્સામાં જ લેવામાં આવે છે અને તે પણ જ્યારે આરોપી જાહેર સેવકે તેની ફરજ બજાવતી વખતે ગુનો કર્યો હોય, જે આ કેસમાં લાગુ પડતું નથી.”
ઝારસુગુડામાં નોંધાઈ હતી રાહુલ ગાંધી વિરુદ્ધ FIR
ઉલ્લેખનીય છે કે 7 ફેબ્રુઆરી, 2025ના રોજ ઝારસુગુડામાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હિંદુ સંગઠનોના કાર્યકરોએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આઈજી હિમાંશુ લાલે આ મામલાની તપાસ બાદ FIRનો આદેશ આપ્યો હતો.
ઓડિશામાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવા બદલ અધિકારક્ષેત્રના નામે રોદણાં રડનારી કોંગ્રેસે થોડા મહિના પહેલાં કર્ણાટકમાં FIR નોંધાવીને એક રાષ્ટ્રવાદી પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એક ટીમ ઉત્તર પ્રદેશ મોકલી હતી. આ FIR રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલ એક પોસ્ટ મામલે નોંધાવવામાં આવી હતી.