દિલ્હીની એક્સાઇઝ પોલિસી મામલેની તપાસ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. કેસની તપાસ કરતી એજન્સીઓ પૈકીની એક CBIએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023
ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, CBIએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવીને આગામી 16 એપ્રિલના રોજ હાજર રહેવા માટે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનિષ સિસોદિયા હાલ જેલમાં બંધ છે. તેઓ એક્સાઇઝ વિભાગ પણ સંભાળતા હતા અને તેમના નિર્દેશન હેઠળ જ આ પોલિસી ઘડવામાં આવી હતી. CBIએ આ મામલે પૂછપરછ બાદ ગત ફેબ્રુઆરી મહિનામાં તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારથી તેઓ તિહાડ જેલમાં બંધ છે.
26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદથી જ મનિષ સિસોદિયા જેલમાં બંધ છે અને તેમને જામીન મળ્યા નથી. તેમણે દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની ઉપર હવે આગામી 18 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલાં થયેલી સુનાવણીમાં ઇડીએ કોર્ટને કહ્યું હતું કે, આ કેસમાં સિસોદિયાની ભૂમિકા અગત્યની છે અને એમ પણ કહ્યું હતું કે, તેમણે પોલિસીને લઈને જનતાની સહમતિ દેખાડવા માટે ફર્જી ઇમેઇલ પણ પ્લાન્ટ કરાવ્યા હતા.
શું છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ?
દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર, 2021ના રોજ નવી એક્સાઇઝ પોલિસી (આબકારી નીતિ) લાગુ કરી હતી. સરકારે નીતિ લાગુ થયા બાદ રાજકોષમાં વધારો થવાનો અને માફિયા રાજ ખતમ થવાનો દાવો કર્યો હતો પરંતુ થયું તેનાથી વિપરીત અને સરકારને નુકસાન ગયું. ત્યારબાદ જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં આ પોલિસી દ્વારા દારૂના વેપારીઓને અયોગ્ય લાભ પહોંચડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ બાદ એલજીએ આ કેસની તપાસ સીબીઆઈ સમક્ષ કરાવવા માટેની ભલામણ કરી હતી. ત્યારબાદ એજન્સીએ ઓગસ્ટ, 2022માં કેસ હાથ પર લીધો હતો અને મનિષ સિસોદિયા સહિત 15 વ્યક્તિઓને આરોપી બનાવ્યા હતા. ત્યારબાદ મામલો નાણાંને લગતો હોઈ ઇડીની પણ એન્ટ્રી થઇ અને ઇડીએ પણ કેસ નોંધ્યો હતો. છ મહિનાની તપાસ માટે મનિષ સિસોદિયાને ફેબ્રુઆરીમાં પકડી લેવામાં આવ્યા હતા તો હવે કેજરીવાલને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે.