ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ સતત બીજી વખત સુકાન માણિક સાહાને સોંપવામાં આવ્યું છે. માણિક સાહા રાજ્યના આગામી મુખ્યમંત્રી પદે શપથ લેશે.
Tripura | Manik Saha has been elected as legislative party leader by BJP MLAs. He will be the CM of the state.
— ANI (@ANI) March 6, 2023
(File Pic) pic.twitter.com/ItKNX1VI3k
આજે ત્રિપુરાના અગરતલા ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે માણિક સાહાને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
Tripura | Manik Saha arrived at Raj Bhawan after he was elected as legislative party leader by BJP MLAs. pic.twitter.com/6WOJrMUY0g
— ANI (@ANI) March 6, 2023
ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ માણિક સાહા ત્રિપુરા રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કર્યો હતો. હવે રાજ્યપાલ તેમને મુખ્યમંત્રી પદે શપથ લેવા માટે આમંત્રણ આપશે. રિપોર્ટ્સ અનુસાર, તેમનો શપથગ્રહણ સમારોહ આગામી બુધવારે (8 માર્ચ, 2023) યોજાશે.
ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ મુખ્યમંત્રીના ચહેરા તરીકે બે-ત્રણ નામો ચાલી રહ્યાં હતાં. એવી અટકળો પણ વહેતી થઇ હતી કે ભાજપ માણિક સાહાને કેન્દ્રમાં મોકલીને તેમના સ્થાને દાયકાઓનો ડાબેરી પાર્ટીઓનો ગઢ જીતીને આવેલાં પ્રતિમા ભૌમિકને રાજ્યનાં આગામી સીએમ બનાવી શકે છે. આજે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
કોણ છે માણિક સાહા?
માણિક સાહાને ગયા વર્ષે મે મહિનામાં ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે બિપલબ કુમાર દેવનું સ્થાન લીધું હતું. ત્યારે તેઓ રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તેઓ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. રાજકારણમાં જોડાવા પહેલાં તેઓ ત્રિપુરા મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ પહેલાં કોંગ્રેસમાં હતા. વર્ષ 2016માં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. તેઓ ત્રિપુરા ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
2018ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે પાર્ટીમાં રહીને મોટો ફાળો ભજવ્યો હતો અને બિપલબ કુમાર દેવ સાથે મળીને 25 વર્ષના કોમ્યુનિસ્ટ પાર્ટીના શાસનને ઉખાડી ફેંક્યું હતું. તે સમયે તેમને રાજ્યમાં પાર્ટીની મેમ્બરશિપ ડ્રાઈવના ઇન્ચાર્જની તેમજ બૂથ મેનેજમેન્ટકમિટીના ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી હતી.
વર્ષ 2020માં ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્રિપુરાના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. 2 વર્ષ બાદ મે, 2022માં તેમને ત્રિપુરાના સીએમ બનાવી દેવામાં આવ્યા. 2023ની ત્રિપુરા ચૂંટણી પણ પાર્ટી તેમના નેતૃત્વમાં જ લડી અને હવે તેઓ સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીએ વિજયી બની હતી. પાર્ટીને કુલ 60માંથી 32 બેઠકો મળી હતી. બાકીની બેઠકોમાંથી ટિપરા મોથા પાર્ટીને 13, CPI-Mને 11, કોંગ્રેસને 3 અને પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરાને 1 બેઠકો મળી હતી. બહુમતીનો આંકડો 31નો છે.