Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટત્રિપુરાને પહેલા મહિલા CM મળશે?: જાણીએ કોણ છે પ્રતિમા ભૌમિક, જેમણે દાયકાઓ...

    ત્રિપુરાને પહેલા મહિલા CM મળશે?: જાણીએ કોણ છે પ્રતિમા ભૌમિક, જેમણે દાયકાઓ સુધી લેફ્ટનો ગઢ રહેલી બેઠક પર ખીલવ્યું કમળ

    ભાજપે માણિક સાહાને જ સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા છે પરંતુ જો પ્રતિમા ભૌમિક તેમનું સ્થાન લે તો તેઓ ત્રિપુરાનાં પહેલા મહિલા મુખ્યમંત્રી હશે. 

    - Advertisement -

    ત્રિપુરા-મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણીઓનાં પરિણામો ગુરુવારે (2 માર્ચ, 2023) જાહેર કરવામાં આવ્યાં. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે જ્યારે મેઘાલયમાં પણ પાર્ટીના સમર્થન સાથે NPP સરકાર બનાવશે. ત્રિપુરામાં ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીને 60માંથી 32 બેઠકો મળી છે. આ ચૂંટણી બાદ એક મહિલા નેતા ચર્ચામાં છે- પ્રતિમા ભૌમિક. 

    પ્રતિમા ભૌમિક ત્રિપુરાની ધનપુર બેઠક પરથી વિજેતા બન્યાં છે. આ બેઠક લેફ્ટ પાર્ટીઓનો ગઢ કહેવાતી હતી અને જ્યાં આજ સુધી ભાજપે જીતનું ખાતું ખોલાવ્યું ન હતું પરંતુ પ્રતિમા ભૌમિકે આ સિલસિલો તોડી દીધો છે અને પહેલી વખત કમળ ખીલવ્યું છે. 

    કેટલાક મીડિયા અહેવાલોમાં એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે તેઓ ત્રિપુરાનાં આગામી મુખ્યમંત્રી બની શકે છે. જોકે, ભાજપે માણિક સાહાને જ સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા છે પરંતુ જો પ્રતિમા ભૌમિક તેમનું સ્થાન લે તો તેઓ ત્રિપુરાનાં પહેલા મહિલા મુખ્યમંત્રી હશે. 

    - Advertisement -

    પ્રતિમા ભૌમિક હાલ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી છે. તેમણે ત્રિપુરા ચૂંટણીમાં ધનપુર બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તેમણે આ બેઠક પરથી સીપીએમ ઉમેદવાર કૌશિક ચંદાને હરાવી દીધા છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી અહીં લેફ્ટ હાર્યું ન હતું. 

    1972માં ત્રિપુરાને રાજ્યનો દરજ્જો મળ્યા બાદ આ બેઠક પર સૌથી પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગ્જ નેતા સમર ચૌધરી જીત્યા હતા. તેઓ 1993 સુધી સતત અહીંથી જીતતા રહ્યા. 1998ની ચૂંટણીમાં આ બેઠક પરથી માણિક સરકાર ચૂંટણી જીતીને સીએમ બન્યા હતા. ત્યારથી 2018 સુધી તેઓ આ બેઠક પરથી જીતતા રહ્યા. ગત ચૂંટણીમાં પણ પ્રતિમા ભૌમિક તેમની સામે 6 હજાર મતોથી હારી ગયાં હતાં. પરંતુ આ ચૂંટણીમાં પાસાં પલટાઈ ગયાં છે. 

    ત્રિપુરા ચૂંટણીમાં ધનપુર બેઠક પર પહેલી વખત ભાજપનો વિજય (તસ્વીર: ECI)

    આ ચૂંટણીમાં પ્રતિમા ભૌમિક 4 હજાર મતોથી CPI-M ઉમેદવાર સામે જીત્યાં છે. તેમને 19 હજાર મતો મળ્યા હતા. આ ચૂંટણીમાં જીત બાદ તેમની મુખ્યમંત્રી બનવાની અટકળોએ જોર પકડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને સીએમ બનાવવામાં આવશે અને માણિક સાહાને કેન્દ્ર સરકારમાં સ્થાન આપવામાં આવશે. 

    પ્રતિમા ભૌમિક ત્રિપુરાના રાજકારણનું જાણીતું નામ છે. તેઓ વર્ષ 1991થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલાં છે. તેઓ RSS સાથે પણ જોડાયેલાં હતાં તો પ્રદેશ સ્તરે ભારતીય જનતા પાર્ટીમાં અનેક પદો પર ફરજ બજાવી ચૂક્યાં છે. હાલ તેઓ પશ્ચિમ ત્રિપુરા લોકસભા બેઠક પરથી ભાજપનાં સાંસદ છે. 

    તેઓ ધનપુર ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે અગરતલા મહિલા કોલેજથી બાયોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અભ્યાસ બાદ પિતાને મદદ કરવા માટે તેઓ ગામ આવી ગયાં હતાં અને અહીં ખેતી અને નાના વ્યવસાયમાં પિતાને મદદ કરતાં હતાં. ઉપરાંત, તેઓ સમાજ સેવા પણ કરતાં હતાં. RSSમાં કામ કરતાં-કરતાં તેઓ ભાજપમાં જોડાયાં હતાં.

    સમર્થકોમાં તેઓ ‘પ્રતિમા દી’ નામથી લોકપ્રિય છે. ઉપરાંત, તેમની ગણતરી જમીન સાથે જોડાયેલા નેતાઓમાં કરવામાં આવે છે. જો તેઓ સીએમ બને તો ત્રિપુરાને પહેલા મહિલા મુખ્યમંત્રી મળશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં