22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મહાઅવસરે આખા દેશમાં ઉજવણીઓ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ઠેર-ઠેર યાત્રાઓ-રેલીઓ કાઢવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરાના ભોજ ગામે ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 10 મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે હવે આ મામલે પોલીસે 26 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ દાખલ કરી છે. હાલ તમામ આરોપીઓ ફરાર છે.
મળતી માહિતી અનુસાર અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ રામલલા બિરાજમાન થયા બાદ આ પવિત્ર અવસરની ઉજવણી માટે પાદરાના ભોજમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યારે આચંક તેનાપર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. અચરજની વાત તો તે છે કે પથ્થરમારા દરમિયાન યાત્રામાં પોલીસ પણ હાજર હતી, તેમ છતાં યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
Stone Pelting on #ShobhaYatra at Padra in #Vadodara; Police complaint filed against 26 people #Gujarat #TV9News pic.twitter.com/jP6dWT9YI1
— Tv9 Gujarati (@tv9gujarati) January 23, 2024
યાત્રામાં સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ભગવાનની શોભાયાત્રા એક સાંકળા રસ્તા પરથી પસાર થઈ રહી છે. વિડીયોમાં એક મસ્જિદ જેવો ઢાંચો પણ દેખાઈ રહ્યો છે. લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે, આ યાત્રામાં 10 જેટલી મહિલા ભક્તોને ઈજાઓ પહોંચી હતી. યાત્રા સમયે પોલીસ હાજર હતી, પરંતુ અચાનક થયેલા પથ્થરમારામાં પોલીસની સંખ્યા ઓછી પડી. ઘટના બાદ આખા ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
પાદરાના ભોજ ગામે પથ્થરમારો થવાના આ આખા મામલામાં પોલીસે કુલ 26 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ 26 પૈકીના 16 જણા વિરુદ્ધ નામજદ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે તમામ લોકો હાલ ફરાર છે. તમામ આરોપીઓને ઝડપી લેવા પોલીસે કવાયદ શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
મહેસાણાના ખેરાલુમાં પણ રામયાત્રા પર થયો હતો પથ્થરમારો
ઉલ્લેખનીય છે કે ભોજ ગામ પહેલા મહેસાણાના ખેરાલુમાં આ જ પ્રકારની ઘટના બની હતી, જ્યાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી એક શોભાયાત્રા પર મસ્જિદ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે કુલ 32 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જ્યારે 15ની ધરપકડ કરી લેવામાં આવી છે.
FIRમાં જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. ઉપરાંત, હાથમાં તલવાર-ધારિયાં વગેરે હથિયારો લઇ આવીને શોભાયાત્રામાં જોડાયેલા માણસો પર હુમલો કર્યો હતો.