કેનેડામાં હિંદુ મંદિરોમાં વારંવાર તોડફોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આવી જ એક ઘટના ફરી બનવા પામી છે. જેમાં એક જ રાત્રિમાં ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે એક સંદિગ્ધ વ્યક્તિએ ત્રણ હિંદુ મંદિરમાં દાનપેટીમાંથી ચોરી અને તોડફોડ કરી છે. આ મામલે ડરહામ પોલીસ આરોપીને શોધી રહી છે.
કેનેડામાં સ્થિત ઑન્ટારિયા વિસ્તારમાં આવેલાં ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ અને ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. કેનેડા પોલીસ અનુસાર, આરોપી 8 ઓક્ટોબરે પિકરીંગમાં આવેલા બેલી સ્ટ્રીટ અને ક્રોસ્નો બુલેવાર્ડ વિસ્તારમાં એક મંદિરમાં ઘૂસતો જોવા મળ્યો હતો. તે વાદળી રંગના સર્જીકલ માસ્ક, ઝિપ કરેલા ટાઈટ હૂડ સાથેનું કાળું જેકેટ, લીલા રંગનું ‘કેમો’ કાર્ગો પેન્ટ અને લીલા રંગના રનિંગ શૂઝ પહેરેલો જોવા મળ્યો હતો. તે આરોપીની ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ હતી અને તે લંગડાતો ચાલી રહ્યો હતો.
પોલીસને CCTV ફૂટેજથી જાણવા મળ્યું કે રાત્રે 12:45ના અરસામાં એક વ્યક્તિ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટીમાંની રકમ ચોરી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે સિક્યોરીટીના પહોંચવા પહેલાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અન્ય બે મંદિરોને પણ કર્યા ટાર્ગેટ
એક મંદિરમાં ચોરી કર્યાના થોડા સમય બાદ લગભગ 1:30ના અરસામાં તે પિકરીંગના બ્રોક રોડ અને ડર્સન સ્ટ્રીટના વિસ્તારમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરી અને ઘૂસતો જોવા મળ્યો હતો. મંદિર સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ દરવાજો તોડ્યો અને તિજોરી ચોરવાનો પ્રયાસ કર્યો હતો, તિજોરીમાં દાનની તમામ રકમ મૂકવામાં આવી હતી. પરંતુ તે ચોરી કરી શક્યો નહીં અને પોલીસ પહોંચે તે પહેલાં જ ત્યાંથી ભાગી ગયો. આ ઘટનાની પુષ્ટિ પણ CCTVમાં થઈ ચૂકી છે.
ચોરીની ઘટના આટલે જ પૂરી નથી થતી. તે જ સવારે લગભગ 2:50 વાગ્યે તે જ આરોપી આજાક્સમાં વેસ્ટની રોડ સાઉથ અને બેલી સ્ટ્રીટ વેસ્ટના વિસ્તારમાં અન્ય એક મંદિરને ટાર્ગેટ કરે છે. તે મંદિરમાં ઘૂસીને બે દાનપેટીમાંની તમામ રકમ ચોરી કરીને ફરાર થઈ જાય છે.
2,000 કેનેડાઈ ડોલરનું ઈનામ
પોલીસે લોકોને આગ્રહ કર્યો છે કે જો કોઈપણ વ્યક્તિને સંદિગ્ધ આરોપી વિશેની જાણકારી મળે છે તો તેઓ તુરંત જ પોલીસને જાણકારી આપે. પોલીસે ગુપ્ત માહિતી આપવા પર 2,000 કેનેડિયન ડોલરના ઈનામની ઘોષણા કરી છે. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે હાલ પોલીસ તે આરોપીને શોધવા માટે કાર્યવાહી કરી રહી છે.
આ પહેલાં કેનેડામાં અનેક હિંદુ મંદિરને કરાયાં હતાં ટાર્ગેટ
આ પહેલાં પણ હિંદુ મંદિરને ટાર્ગેટ કર્યાની ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ 12 ઓગસ્ટ, 2023ને શનિવારના રોજ અડધી રાત્રે સરે (Surrey) શહેરમાં સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ નિજજરની મોતને લઈને જનમત સંગ્રહના પોસ્ટરો લગાવ્યાં હતાં. તે પહેલાં મિસિસાગાના રામ મંદિરમાં તોડફોડ કરી ભારત વિરોધી નારા ચીતરવાની ઘટના બની હતી. ભારતના કોન્સ્યુલેટ જનરલે એક નિવેદનમાં આ બાબતની જાણકારી આપી અને નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મિસિસાગાના રામ મંદિરમાં તોડફોડ કરીને ભારતવિરોધી નારા ચીતરીને અપમાનિત કરવાના કૃત્યની કડક ટીકા કરીએ છીએ. તેમણે કેનેડિયન પ્રશાસનને આ ઘટનાની ઊંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ પણ કરી હતી.
આ સિવાય કેનેડાના ગૌરી શંકર મંદિર, ટોરેન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર અને અન્ય પણ ઘણા મંદિરોમાં તોડફોડ કરી અને ભારત વિરોધી નારા ચીતરવાની ઘટનામો બની ચૂકી છે.