કેનેડામાં ભારતીય મંદિરોમાં વારંવાર તોડફોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના કેનેડાના સરે(surrey) શહેરમાં બનવા પામી હતી. જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા માટે આંતકવાદી હરદીપ નિજજરની હત્યા પર જનમત સંગ્રહનાં પોસ્ટર પણ લગાવ્યાં હતાં.
કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા વારંવાર હિંદુ મંદિરોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ 12 ઓગસ્ટ, 2023ને શનિવારના રોજ અડધી રાત્રે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સરે (Surrey)માં સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ નિજજરની મોતને લઈને જનમત સંગ્રહના પોસ્ટરો લગાવ્યા હતા. જેનાથી ભારતીય સમુદાયમાં ડર પેદા થઈ શકે.
આરોપીઓની આ હરકત મંદિર પરિસરમાં લગાવેલા CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા ટૂડેએ X (ટ્વિટર) પર એક વિડીયો શૅર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે બે લોકો મંદિરમાં આવે છે, બંનેએ પોતાનું મોઢું છુપાવી રાખ્યું છે. જેમાં વાદળી પાઘડી પહેરેલો વ્યક્તિ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની જનમત સંગ્રહના પોસ્ટર લગાવે છે. ત્યારબાદ બંને ત્યાંથી ફરાર થઈ જાય છે.
#Breaking Another #Hindu temple vandalised in #Canada by #Khalistan extremists – bogus#Khalistanreferendum posters put at door of @surreymandir to create fear among #Indian community @itssamonline @AryaCanada @DrAmitSarwal @Pallavi_Aus @SarahLGates1 @CBCTerry @AdityaRajKaul pic.twitter.com/PG0NeJJTAE
— The Australia Today (@TheAusToday) August 12, 2023
પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે, 18 જુને થયેલા હત્યાકાંડમાં ભારતની ભૂમિકાની તપાસ માટે ખાલિસ્તાની સમર્થક જનમત સંગ્રહ કરાવવા જઈ રહ્યા છે. પોસ્ટર પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજજરનો ફોટો લગાવી તેને ‘શહીદ’ બતાવવામાં આવી રહ્યો છે.
હરદીપ નિજજરની થઈ હતી હત્યા
જે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજજરનાં પોસ્ટર મંદિરના મુખ્ય દરવાજા પર લગાવ્યાં હતાં. તેની આ જ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકારે ડેજિગ્નેટેડ આતંકવાદી ઘોષિત કર્યો હતો. થોડા સમય પહેલાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, તેમાં હરદીપ નિજજરનું નામ પણ સામેલ હતું. હરદીપ નિજજરની કેનેડાના સરે(surrey) શહેરમાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તે કેનેડાના શીખ સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જાલંધર જિલ્લાનો રહેવાસી હતો. આ પહેલાં 2022માં પંજાબના જાલંધરમાં હિંદુ પૂજારીની હત્યા કરવાની સાજિશના ગુનામાં NIAએ ભાગેડુ આતંકવાદી હરદીપ નિજજર પર 10 લાખનું ઈનામ પણ રાખ્યું હતું.
આ પહેલા પણ હિંદુ મંદિરોને કરાયા હતા ટાર્ગેટ
આ પહેલા પણ કેનેડામાં મંદિરોમાં તોડફોડ થયાની ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં મિસિસાગાના રામ મંદિરમાં તોડફોડ કરી ભારત વિરોધી નારા ચિતરવાની ઘટના બની હતી. ભારતના કોન્સુલેટ જનરલે એક નિવેદનમાં આ બાબતની જાણકારી આપી અને નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મિસિસાગાના રામ મંદિરમાં તોડફોડ કરીને ભારતવિરોધી નારા ચીતરીને અપમાનિત કરવાના કૃત્યની કડક ટીકા કરીએ છીએ. તેમણે કેનેડિયન પ્રશાસનને આ ઘટનાની ઊંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ પણ કરી હતી.
આ પહેલાં કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોને નિશાન બનાવવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં કેનેડાના જ બ્રેમ્પટનમાં ગૌરી શંકર મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ જ મોડ્સ ઓપરેન્ડીથી મંદિરની દીવાલે ભારતવિરોધી નારા ચીતરવામાં આવ્યા હતા. આ કૃત્ય પાછળ પણ શીખ્સ ફોર જસ્ટિસ અને અન્ય પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનોનો જ હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ SFJ દ્વારા મંદિરની દીવાલો પર નારા ચીતરવાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.
ગત સપ્ટેમ્બર મહિનામાં કેનેડામાં ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મંદિરની દીવાલ પર ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા ચીતરવામાં આવ્યા હતા.
ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોને નિશાન બનાવવાની 3 ઘટનાઓ બની હતી. જેમાં મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું તો તેના થોડા દિવસ બાદ તે જ શહેરના ઐતિહાસિક શિવ અને વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના થોડા દિવસ બાદ ફરીથી મેલબર્નના ઇસ્કોન મંદિરમાં તોડફોડ અને ભારતવિરોધી નારા ચીતરવાની ઘટના બની હતી.