પાંચ વર્ષ પહેલાં ચીનમાંથી (China) ફેલાયેલા COVID વાયરસે આખા વિશ્વમાં જે આતંક મચાવ્યો, તેના કારણે ઉથલપાથલ સર્જાઈ હતી અને લાખો-કરોડો લોકોએ જીવ ગુમાવવા પડ્યા. આખું વિશ્વ થંભી ગયું હતું અને અનેક મોરચે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તે સમય પણ ડિસેમ્બર-જાન્યુઆરીનો જ હતો અને હવે આ જ સમયે ફરી એક વખત સોશિયલ મીડિયા પર અમુક વિડીયો ફરતા થયા છે, સમાચારો વહેતા થયા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં નવો એક વાયરસ ફેલાઈ રહ્યો છે અને હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાન્યુમોવાયરસ (Human Metapenumovirus) કહેવામાં આવી રહ્યું છે.
દાવા જો માનીએ તો કહેવામાં આવી રહ્યું છે કે, HMPVથી સંક્રમિત લોકોમાં ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ એ જ લક્ષણો છે જે કોરોના દરમિયાન પણ જોવા મળ્યાં હતાં. ચીનમાં આ વાયરસના કેસ સતત વધી રહ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને એવો પણ દાવો છે કે બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત જે લોકોને પહેલેથી જ શ્વસનસંબંધી કોઈ બીમારી છે તેમને વધુ જોખમ હોવાનું કહેવાય છે. ઉપરાંત વાયરસ ચેપી પણ હોવાના અહેવાલોમાં દાવા કરવામાં આવી રહ્યા છે.
⚠️ BREAKING:
— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease) January 1, 2025
China 🇨🇳 Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums.
Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China. pic.twitter.com/GRV3XYgrYX
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ચીન લોકશાહી દેશ નથી અને ત્યાં ભારત-અમેરિકાની જેમ ઇન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ હોતું નથી. મીડિયા પર પણ ઘણુંખરું નિયંત્રણ છે. જેના કારણે ચીનમાં વાસ્તવિક શું પરિસ્થિતિ છે તે જાણવું કે પુષ્ટિ કરવું અત્યંત કઠિન કામ છે. હાલ સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે ચોક્કસ આ જ સમયના છે કે કેમ કે ચીનના જ છે કે કેમ તે બાબતની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી અને ચીન જેવા દેશમાં એ શક્ય પણ નથી. જેથી હાલ માત્ર ધારણાઓ અને અનુમાનો જ છે.
બીજી તરફ, આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કે ચીનની સરકાર તરફથી પણ સત્તાવાર રીતે ન તો કોઈ જાણકારી આપવામાં આવી છે, ન કોઈ પ્રકારની ‘હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવામાં આવી છે.
શું છે HMPV
નિષ્ણાતો અનુસાર HMPV કોઈ નવો રોગ નથી. આ એક દાયકા જૂનો વાયરસ છે. તેની ઓળખ 2001માં થઈ હતી. આ વાયરસ દરેક પ્રકારના હવામાનમાં, પર્યાવરણમાં હાજર હોય છે. વિશ્વના કેટલાક દેશોમાં તેના કેસ અગાઉ પણ નોંધાયા છે. આ વાયરસનો ચેપ મોટે ભાગે 5 વર્ષથી નાનાં બાળકોને લાગે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા હોય છે.
આ વાયરસનો ચેપ દર વધારે હોવા છતાં તે જીવલેણ નથી. મોટાભાગના બાળકોમાં સામાન્ય શરદી અને ઉધરસનાં લક્ષણો જોવા મળે છે. ફક્ત કેટલાક કિસ્સાઓમાં આ વાયરસ શ્વસન રોગનું કારણ બને છે અથવા ન્યુમોનિયાનું કારણ બને છે. હાલમાં આને ગંભીરતાથી લેવાની આવશ્યકતા નથી પરંતુ જો વધુ કેસ આવી રહ્યા હોય તો આ અંગે માર્ગદર્શિકા જારી કરવી જોઈએ.
ચિંતાની કોઈ વાત નથી, વાયરસ નવો પણ નથી: સરકારી એજન્સીના ડોક્ટર
આ મામલે કેન્દ્ર સરકારની એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસના ડોક્ટર અતુલ ગોયલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ વાયરસ કોઈ નવો નથી અને હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
#WATCH | Delhi | On HPMV virus outbreak and preparedness of Indian hospitals, Directorate General of Health Services, Dr Atul Goel says, "… Metapneumovirus is like any other respiratory virus that causes common cold, and in very old and very young it could cause flu-like… pic.twitter.com/101vPTolAi
— ANI (@ANI) January 3, 2025
તેમણે કહ્યું, “મેટાન્યુમોવાયરસ એ અન્ય શ્વસનસંબંધી વાયરસની જેમ સામાન્ય શરદી કરે છે અને વૃદ્ધો કે બાળકોમાં ફ્લૂ જેવાં લક્ષણો જોવા મળે છે. અમે દેશમાં શ્વસનસંબંધી કેસોનો ડેટા જોયો છે અને 2024ના ડેટામાં કોઈ ચિંતાજનક વધારો જોવા મળ્યો નથી. શિયાળાની ઋતુમાં આવા કેસો વધારે આવે તો તેના માટે આપણી હોસ્પિટલો પૂરેપૂરી રીતે તૈયાર છે અને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.”
તેમણે આગળ કહ્યું કે, “હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ સામાન્ય તકેદારીઓ રાખે, જેમકે કોઈને ઉધરસ અને શરદી હોય તો અન્યોના સંપર્કમાં આવવાનું ટાળે અને જે દવાઓ લેવી પડતી હોય એ લે. બાકી વર્તમાનમાં ચિંતા લેવા જેવી કોઈ જ બાબત નથી.”