ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંઘને મોટી રાહત મળી છે. સગીર પહેલવાને લગાવેલા યૌન શોષણના આરોપોની તપાસ કરતી દિલ્હી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સગીર પહેલવાને લગાવેલા આરોપોમાં દિલ્હી પોલીસે તેમને ક્લીન ચિટ આપી છે અને કહ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.
આજે દિલ્હી પોલીસે બે કોર્ટમાં WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. જેમાંથી રોયુઝ એવન્યૂ કોર્ટમાં 6 વયસ્ક મહિલા પહેલવાનોની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવેલા કેસ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તો પટિયાલા હાઉસ કોર્ટમાં સગીર પહેલવાનની ફરિયાદ પર દાખલ થયેલા કેસમાં કેન્સલેશન રિપોર્ટ રજૂ કરાયો હતો.
Wrestlers' case | Cancellation report has been filed in the minor's case in Delhi Patiala House Court; the next date of hearing is 4th of July
— ANI (@ANI) June 15, 2023
A Cancellation Report is filed in cases when no corroborative evidence is found
ગત 21 એપ્રિલના રોજ 7 મહિલા પહેલવાનોએ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે યૌન શોષણની ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે દિલ્હી પોલીસે 28મીએ બે કેસ દાખલ કર્યા હતા. જેમાંથી સગીરની ફરિયાદના આધારે POCSO હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસને અંતે જ્યારે આજે પોલીસે કોર્ટ સમક્ષ કેન્સલેશન રિપોર્ટ દાખલ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, ‘પોક્સો કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ અને પીડિત અને તેના પિતાનાં નિવેદનો મેળવ્યા બાદ અમે CrPCની કલમ 173 હેઠળ પોલીસ રિપોર્ટ રજૂ કરીને કેસ રદ કરવા માટે વિનંતી કરી છે.’ અહીં નોંધનીય છે કે જ્યારે પોલીસને કોઈ કેસમાં આરોપો સાબિત કરતા યોગ્ય પુરાવા ન મળે ત્યારે તેઓ કોર્ટમાં કેન્સલેશન રિપોર્ટ રજૂ કરીને કેસ રદ કરવાની માંગ કરે છે. આ મામલાની વધુ સુનાવણી 4 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
In the POCSO matter, after completion of the investigation, we have submitted a police report under section 173 Cr PC requesting for a cancellation of the case based upon statements of the complainant i.e., the father of the minor victim and the victim herself: Delhi Police https://t.co/XWKBzpXhHs
— ANI (@ANI) June 15, 2023
પહેલવાનના પિતાએ કહ્યું હતું- બ્રિજભૂષણ સિંહ સામે ખોટી ફરિયાદ કરી હતી
અહીં ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે ગત 8 જૂન, 2023ના રોજ સગીર પહેલવાનના પિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમણે બ્રિજભૂષણ સિંઘ સામે ખોટી ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે, તેમની પુત્રી ગયા વર્ષે એક ફાઇનલ હારી ગઈ હતી અને જેના ગુસ્સામાં બદલો લેવા માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “મેચ ડ્યુટીનો આખો સ્ટાફ દિલ્હીથી હતો અને પ્રતિસ્પર્ધી છોકરી પણ દિલ્હીની જ હતી, જે ગેરકાયદેસર છે. મેં મારું નિવેદન બદલ્યું છે. અમુક આરોપો સાચા છે અને અમુક ખોટા. બ્રિજભૂષણે મારી દીકરીનું યૌન શોષણ કર્યું ન હતું, પરંતુ તેઓ તેની પ્રત્યે ભેદભાવ રાખતા હતા.
15 જૂન સુધી પહેલવાનોનું આંદોલન સ્થગિત કરાયું છે
છેલ્લા થોડા સમયથી વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના પહેલવાનો WFI ચીફ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે મોરચો માંડીને બેઠા છે. પહેલાં તેમણે 23 એપ્રિલથી 28 મે સુધી જંતર-મંતર પર આંદોલન કર્યું હતું, પરંતુ 28મીએ સંસદ ભવનના ઉદ્ઘાટન દરમિયાન નવા ભવન સુધી માર્ચ કરવાના પ્રયાસ બદલ તમામની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે ધરણાસ્થળ ખાલી કરાવી દીધું હતું.
તાજેતરમાં જ પહેલવાનોએ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. ત્યારબાદ પહેલવાનોએ 15 જૂન સુધી આંદોલન રદ કરી દીધું હતું.